નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ

NEP - National Education Policy 2020 - રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં પણ માતૃભાષામાં શિક્ષણ આપવા ઉપર અને માતૃભાષાનું શિક્ષણ સરસ આપવા ઉપર ભાર મુકાયો છે, પણ સરકાર દ્વારા એના અમલ પર કાર્યવાહી પ્રમાણમાં ખૂબ ઓછી થાય છે. શિક્ષણજગત અંગ્રેજી ભાષા અને માધ્યમના ચાહકોથી ખૂબ પ્રભાવિત છે. એવી વિદેશ-પરસ્ત શિક્ષણ આપતી મોટી મોટી સંસ્થાઓનું તુષ્ટીકરણ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આપણો આખો સમાજ દિગ્ભ્રમિત છે. અંગ્રેજી શિક્ષણથી પ્રભાવિત થઈને અંગ્રેજિયતમાં જીવી રહ્યો છે. પરિણામે ભાષાની પાછળ વિદેશી સંસ્કૃતિ પણ બિલ્લીપગે ઘૂસી રહી છે, જેનો અનુભવ આપણે ડગલે ને પગલે કરી રહ્યા છીએ. પણ બધું જાણતા - સમજતા હોવા છતાં આપણે ઢસડાઈ રહ્યા છીએ અને ઊંડી ખીણમાં પડીને વિનાશ નોતરી રહ્યા છીએ. માતૃભાષા તો માતા અને માતૃભાષા વચ્ચેનો સેતુ છે. એ ભૂલીને જીવીશું તો આપણે ગુજરાતી તરીકે...ભારતીય તરીકે આપણી ઓળખ ગુમાવી બેસીશું. કોઈ પણ દેશ પારકી ભાષામાં શિક્ષણ આપીને વિકસ્યો નથી. માત્ર આપણને જ આવી મૂર્ખામી સૂઝી છે...અને ભારત જાણે ઇંગ્લેન્ડનું પરગણું હોય તેમ જીવી રહ્યા છીએ. માતૃભાષાની અવગણના કરીને આપણે આપણી જાતને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આજે સ્વતંત્રતાનાં ૭૩ વર્ષ પછી પણ આપણે 'સ્વ' તંત્ર સ્થાપી શક્યા નથી. અંગ્રેજી ભાષા આપણા જીવન-ભવનની એક બારી હોઈ શકે. પણ ભવનમાં કંઈ એક જ બારી હોતી નથી ! અંગ્રેજી એક ભાષા તરીકે શીખવા-શીખવવામાં કોઈ વાંધો ન હોઈ શકે...પણ આખેઆખું શિક્ષણ કંઈ એને થોડું સોંપી દેવાય ? આ તો સ્વાભિમાનનું દેવાળું ફૂંકવા જેવી વાત છે. જ્યાં સુધી પ્રત્યેક ગુજરાતી માતા - પરિવાર જાગૃત નહીં થાય અને સરકાર પર ગુજરાતી ભાષાને મહત્ત્વ આપવા બાબત દબાણ ઊભું નહીં કરે ત્યાં સુધી કંઈ વળવાનું નથી....ત્યાં સુધી પેદા થયા કરશે માત્ર મેકૉલેપુત્રો...મહર્ષિપુત્રો પેદા જ નહીં થાય. માટે પ્રત્યેક ગુજરાતી ભાવક - ભાષક અને ભાષાપ્રેમીએ પોતાની જાગૃતિની પ્રતીતિ કરાવવી પડશે. માટે મિત્રો, આપણી ગરવી ગુજરાતી ભાષાની સ્વીકૃતિ અને પ્રતિષ્ઠા માટે આપણે કટિબદ્ધ...પ્રતિબદ્ધ બનીએ એ જ એકમાત્ર રસ્તો છે. જય જય ગરવી ગુજરાત ! જય ગૌરવવંતી ગુજરાતી ! -- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દિનાંક : ૦૫.૧૦.૨૦૨૨

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3