ચીનુ મોદી કાવ્ય પંક્તિઓ

 ચિનુ મોદી 'ઇર્શાદ' 

30 સપ્ટેમ્બર જન્મ દિવસ 🌹



છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. 

આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. 

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી, 

આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. 

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,

 કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. 

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે

 થાંભલો, આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. 

બાતમી મળશે તને 'ઇર્શાદ'ના એકાંતની,

 ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.


🌹


અધમણ અંધારું ઘેરાયું, સમજી જા

ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા

મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે

માથા સાથે ધડ છેદાયું, સમજી જા.


નભની આ ગેબી વાણી છે, સમજી જા

પળ પોતે પણ પટરાણી છે, સમજી જા

દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો

ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.


પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા

સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા

મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે

મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.


બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા

જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા


–  ચિનુ મોદી


🌹


 પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી ?

સ્વયં નાવ તોફાની ક્યારે હતી ?


તમાશા બતાવે બધી બારીઓ-

સડક એની પોતાની ક્યારે હતી ?


મને છોડી દેતા તને કષ્ટ શું ?

જણસ સાવ સોનાની ક્યારે હતી?


નદી જેમ ઉંચેથી પટકાઉં પણ

જગા કોઈ મોભાની ક્યારે હતી ?


હતા સાત પર્દા થવા રૂ-બ-રૂ

ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી


-ચીનુ મોદી 'ઈર્શાદ'


🌹



હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈને

સપનાંઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં

ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું

આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને

અમને જીવાડવા તો એ રાજીનો રેડ છે

તારા વગર શું હોઈ શકું હોઈ હોઈને

‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :

તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.

-ચિનુ મોદી


🌹


રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો

કહી ના શક્યો કોઇને કે ખસો.


પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે

અને દરવખત આપ ફિક્કું હસો.


સમય નામની બાતમી સાંપડી

પછી લોહી શું કામ નાહક ધસો ?


પડે ડાળથી પાંદડું, એ પછી

ઈલાજો કરું એકથી એક સો.


ઈલાજો કરું એકથી એક સો

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.


-ચિનુ મોદી


🌹


 રચના નીચે......


નામ લખેલું રચના નીચે,

વ્યાપ્ત ઠસેલું રચના નીચે.


પ્હેલાં  વાંચે  કોની  રચના,

ખાસ રચેલું? રચના નીચે!


નામ ન ગમતું પલટે પાનું,

કો'ક વસેલું....રચના નીચે!


અર્થ વસે છે શબ્દો વચ્ચે,

કર્મ લખેલું, રચના નીચે!


માણે વાંચક, હો બિનશર્તી,

કાવ્ય રડેલું...રચના નીચે!


આંસુ સારે ખૂબ કવિતા,

માન ઢળેલું...રચના નીચે !


_ હરીશ શાહ


🌹


ડો.ચિનુ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વંદન સહ શબ્દાંજલી....


પામી જશે તું ઈશ્વર, થઈ આજ આભ વાણી,

આજે બઘું ઉડાડી, કરજો બધાને લ્હાણી.


સૌની દશા છે સરખી, હસતા મુખે રડે છે,

ખર્ચા અમાપ થાતા, બે પાઈની કમાણી.


જીવનના ખેલ દેખી, હારી જવાય થોડું?

જો અંધકારમાં પણ, ખીલે છે રાતરાણી.


હું એટલે કહું છું, શિખ્યો નદી કનેથી,

આખર વહી જવાનું, તકદીર જ્યાં લખાણી.


ના લડ તું જાત સાથે, આખર પ્રશાંત તારે,

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી*


..........પ્રશાંત સોમાણી


તરહી પંકિત :- ડો. ચિનુ મોદી.

ટિપ્પણીઓ