માતૃશ્રી* અને *માતુશ્રી* વચ્ચેનો તફાવત
• *માતૃશ્રી* અને *માતુશ્રી* વચ્ચેનો તફાવત રોહિત શાહ માતૃભૂમિ, માતૃભાષા, માતૃવંદના, માતૃસ્મરણ વગેરે શબ્દોમાં 'માતૃ'નો પ્રયોગ થાય છે. એ કારણે કેટલાક લોકો 'અમારાં પૂજ્ય માતૃશ્રી', અથવા 'તમારાં પ્રેમાળ માતૃશ્રી' એમ લખે છે અને બોલે પણ છે; એ તદ્દન ખોટું છે. માતા શબ્દ સાથે જ્યારે છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય (નો, ની, નું, ના,) આવતો હોય અને એ પ્રત્યય કાઢી નાખીને સમાસ કરવામાં આવ્યો હોય ત્યારે 'માતૃ' શબ્દનો પ્રયોગ કરવાનો હોય છે. જેમકે માતાની ભાષા - માતૃભાષા, માતાની વંદના - માતૃવંદના, માતાનું સ્મરણ - માતૃસ્મરણ, માતાની ભૂમિ - માતૃભૂમિ વગેરે... પરંતુ જ્યારે સંબોધન રૂપે અથવા વાતચીતમાં માતા વિશે ઉલ્લેખ કરવાનો હોય અને એમાં વિભક્તિનો પ્રત્યય રાખ્યો હોય ત્યારે માતુશ્રી લખવાનું હોય. જેમકે મારાં માતુશ્રીનો જન્મદિવસ છે, તમારાં માતુશ્રીને મારાં વંદન પાઠવજો. આ બંને વાક્યમાં 'નો' અને 'ને' પ્રત્યયનો ઉપયોગ થયેલો હોવાથી અહીં 'માતૃ' ન લખાય, માતુ જ લખાય.