માતૃભાષાનું શૈક્ષણિક મહત્ત્વ આ દુનિયામાં આપણને જન્મ આપનાર માતા, ને આપણી અભિવ્યક્તિને જન્મ આપનાર માતૃભાષા. પ્રાચીન સમયમાં કહેવાતુ કે માણસ ડહાપણ ધરાવી શકે છે એ એની વિશેષતા છે, કેમ કે બીજા પ્રાણીઓ વિચાર કરી શકતાં નથી અને સિદ્ધાંતો બાંધી શકતાં નથી, પરંતુ માણસ એવું કરી શકે છે. વાસ્તવિક રીતે આજે હવે એમ પણ કહી શકાય કે માણસ બોલી શકે છે એ એની વિશેષતા છે, કેમકે માણસની બૌદ્ધિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક બધી પ્રગતિમાં ભાષાનો ફાળો ઘણો મોટો છે. હવે, “ભાષા” શબ્દનો વ્યાપક અર્થ કરીએ તો “ભાષા એટલે અભિવ્યક્તિ અને અવગમનનું અવાજોનું બનેલું કોઇપણ માધ્યમ.” આમ, ભાષા માનવ-સંસ્કૃતિના વિકાસનું એક પરિબળ છે. ભાષા માનવ-સમાજનું સર્જન છે. તેથી જ બાળક એનાં જે-તે સમાજની પ્રણાલિકાગત રીત પ્રમાણે વિચારોનું સંક્રમણ કરતાં શીખે છે, જે તેની માતૃભાષામાં હોય છે. આ રીતે ભાષા એક સામાજિક સંસ્થા કે માનવસંસ્થા છે. "Every human society is held together by language." ભાષા અન્ય માનવસંસ્થાઓની જેમ સર્વવ્યાપક છે, છતાં પ્રજાએ-પ્રજાએ એનું સ્વરૂપ અને નામ જુદાં છે,...