કવિતા
ભીની ઝાકળ શા ઝળહળવાનું સુખ સૌને નથી મળતું, કોઈ કારણ વગર મળવાનું સુખ સૌને નથી મળતું. સતત વહેવું,બધું સહેવું,ન કાંઠાનેય કૈં કહેવું, આ ઝરણા જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું. ખરેલાં પાંદડાંના કાનમાં બસ એટલું કહેવું છે, ઊગો એ માટીમાં ભળવાનું સુખ સૌને નથી મળતું. વળાંકેથી વળી જાતા આ રસ્તાની વિનંતી છે ; હજી પાછા વળો, વળવાનું સુખ સૌને નથી મળતું. સળગતું આયખું મ્હેકે અગરબત્તી શા અક્ષરમાં, કવિતામાં આ ઓગળવાનું સુખ સૌને નથી મળતું. ******* સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે. બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે. ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ, જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે. મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ, સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે. ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ, હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે. બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું, મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે. ****** સવાયા શબ્દનો સ્વસ્તિક કરીને મૌન થઈ જાઉં, મને આવડતા બે ટહુકા ધરીને મૌન થઈ જાઉં. બધે અંધારપટ છે લાગણીનો – જાણું છું, તો પણ, હુ...