કવિતા
ભીની ઝાકળ શા ઝળહળવાનું સુખ સૌને નથી મળતું,
કોઈ કારણ વગર મળવાનું સુખ સૌને નથી મળતું.
સતત વહેવું,બધું સહેવું,ન કાંઠાનેય કૈં કહેવું,
આ ઝરણા જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું.
ખરેલાં પાંદડાંના કાનમાં બસ એટલું કહેવું છે,
ઊગો એ માટીમાં ભળવાનું સુખ સૌને નથી મળતું.
વળાંકેથી વળી જાતા આ રસ્તાની વિનંતી છે ;
હજી પાછા વળો, વળવાનું સુખ સૌને નથી મળતું.
સળગતું આયખું મ્હેકે અગરબત્તી શા અક્ષરમાં,
કવિતામાં આ ઓગળવાનું સુખ સૌને નથી મળતું.
*******
સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે.
બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે.
ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ,
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે.
મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ,
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે.
ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ,
હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે.
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે.
******
સવાયા શબ્દનો સ્વસ્તિક કરીને મૌન થઈ જાઉં,
મને આવડતા બે ટહુકા ધરીને મૌન થઈ જાઉં.
બધે અંધારપટ છે લાગણીનો – જાણું છું, તો પણ,
હું કોઈ આગિયા શો સંચરીને મૌન થઈ જાઉં.
નથી ઊંચકી શકાતો ભાર ભાવુકતાનો ભાષાથી,
નજરથી વાત કહું, તુર્ત જ કરીને મૌન થઈ જાઉં.
અવાજો પર્ણને નહિ, બસ પવનને હોય છે અહીંયા,
સતત થાતું મને : હું પણ ખરીને મૌન થઈ જાઉં.
ઘણીયે વાત બાકી છે, જરા શી રાત બાકી છે,
અધૂરી વાત પાછી આદરીને મૌન થઈ જાઉં.
ઉઘાડ્યા હોઠ એને ના સમય ઝાઝો થયો તો યે,
હવે લાગ્યા કરે છે કે ફરીને મૌન થઈ જાઉં.
********
ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે,
કેવી રીતે પૂજારી પછી આરતી કરે?
*******
કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં,
કવિતાના જ ખાઉં સમ, કવિતાથી વધુ કંઈ નહીં.
થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ,
હશે પરભાતિયાં કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં.
*******
એમને સંભારવાથી બોલ, શું હાંસલ થયું ?
ઘા ઉપર ઘણ મારવાથી બોલ, શું હાંસલ થયું ?
*******
તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને, થયાં હતાશ બધાં આસપાસનાં ફૂલો.
*******
તૃણ સાચવ અને તરુ સાચવ,
ઝાડની સાથે ઝાંખરું સાચવ.
જેણે પાટો તને નથી બાંધ્યો,
એ બધાનીય આબરૂ સાચવ.
*******
ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.
મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !
તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?
~ પ્રણવ પંડ્યા, અમરેલી
પ્રણવ વિનોદભાઈ પંડ્યા
(જન્મ : 16.03.1976, ધૂળેટીના તિથિ સમયે, અમરેલી)
Pranav Pandya
#HappyBirthday 🎂
પ્રણવ પંડ્યા :
સાંપ્રત ગુજરાતી ગિરાનો એક નમણો, નરવો, ગરવો આયામ !
લેખક, કવિ, કટારલેખક અને મંચ/માઈક્રોફોનના માણીગર શ્રી પ્રણવ પંડ્યાનો આજે જન્મદિવસ છે.
રાવજી પટેલ એવોર્ડ , શયદા એવોર્ડ અને રત્નાકર સન્માન થકી જેમનાં ઔચિત્યપૂર્ણ પોંખણાં થયેલ છે તે કવિશ્રી પ્રણવ પંડ્યાની સાપ્તાહિક કોલમ ' શ્વાસનો રિચાર્જ ' ફૂલછાબ /કચ્છમિત્ર /જન્મભૂમિ પ્રવાસી' ની રવિવારીય પૂર્તિમાં એકાદ દાયકાથી લોકાદર અને લોકપ્રિયતા હાંસલ કરી રહી છે.
એમની ઉક્ત કોલમનાં બે પુસ્તકો 'શ્વાસનું રિચાર્જ' અને ' મનનો ટોકટાઈમ' ને શ્રી રઘુવીર ચૌધરી જેવા દિગ્ગજ સાહિત્યકારે ઉચિત રીતે પોંખેલ છે.
ગુજરાતી ગિરાનાં ઉત્તુંગ શિખર સમા કવિવર શ્રી રમેશ પારેખના ત્રિખંડીય સર્વકવિતાસંગ્રહ ' મનપાંચમના મેળામાં' ની સંપાદક - ત્રિપૂટી છે સર્વશ્રી અરવિંદ ભટ્ટ, સંજુ વાળા અને પ્રણવ પંડ્યા.
નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ, જૂનાગઢના ટ્રસ્ટીપદે સેવા આપી રહેલ શ્રી પ્રણવ પંડ્યા હાલમાં અમરેલીનાં પડખામાં આવેલ ગામ ગોખરવાડા ખાતે અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે સેવારત છે.
શિક્ષણની સમાંતરે અક્ષરની પણ એકનિષ્ઠ આરાધના કરી રહેલ કવિશ્રી પ્રણવ પંડ્યાની ગઝલોમાં પરંપરાનાં અનુસંધાન સાથે પ્રયોગશીલતાનો પ્રભાવ પણ દ્રષ્ટિગોચર થાય છે. સરળ છતાં તાજગીસભર ભાષાભિવ્યક્તિ અને નવતાપૂર્ણ પ્રતીક /કલ્પન સાથે ભાતીગળ ભાવસંવેદન પ્રણવ પંડ્યાની કવિતામાં ઉડીને આંખે વળગે છે અને ભાવકનાં અંતરમનને સ્પર્શી જાય છે.
કવિમિત્ર શ્રી પ્રણવ પંડ્યાને આજે જન્મદિવસ નિમિત્તે દીર્ઘ, સ્વસ્થ, પ્રસન્ન, શબ્દસભર જીવનની દોથો ભરીને સુકામનાઓ.
(R P Joshi, રાજકોટની પોસ્ટ પરથી)
ટિપ્પણીઓ