નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ
NEP - National Education Policy 2020 - રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં પણ માતૃભાષામાં શિક્ષણ આપવા ઉપર અને માતૃભાષાનું શિક્ષણ સરસ આપવા ઉપર ભાર મુકાયો છે, પણ સરકાર દ્વારા એના અમલ પર કાર્યવાહી પ્રમાણમાં ખૂબ ઓછી થાય છે. શિક્ષણજગત અંગ્રેજી ભાષા અને માધ્યમના ચાહકોથી ખૂબ પ્રભાવિત છે. એવી વિદેશ-પરસ્ત શિક્ષણ આપતી મોટી મોટી સંસ્થાઓનું તુષ્ટીકરણ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આપણો આખો સમાજ દિગ્ભ્રમિત છે. અંગ્રેજી શિક્ષણથી પ્રભાવિત થઈને અંગ્રેજિયતમાં જીવી રહ્યો છે. પરિણામે ભાષાની પાછળ વિદેશી સંસ્કૃતિ પણ બિલ્લીપગે ઘૂસી રહી છે, જેનો અનુભવ આપણે ડગલે ને પગલે કરી રહ્યા છીએ. પણ બધું જાણતા - સમજતા હોવા છતાં આપણે ઢસડાઈ રહ્યા છીએ અને ઊંડી ખીણમાં પડીને વિનાશ નોતરી રહ્યા છીએ. માતૃભાષા તો માતા અને માતૃભાષા વચ્ચેનો સેતુ છે. એ ભૂલીને જીવીશું તો આપણે ગુજરાતી તરીકે...ભારતીય તરીકે આપણી ઓળખ ગુમાવી બેસીશું. કોઈ પણ દેશ પારકી ભાષામાં શિક્ષણ આપીને વિકસ્યો નથી. માત્ર આપણને જ આવી મૂર્ખામી સૂઝી છે...અને ભારત જાણે ઇંગ્લેન્ડનું પરગણું હોય તેમ જીવી રહ્યા છીએ. માતૃભાષાની અવગણના કરીને આપણે આપણી જાતને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા ...