રંગ છે રંગાકુઈ
મારી, તમારી, આપણી
વાત – 2
ખબર લઈ નાખી
ખબર લઈ નાખી
આ લેખમાં દર્દીની સમૂહ
મુલાકાત અને તેના પરિણામે દર્દી,તેના પરિવાર જનો અને અન્ય માટે જાણતાં_ અજાણતાં આપણે કેવી તકલીફો ઊભી કરીએ
છીએ, તે જોઈએ.
બીમાર માણસની ખબર_ અંતર પૂછવી એક આપણો
સામાજિક શિષ્ટાચાર છે. એક સારી બાબત છે. આપણે દર્દીની મુલાકાત લઈ જલદી સાજા થવાની
શુભેચ્છા પાઠવીએ છીએ, “ કંઈ કામ હોય તો કહેજો “
એમ કહી આપણું કર્તવ્ય બજાવ્યાનો
ભાવ અનુભવીએ છીએ. તો સામે દર્દીને પણ લોકો મળવા આવે ખબર પૂછે એટલે લાગણી, હૂંફ
,સહાનુભૂતિ અને સહકારનો અનુભવ થાય છે.
દર્દીની મુલાકાત વિવેકપૂર્ણ હોય તો
એ સાર્થક છે. પણ કેટલીક વાર ટ્રેકટરો
ભરીને કે જીપો ભરીને દર્દીને જોવા અને રોવા ઉમટી પડતાં ટોળાં ત્રાસ કરી મૂકે છે.
આવાં ખબર લેવા આવેલાં ટોળાં ઘર,ગામ કે દવાખાનાની ખબર લઈ નાખે છે. ઘોના પાપે પીંપળો
બળે એ ન્યાયે ઘણીવાર દર્દીનું નામ અટક જાણી ડૉક્ટર હોસ્પિટલમાં ઍડ્મિટ કરવાની ના
પાડે. ઘણા કાલાવાલા કરીએ ત્યારે આકરી શરતે
કેસ હાથ પર લે છે. બીમારી કરતાંય આ ખબર પૂછનારાનો ત્રાસ વધી જાય . હોસ્પિટલમાં ખબર લેનારાઓ (ખબર
પૂછનારા નહિ) દ્વારા મોટા અવાજે ગામ કે સમાજનાં ટોળટપ્પાં અને નીંદા_ કુથલી ચાલતી હોય જે આજુબાજુમાં રહેલા
દર્દીઓ માટે અસહ્ય બને છે. તોફાન મચાવતાં બાળકોને લઈ ખબર પૂછનારાવોથી તો
ભગવાન સૌને બચાવે ! આ છોકરાં દર્દીના ફળફ્ળાદિ તો ખાઈ જાય સાથે દર્દીને ચડાવેલ
બોટલની નળીઓ ખેચી નાખે કે આખો પલંગ
હચમચાવી મૂકે ! કોઈક વસ્તુ લેવા જીદે ચડી રોકકળ કરી શાંતિ કે આરામમાં ખલેલ ઊભી કરે
છે.
બીમારીના લીધે પૂરતી ઉંઘ કે આરામ દર્દીને
મળે નહિ અધુરામાં પૂરું ખબર લેનારા વેળા_કવેળા જોયા વગર પોતાની અનુકૂળતાએ પહોંચી
જાય છે . પરિણામે દર્દીને ના જમવાનો સમય મળે ના આરામનો. ખબર લેવા માટે આવેલી બહેનો
_ આવી બીમારી પહેલા કોને થયેલી, એ ભાઈ કે
બહેન કેટલા દિવસમાં મરેલા કે પથારીમાં કેટલું રીબાતાં રીબાતાં જીવેલા વગેરે
નકારાત્મક વાતો દર્દીને સંભળાવે. આવું સાંભળીને પેલાના મોતિયા જ મરી જાય . ઘણી
બહેનો તો : “ ઓ ભઈ તમોનં ચ્ચોથી આવું દખ થ્યું ? અરર..... “ કહીને રીતસરની પોક જ મૂકે , ઘણીવાર તો આમ
અચાનક શું થયું તે જોવા ડૉક્ટરય દોડી આવે.
દર્દીના પરિવાર જનોની દશા પણ જોવા જેવી
છે , તેમણે માંદા માણસની સેવા કરવી કે ખબર લેવા આવનારાંની આગતાસ્વાગતા કરવી ?
કેટલીક વાર દર્દી કરતાં સગાં_ સ્નેહીઓ પાછળ સમય વધુ જાય, કોઈ ચા પીનારા તો કોઈ કોફી કે ઠંડું લેનારા કે શીરો ખાઈને
જ જનારાય આવે. તો સામે પક્ષે ભેંસની પાડી
બીમાર પડી હોય ને જો આપણે ખબર લેવા ના ગયા તો આવી જ બને ! “ નહિ આવ્યા હોય ખબર
લેવા”_ એ મહેણું કાયમ સાંભળવું પડે. ખેર! એ વાત જવા દઈએ. આટલી વાતો દર્દીની
મુલાકાત વખતે અવશ્ય અમલમાં મુકીએ :
- બાળકોને સાથે લઈ દર્દીની મુલાકાતે
ના જઈએ.(ચેપી રોગ લાગુ પડી શકે છે. )
- દર્દીના જમવાના ને સૂવાના સમયે ના
જઈએ.
- દર્દીની ખબર_ અંતર પૂછવા સમૂહમાં જવું યોગ્ય નથી .
- દર્દીને વણમાગી સલાહ ના આપીએ ને ઊંટવૈદું ના બતાવીએ.
- દર્દી પાસે ધીમેથી વાતો કરીએ અને નકારાત્મક ના બોલીએ.
- દર્દીના હાલ જાણવા વારંવારં ફોન ન
કરો કેમ કે, દર્દી પાસે રહેલા વ્યક્તિને અન્ય મહત્ત્વપૂણ કામ હોય છે .
- તમારી મુલાકાત ટૂંકી હોવી જોઈએ કેમ કે, દર્દીને આરામ ને શાંતિની જરૂર છે.
આટલું
અમલમાં મૂકશો તો મોટી માનવ સેવા થશે . જો મારી વાત ગમે તો બીજાને કહો ના ગમે તો
મને કહો (bipinchaudhari617@gmail.com)
....................................................................... (ક્રમશ)
ટિપ્પણીઓ