માતૃભાષાનું શૈક્ષણિક મહત્ત્વ


આ દુનિયામાં આપણને જન્મ આપનાર માતા,

ને આપણી અભિવ્યક્તિને જન્મ આપનાર માતૃભાષા.

          પ્રાચીન સમયમાં કહેવાતુ કે માણસ ડહાપણ ધરાવી શકે છે એ એની વિશેષતા છે, કેમ કે બીજા પ્રાણીઓ વિચાર કરી શકતાં નથી અને સિદ્ધાંતો બાંધી શકતાં  નથી, પરંતુ માણસ એવું કરી શકે છે. વાસ્તવિક રીતે આજે હવે એમ પણ કહી શકાય કે માણસ બોલી શકે છે એ એની વિશેષતા છે, કેમકે માણસની બૌદ્ધિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક બધી પ્રગતિમાં ભાષાનો ફાળો ઘણો મોટો છે.

હવે, “ભાષા” શબ્દનો વ્યાપક અર્થ કરીએ તો “ભાષા એટલે અભિવ્યક્તિ અને અવગમનનું અવાજોનું બનેલું કોઇપણ માધ્યમ.” આમ, ભાષા માનવ-સંસ્કૃતિના વિકાસનું એક પરિબળ છે. ભાષા માનવ-સમાજનું સર્જન છે. તેથી જ બાળક એનાં જે-તે સમાજની પ્રણાલિકાગત રીત પ્રમાણે વિચારોનું સંક્રમણ કરતાં શીખે છે, જે તેની માતૃભાષામાં હોય છે. આ રીતે ભાષા એક સામાજિક સંસ્થા કે માનવસંસ્થા છે. "Every human society is held together by language."

          ભાષા અન્ય માનવસંસ્થાઓની જેમ સર્વવ્યાપક છે, છતાં પ્રજાએ-પ્રજાએ એનું સ્વરૂપ અને નામ જુદાં છે, જે પરિવર્તનીય પણ છે. બાળક સૌપ્રથમ પોતાની માતાના દૂધમાંથી જે ભાષા મેળવે છે એ એની માતૃભાષા ગણાય છે. કોઇ પણ માનવ-બાળક પોતાની માની અથવા કુટુંબની ભાષાના તંત્રને જેટલી ઝડપથી આત્મસાત્  કરી લે છે તેટલી તેના પછીના જીવનકાળ દરમિયાન કોઇ પણ ભાષા શીખી શકતું નથી, જો શીખે તો પણ તેનું જીવન કે જીવનમૂલ્યો માતૃભાષા દ્વારા જ ઘડાય છે. વિશ્વની કોઇ પણ સર્જકપ્રતિભા એવી નહીં હોય જેનું પ્રથમ સર્જન માતૃભાષામાં ન થયું હોય. કવિવર ટાગોર લખે છે કે, “શિક્ષણ તો આહાર જેવું છે. પહેલા જ કોળિયે સ્વાદનો આનંદ મળવો જોઇએ. માતૃભાષામાં એ બને છે. અન્ય ભાષાના શિક્ષણમાં એવું બનવાનો સંભવ નથી. તેના તો પહેલા જ કોળિયે બત્રીસે દાંત હલી ઊઠે છે. ધરતીકંપ થઇ જાય છે.’” આ દૃષ્ટિએ દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા માટે ગૌરવ હોવું જ ઘટે. હું જે ભાષામાં સપનું જોઉં છું, મેં જે ભાષામાં સૌપ્રથમ હાલરડું સાંભળ્યું છે, તે ભાષા મારી માતાના ખોળા જેવી પવિત્ર છે. માતૃભાષામાં બોલવું, લખવું અને તેનું શિક્ષણ મેળવી તેનું રક્ષણ કરવાની ફરજ છે. આમ, સ્વભાષા અભિમાન કે માતૃભાષા અભિમાન સિવાય ભાષા - સુધાર શક્ય નથી. 

             ભાષા-સુધાર માટે માતૃભાષાનું શિક્ષણ અનિવાર્ય છે. બીજા રાજ્યની ભાષા ન આવડે તો તે ચાલે પણ પોતાના જ રાજ્યની કે પ્રદેશની ભાષા તો પ્રત્યેક નાગરિકને આવડવી જ જોઈએ. હાલમાં ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશનાં લગભગ તમામ રાજયોમાં જે તે રાજભાષાના શિક્ષણ કરતાં અંગ્રેજી ભાષાના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવે છે. ભારતનાં ગામડાંમાં પણ હવે આ રિવાજ ફેલાતો જાય છે અને અંગ્રેજી માધ્યમની શાળાઓનો ઘણો વધારો થતો જાય છે. માતૃભાષાના ભોગે આ શિક્ષણ મેળવવું આપણને પોસાય નહીં. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા હોવાથી તે જાણવી જરૂરી, પણ તેના કારણે સ્વભાષા બોલવા કે લખવામાં ગૌરવને બદલે ક્ષોભ અનુભવવો કેટલા અંશે વાજબી?

