અનુસ્વાર ..લે. રમેશ તન્ના સૌજન્યથી

પ્રિય ભાષાસાધક મિત્રો, આપણી ગુજરાતી ભાષામાં 'અનુસ્વાર'નું અનન્ય મહત્ત્વ છે. એ ભાષાનો શૃંગાર છે. પણ એ જ વિષયમાં આપણે ખૂબ ભૂલો કરીએ છીએ અને અનર્થ સર્જાય છે. આ વિષય સારી અને સરળ ભાષામાં સિદ્ધહસ્ત લેખક શ્રી રમેશભાઈ તન્નાએ લખીને મોકલ્યો છે. એનો સૂક્ષ્મ અભ્યાસ આપણે કરવો જોઈએ...તો આપણી ભાષાસજ્જતા વધશે. આ વિષયને સાચવી રાખશો અને એની નકલ પણ કાઢી રાખજો. આભાર.... હર્ષદ પ્ર. શાહ દિનાંક : ૦૮.૧૦.૨૦૨૨ --------------------------------- શબ્દગોષ્ઠિ -------------- વાત અનુસ્વારની... ------------------------ ગુજરાતી ભાષામાં સૌથી વધુ અરાજકતા અનુસ્વારના સંદર્ભે પ્રવર્તે છે. હવે તો જોકે, આ અરાજકતાએ વિસ્તાર વધાર્યો છે અને જોડણી, વ્યાકરણ જેવા પ્રદેશોને પણ સર કરી લીધા છે. ગુજરાતી ભાષામાં ભૂલ વગરનું લખતી વ્યક્તિને પણ અનુસ્વારમાં ભૂલ થતી હોય છે. મોટા મોટા લેખકો પણ એમાં થાપ ખાઈ જતા હોય છે. ઘણા લોકો દલીલ કરી શકે કે, જો ગુજરાતી ભાષામાંથી અનુસ્વારનો નિયમ રદ કરવામાં આવે તો મોટાભાગની ભૂલો ઓછી થઈ જાય ! કવિ ‘સુંદરમ્’ નું હરિગીત છંદમાં લખાયેલું 'અનુસ્વાર અષ્ટક' ખૂબ જાણીતું છે. કોઈ કવિ ભાષાની કાળજી રાખીને આવું કાવ્ય લખે એ પણ કેવી સરસ વાત કહેવાય ! તેમની આ કૃતિ તેમની માતૃભાષા ગુજરાતી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાવ્યમાં કવિએ અનુસ્વારનું મહત્ત્વ બતાવીને અનુસ્વાર ક્યાં ક્યાં આવે તે સમજાવ્યું છે. કવિતા સમજવી અઘરી હોય એવા કિસ્સામાં જેને સમજવાનું કામ વિકટ છે તે અનુસ્વારને કવિ કવિતા દ્વારા સમજાવે ત્યારે અજબ જેવું લાગે. અનુસ્વારને નાક સાથે સીધો સંબંધ છે. અનુસ્વાર નાકને અનુસરે છે. नासिकाम् अनुसरति इति अनुनासिकः। એટલે કે, નાસિકા(નાક)ને અનુસરે તે અનુનાસિક. એનો અર્થ એ થયો કે જેને જેને નાક હોય તેણે તેણે અનુસ્વારનું અનુસરણ કરવું જ જોઈએ. હા, નાક ના હોય એની વાત જુદી છે ! એક મોટા લેખક-કેળવણીકારે પોતાની અંતિમ હસ્તપ્રતમાં સુધારા કર્યા. પ્રૂફરીડરે ધ્યાન દોર્યું કે, તમે જ્યાં અનુસ્વાર કરવાના હતા ત્યાં નથી કર્યા અને નહોતા કરવાના ત્યાં કર્યા છે. કેળવણીકારે તાર્કિક જવાબ આપ્યો કે, જ્યાં જ્યાં મેં ખોટા અનુસ્વાર મૂક્યા છે ત્યાંથી લઈને તમે જ્યાં જ્યાં તેની જરૂર છે ત્યાં મૂકી દો. લેખનસામગ્રી વધશે નહીં તેથી પુસ્તકની સજાવટમાં પણ તકલીફ નહીં પડે...! અનુસ્વારનો કેવો ઉપહાસ ! એક વિદ્યાર્થીએ જવાબવહીમાં કેટલાંક મીંડાં મૂકીને નોંધ કરી હતી કે, જ્યાં મૂકવાનાં હોય ત્યાં મૂકીને વાંચજો. પીટીસી કે બીએડની તાલીમ લેતા વિદ્યાર્થીઓ ગણિતમાં ટીપુ સુલતાન વિશે ભણાવવાનું હોય ત્યારે પાણીનું ટીપું બતાવીને કહેતા હોય છે કે, આજે આપણે ટીપું સુલતાન (ખરેખર ટીપુ સુલતાન એમ હોવું જોઈએ) વિશે ભણીશું. અજાણતાં તેઓ ટીપુંને ટીપુ (સુલતાન) બનાવી દે છે. આમ તેઓ અનુસ્વારનો ભોગ લે છે. કેટલાંક ઉદાહરણો જોઈએ: સબંધ નહીં, પણ સંબંધ. ઊંડું લખાય. પ્રિયવંદા નહીં, પરંતુ પ્રિયંવદા એમ લખાય. આ શબ્દ લખવામાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. ખાધેલાં ફળ એમ લખાય, ખાધેલા ફળ એમ ના લખાય. જે શબ્દ નાન્યતર જાતિનો હોય તે બહુવચનમાં લખાય ત્યારે અનુસ્વાર હાજર થઈ જાય. એ જ રીતે મહિલાઓને જ્યારે માન આપો ત્યારે પણ ચાંદલો કરવાનો. એટલે કે, અનુસ્વાર જોઈએ. ગામડું બહુવચનમાં ગામડાં થઈ જાય અને પછી એ અમારાં ગામડાં કહેવાય. નિયમ એવો છે કે : પું0, સ્ત્રી0 અને નપું0 પૈકી કોઈ પણ બે લિંગ કે ત્રણ લિંગના શબ્દોનો પ્રયોગ સાથે કરવામાં આવે ત્યારે અનુસ્વાર આવે. અનુસ્વારને સમજવાના અઘરા છે, પરંતુ ટેવ પાડવામાં આવે તો સમજ્યા વગર પણ સાચું લખી શકાય. સમજીને તો લખી જ શકાય. અનેક જગ્યાએ અનુસ્વાર ખોટી રીતે મુકાયેલા જોવા મળે છે. એ જોઈને જીવ બળે છે. વંદન અને અભિનંદન શબ્દ લખો ત્યારે અનુસ્વારને કદી ભૂલશો નહીં. મારા વંદન એમ નહીં લખવાનું, મારાં વંદન. આ જ વાત અભિનંદન શબ્દને પણ લાગુ પડે છે. જો 'નહિ' લખો તો અનુસ્વારની જરૂર નથી, પરંતુ 'નહીં'માં અનુસ્વાર જોઈએ. ટેવ પાડીને એક 'નહીં'ને નક્કી કરી લેવાની. આપણે ગમે તેટલા હકારાત્મક હોઈએ તો પણ નહીં કે નહિ વગર ચાલતું નથી. જે વાચકો-ભાષકોને વધુ રુચિ છે તેમના માટે આ રહ્યું અનુસ્વાર અષ્ટક. હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું, મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઇંદ્ર શું. મુજ સ્થાન ક્યાં, મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી, તો સજ્જ બનશો જ્ઞાનથી, સૌંદર્યથી ને ક્ષેમથી. તો પ્રથમ જાણો હું અને તુંમાં સદા મુજ વાસ છે, આ જ્ઞાન વિણ હુ-હુ અને તુ-તુ તણો ઉપહાસ છે. (હું, તું, શું, નું, કયું, રહ્યું, ગયું, થયું, પળ્યું, ટળ્યું વગેરેમાં અનુસ્વાર આવે જ. ઉકારાંત એકવચનનાં આ બધાં ક્રિયાપદોમાં અનુસ્વાર આવે જ.) હું કરુ-વાંચુ-લખુ જોજો એમ લખશો લેશ તો, મા શારદાના રમ્ય વદને લાગતી શી મેશ જો.. (લખુ કે કરુ એમ મીંડા વિનાનું લખવું તે ભૂલભરેલું છે. ) નરમાં કદી નહિ, નારીમાં ના એકવચને હું રહું, હું કિંતુ નારી-બહુવચનમાં માનવંતું પદ ગ્રહું. (નરજાતિમાં ક્યારેય અનુસ્વાર ન આવે ! નારીજાતિમાં એકવચનમાં તે ન આવે પરંતુ નારીજાતિના માનાર્થે બહુવચનમાં તો અનુસ્વાર અચૂક આવે, આવે ને આવે !!) દા. ત. – ‘બા ગયાં’, ‘આવ્યાં બેન મોટાં’ એમ જો ન તમે લખો, ‘બા ગયા’, ’આવ્યા બેન મોટા’ શો પછી બનશે ડખો ! ને નાન્યતરમાં તો ઘણી સેવકતણી છે હાજરી, લો, મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરી. (નાન્યતર જાતિમાં બહુવચને અનુસ્વાર વિના ન જ ચાલે !! નાન્યતર નામના વિશેષણમાં પણ છેલ્લે ઉકારાન્ત હોય એટલે એકવચનમાં પણ અનુસ્વાર આવશે. (વિશેષણના બહુવચનમાં તો એ આવે જ આવે. દા.