માતૃભાષા ભૂલતાં ભાન ભૂલ્યાં, ભૂલ્યા આપણે સ્વાભિમાન,

મા ને તરછોડી માસી પાછળ, ભાગ્યા મળે ક્યાંથી જ્ઞાની

          ગુજરાતીમાં એક કહેવત છે કે “સો શિક્ષક બરાબર એક માતા.” માતાના ધાવણમાંથી જે સંસ્કાર અને ભાષા સિંચાય છે તે બાળકનો વારસો બની જાય છે અને પેઢીઓ સુધી તે ચાલે છે. ગુજરાતી માતા-પિતાનું બાળક ભલે ઇંગ્લેન્ડમાં જન્મે પણ તેને ગળથૂથીમાં તો ગુજરાતી ભાષા જ આવવાની. એક શિક્ષિત તરીકે આજે પણ મને લાગે છે કે મારી માતૃભાષાની યોગ્ય કેળવણી મને મળી નથી. આવું શું આપણને ક્યારેક નથી થતું?

         ગુજરાતી શાળામાં અભ્યાસ કરવા છતાં પણ ગુજરાતી વિષયનું વ્યાકરણ-વિષયક જ્ઞાન ઘણું ઊણું છે. કારણો સ્પષ્ટ છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભાષા સિવાય શીખવાતા વિષયો જેવા કે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગણિત વગેરે વિષયોની ભાષા તો ગુજરાતી જ, પરંતુ જે તે વિષયના શિક્ષકો જે તે વિષયનું જ્ઞાન જરૂર ધરાવતા હોય છે પણ તે વિષયની ભાષા અંગેનું નહીં. કોઇ પણ વિષયનો શિક્ષક સૌપ્રથમ તો તેના વક્તવ્યની ભાષાનો શિક્ષક છે. 

                માતૃભાષામાં શિક્ષણ મેળવનાર બાળકને અન્ય ભાષા સારી રીતે ન આવડે એ ખ્યાલ આજે આપણે ભૂંસવો પડશે. માતૃભાષાના શિક્ષણને જ પાયાનું શિક્ષણ કહી શકાય. ગુજરાતની ધરતીના છોરુને ગુજરાતી જ શુદ્ધ ન આવડે તે કેટલું શરમજનક ગણાય? માતૃભાષા અથવા સ્વભાષા-સુધાર માટે ગુજરાત સરકાર અને દરેક ગુજરાતીએ કટિબદ્ધ થવું પડશે. દિવસે દિવસે માતૃભાષાના શિક્ષણની ઉપેક્ષા થતી જાય છે એમ નથી લાગતું? ગાંધીયુગમાં ગાંધીજી સહિત ગુજરાતીના જેટલા લબ્ધપ્રતિષ્ઠ સર્જકો ગુજરાતને સાંપડ્યા એટલા અને એવા સર્જકોની ખામી આજે શું નથી જણાતી ? 

ગુજરાતી ભાષાનું ખેડાણ ઘટતું ગયું છે. ગુજરાતી ભાષામાં સાહિત્ય-પ્રકારો વધ્યા પણ ગુજરાતી સાહિત્યકારો ખૂટવા માંડ્યા છે. જેનું કારણ માતૃભાષાના શિક્ષણનો અભાવ અને ઊણપ, ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધ્યું પણ માતૃભાષાના શિક્ષણનું પ્રમાણ અને સ્તર ઘટતાં જ ગયાં છે.૧૯૨૯માં ગાંધીજી પ્રેરિત “સાર્થ ગુજરાતી જોડણી કોશ” પછી આજે આટલાં  વર્ષો બાદ પણ ગુજરાતીઓને આ કોશની આવશ્યકતા સમજાઇ નથી. કારણ? માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા અને અજ્ઞાનતા. આ ઉદાસીનતા અને અજ્ઞાનતા નિવારવા માતૃભાષાના યોગ્ય સ્થાન અંગે કેટલાક ઘટતા પ્રયત્નો કરી શકાય.