ત. પેલું ફૂલ. ધોળું ફૂલ, નાનું ફૂલ, કેવું-વહાલું ફૂલ વગેરેનાં બહુવચનોમાં: પેલાં-ધોળાં-નાનાં-કેવાં- વહાલાં ફૂલો ! ) સૌ મુજ વિશેષણ એકને બહુવચનમાં રાખો મને, યાચું કૃપા આ ખાસ, મારો ભરખ ત્યાં ઝાઝો બને. ‘શું ફૂલ પેલું શોભતું’ ! જો આવું પ્રેમે ઉચ્ચરો, ‘શાં ફૂલ પેલાં શોભતાં’ ! બહુવચનમાં વાણી કરો. મોજું નિહાળો એક નીરે, ત્યાં પછી મોજાં બને, બમણાં અને તમણાં પછી અણગણ્યાં કોણ કહો ગણે ? (મોજું નાન્યતરજાતિ એકવચનમાં અનુસ્વાર આવે ને એના બહુવચનમાં પણ આવે : જેમ કે - મોજાં, બમણાં, તમણાં-ત્રણગણાં વગેરે.) ને બંધુ, પીતાં ‘નીર ઠંડું’ ના મને પણ પી જતા, ને ’ઝાડ ઊંચાં’ પર ચડો તો ના મને ગબડાવતા. (નીર=પાણી નાન્યતર એટલે તથા ઝાડ પણ નાન્યતર એટલે અનુસ્વાર આવે. એના બહુવચને પણ સમજી લેવાનું જ. નાન્યતર જાતિનાં વિશેષણોમાં ઊંચાં ઝાડ / ઠંડાં પીણાં વ.) બકરા અને બકરાં, ગધેડા ને ગધેડાં એક ના, ગાડાં અને ગાંડા મહીં જે ભેદ, ભૂલો છેક ના. (બકરા, ગધેડા અને ગાંડા( પુરુષો જ ફક્ત !) હોય તો એને ટપકાં ન લાગે કારણ કે ચાંદલો પુરુષોને ન હોય ! પણ ગાડું નાન્યતર એટલે એના બહુવચન ગાડાંને અનુસ્વાર લાગે !! આ બધા ગાંડા (પુરુષો) ને ગાડાં (વાહન)નો આટલો ફેર !) ને જ્યાં ન મારો ખપ, મને ત્યાં લઈ જતા ન કૃપા કરી, નરજાતિ સંગે મૂકતાં, પગ મૂકજો નિત્યે ડરી. (નરજાતિવાળા બહુવચનમાં હોય તોય અનુસ્વાર-ચાંદલા વિનાના જ હોય. પણ જો એમાં સ્ત્રીઓ પણ સાથે હોય તો પુરુષો અને સ્ત્રીઓ બધાં જતાં હતાં એટલે સ્ત્રીઓ (નારીજાતિ) સાથે હોય તેથી ચાંદલો લાગી જાય !! ) કો મલ્લને એવું કહ્યું જો, ‘ક્યાં ગયાં’તાં આપજી?’ જોજો મળે ના તરત મુક્કાનો મહા સરપાવજી. (નરને માથે ચાંદલો કરવાની ભૂલ કોઈ પહેલવાનને, ક્યાં ગયાં હતાં ? એમ પૂછી જોજો ! મુક્કો મળી જશે !) તો મિત્ર મારી નમ્ર અરજી આટલી મનમાં ધરો, લખતાં અને વદતાં મને ના સ્વપ્નમાંયે વિસ્મરો. હું રમ્ય ગુંજન ગુંજતું નિત જ્ઞાનના પુષ્પે ઠરું, અજ્ઞાનમાં પણ ડંખું-કિંતુ એ કથા નહિ હું કરું. [ દોહરો ] અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ, પ્રેમ થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ. છાપે છાપે છાપજો, પુસ્તક પુસ્તક માંહ્ય, કંઠ કંઠ કરજો, થશે શારદ માત સહાય. પાકો આનો પાઠ જો કરવાને મન થાય, સૂચન એક સમર્પું તો, કમર કસી લો, ભાઈ ! નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ, અનુસ્વાર એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ. અનુસ્વાર ખૂબ મહત્ત્વનો અને ગહન વિષય છે. અહીં શ્રી વિનાયક ધોત્રે લિખિત ‘શબ્દ-જોડણી સમૃદ્ધિ’ પુસ્તકમાંથી આ વાનગી કેટલી સ્વાદિષ્ટ છે તે ચખાડવાનો પ્રયાસ કરાયો છે. આલેખન : રમેશ તન્ના સંપર્ક : ૯૮૨૪૦૩૪૪૭૫

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3