          કોઇ પણ માધ્યમની શાળામાં ગુજરાતીનું શિક્ષણ ફરજિયાત બનાવવું, ઉચ્ચશિક્ષણ એટલે કે કૉલેજના વિદ્યાર્થીઓ માટે પણ કોઇપણ પ્રવાહની કૉલેજમાં ગુજરાતી વિષયનું શિક્ષણ ફરજિયાત બનાવવું. કૉલેજના પ્રથમ વર્ષમાં ખાસ કરીને વિનયન પ્રવાહમાં અંગ્રેજી વિષય આજે પણ ફરિજયાત છે તે અજુગતું લાગે છે. આપણે ગુજરાતી ભાષા વિશે કદીયે સજાગ રહ્યા નથી. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવવું જરૂરી છે.

            જાહેર માધ્યમોની ભાષામાં વપરાતી ગુજરાતીમાં પણ ગુજરાતી લોકોની ઊણી માતૃભાષાનાં જ દર્શન થાય છે. જાહેર માધ્યમોમાં પણ ગુજરાતી ભાષાના તજ્જ્ઞો-વિદ્વાનોનું માર્ગદર્શન ફરજિયાત બનાવવું જરૂરી છે. ખાસ કરીને ગુજરાતી ભાષાની જોડણી માટે નિશ્ચિત ધોરણ નક્કી કરવાં આવશ્યક છે. આજે પણ કદાચ શુદ્ધ ગુજરાતી ભાષા માટેનાં નિશ્ચિત ધોરણો આપણી પાસે નથી.

             શિક્ષણ માટે, સુધારણા માટે કોઇ પણ માધ્યમની શાળાના દરેક શિક્ષકને ગુજરાતી શુદ્ધ, સરળ અને સ્પષ્ટ રીતે બોલતાં, લખતાં અને વાંચતાં આવડવું જોઇએ. કોઇ પણ ક્ષેત્રની નોકરી માટે સાચું ગુજરાતી આવડવું અનિવાર્ય હોવું ઘટે. અન્ય રાજ્ય કે ભાષાના સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાના પ્રયાસો થાય છે પણ તે પર્યાપ્ત નથી. આ બાબતે ગતિ વધારી પ્રગતિ સાધવી પડશે. ગુજરાતી ભાષા અને સાહિત્યના સર્જનમાં શ્રેષ્ઠતા લાવી જગતની દરેક ભાષામાં તેનો અનુવાદ થાય એવું ગરવું સાહિત્ય-નિર્માણ ગુજરાતી ભાષામાં થવું આવશ્યક છે.

           માતૃભાષાના શિક્ષણમાં અથવા તો કોઇ પણ ભાષાના શિક્ષણ માટે વ્યાકરણનું જ્ઞાન તે પાયાની બાબત છે. આજે શાળા-કૉલેજમાં ગુજરાતી ભાષા કરતાં તેની જોડણી અને વ્યાકરણવિષયક સાચી માહિતી વિદ્યાર્થીઓને આપવી જ પડશે. ગુજરાતી ભાષાના તાસ પણ વધારે મળે તેવી અપેક્ષા રખાય. હજી આજે પણ કેટલીય શાળા-કૉલેજો તેમજ યુનિવર્સિટીનાં પ્રવેશપત્રો અંગ્રેજીમાં ભરવાં  પડે છે. આ પ્રથાની જડ નાબૂદ કરવી પડશે. સ્વભાષા શિક્ષણના ઓપવર્ગો ફક્ત સરકારી કચેરીઓ કે કાર્યાલયમાં જ નહીં ચલાવતાં દરેક શાળા, કૉલેજના શિક્ષકો-વિદ્યાર્થીઓ માટે ચાલે તો પરિસ્થિતિ સુધારી શકાય.

            અંતે, આ બધાય પ્રયત્નોની સાથોસાથ ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જે અંગ્રેજી શબ્દોનું કચુંબર ભળવા માંડ્યું છે. તેની ગંભીરતા સમજી આપણે ભેળસેળિયું ગુજરાતી ન બોલતાં શુદ્ધ ગુજરાતી બોલવાનો આગ્રહ રાખવો પડશે. આપણે શુદ્ધ ગુજરાતી બોલીશું તો બાળકો પણ એવું જ શીખશે અને આગળ જતાં તેમને પણ માતૃભાષાનું મહત્ત્વ સમજાશે તેમજ તેનું શિક્ષણ પણ સરળ બનશે.”

   માટે જ કવિ નર્મદ કહે છે કે, “મને ફાંફડું  અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” સાભાર નીલેશ થાનકી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3