હિંસાની હોળીમાં માનવતાનો દિવ્ય પ્રકાશ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’
હિંસાની હોળીમાં માનવતાનો દિવ્ય પ્રકાશ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’
ખુશવંતસિંહ ભારતીય
અંગ્રેજી સાહિત્યમાં યશસ્વી માન અને સ્થાન
પ્રાપ્ત કરનાર લેખક છે. આ ઉપરાંત ઇતિહાસકાર, ખ્યાતનામ પત્રકાર અને સંસદસભ્ય તરીકે પણ
જાણીતા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હદાલી ગામમાં જન્મેલા ખુશવંતસિંહનો
અભ્યાસ દિલ્હી, લાહોર, લંડન વગેરે સ્થળોએ થયો હતો. તેઓ ભણવામાં સાવ સાધારણ હતા.
તેમણે વકીલ તરીકે લાહોરની હાઈકોર્ટમાં થોડા વર્ષો કામ કર્યું હતું.
તેમણે ભારતના વિદેશ મંત્રાલયમાં, ઓલ
ઈન્ડિયા રેડિયોમાં અને અન્ય જ્ગ્યાઓ પર તેમણે સેવા બજાવી હતી પરંતુ આ બધા ક્ષેત્રો
તેમના સ્વાભાવને અનુકુળ આવ્યા નહિ. છેવટે
તેઓ લેખન- પત્રકારત્વ તરફ વળ્યા અને તેમાં શ્રેષ્ઠ સાબિત થયા. તેમણે પોતાની જાત
લેખનને સમર્પિત કરી દીધી હતી. તેમના લેખનકાર્યમાં
નવલકથા, વાર્તા, નિબંધ-લેખ, વિવેચન
વગેરેનો સમાવેશ થાય છે. 1974માં પદ્મભૂષણ અને 2007માં પદ્મવિભૂષણથી
સન્માનિત કરવામાં આવેલા.
‘ટ્રેન ટુ
પાકિસ્તાન’ એ ઈ.સ.1956માં પ્રકાશિત થયેલી ખુશવંતસિંહની પ્રથમ નવલકથા છે જે પહેલાં ‘મનોમાંજરા’ નામે પ્રકાશિત થયેલી. આ નવલકથા આંતરરાષ્ટ્રીય ક્ષ્રેત્રે જાણીતી બની હતી. લંડનના ‘ધ ઓબ્ઝર્વર’થી માંડીને ‘ન્યુયોર્ક
ટાઈમ્સ’ સુધીના પ્રકાશનોના વિવેચકોએ આ નવલકથાને વખાણી હતી. આ નવલકથાનો દેશની જુદી
જુદી ભાષાઓમાં અનુવાદ થયો છે. આ અભ્યાસલેખ માટે જય મકવાણા દ્વારા ગુજરાતી ભાષામાં
અનુવાદિત નવલકથાનો ઉપયોગ કર્યો છે. વિશ્વવિખ્યાત ફોટૉગ્રાફર
માર્ગરેટ બૌર્ક- વ્હાઈટે 1946-1947માં
ભારતીય ઉપખંડમાં ફરી, ભય અને હિંસાની દુ:ખદ ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી જે ‘લાઈફ’ મેગેઝિનમાં છપાઈ હતી જેને જોઈ
દુનિયા આધાતમાં સરી પડી હતી. તે છબીઓ આ નવલકથામાં મૂકવામાં આવી છે. એક બાજુ ખુશવંતસિંહનું ગદ્ય
અને બીજી બાજુ માર્ગરેટ બૌર્ક- વ્હાઈટની
તસવીરો એ ઘટનાઓને હ્રદયદ્રાવક બનાવે છે. લેખકે આ નવલકથા પોતાની દીકરી માલાને અર્પણ કરી
છે. આ
નવલકથા પર એ જ નામે હિન્દી ફિલ્મ
પણ બની છે. આ જ વિષય વસ્તુ આધારિત અન્ય સર્જકોની ફિલ્મો અને નવલકથાઓ પ્રાપ્ત થાય
છે. જેમ કે ભીષ્મ સાહાનીની વિખ્યાત નવલકથા ‘તમસ’ અને તેના પરથી બનેલી ટી.વી.
સિરિયલ. આ ઉપરાંત સઆદત હસન મન્ટો, મોહનરાકેશ, કમલેશ્વર, રાજિન્દરસિન્હ બેદી, સલીલ
ચૌધરી, અજ્ઞેયજી, યશપાલ... (આ યાદી ઘણી લાંબી થઈ શકે તેમ છે) વગેરે ભારતીય સર્જકોએ ભાગલાની ઘટનાને પાર્શ્વભૂમિ બનાવીને વાર્તા-કથા આલેખી છે.
‘ટ્રેન ટુ
પાકિસ્તાન’ આ ઐતિહાસિક નવલકથા પણ ઈ.સ. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલાની પહેલાંની
હિજરતોની પશ્ચાદભૂમાં રચાઈ છે. દેશના ભાગલા પહેલા થયા પછી દેશ આઝાદ થયો. એક આંખમાં
હર્ષના આંસુ બીજીમાં લોહીના આંસુ. આઝાદીનો આનંદ, દેશના ભાગલાઓ અને તેને કારણે માનવજાતિના ઇતિહાસમાં
અભૂતપૂર્વ કહી શકાય તેવી વસ્તીની હિજરતને કારણે શોકમાં પલટાયો. કોમી રમખાણોમાં
ખૂન, લૂંટ, બળાત્કાર જાણે રમત વાત થઈ, માનવતા જાણે મરી પરવારી. ભારત
પાકિસ્તાનના વિભાજનની ઘટનાના સાક્ષી બનેલાં, શિકાર બનેલાં કેટલાંક પાત્રોની ઘટનાઓ
અહીં નિરૂપાઈ છે. વાસ્તવ, ઈતિહાસ અને સાહિત્યનો ત્રિવેણી સંગમ આ નવલકથામાં થયો છે.
નવલકથાના નાના-મોટાં બધાં જ પાત્રો લેખકના વાસ્તવિક જીવનમાંથી લેવાયાં છે. લેખકે
પોતે અનુભવેલ એ દુ:ખદ બીના પૂરાં નવ વર્ષ બાદ નવલકથા રૂપે
વ્યક્ત થાય છે. ઇતિહાસની શુષ્ક વિગતોને કલ્પનાના રંગે રંગી આઝાદી સમયનું સાચું અને રસયુક્ત ચિત્ર પ્રગટ કરવામાં
ખુશવંતસિંહ સફળ રહ્યા છે. ઇતિહાસ અને કલ્પનાનો સુભગ સમન્વય આ નવલકથામાં થયો છે. કોઈ ઐતિહાસિક પાત્ર નહિ પણ
ઐતિહાસિક સમયખંડને કેન્દ્રમાં રાખીને
નવલકથા રચાઈ છે. આ નવલકથાનાં પાત્રો તો આપણી આસપાસ વસતાં સામાન્ય લોકો જ છે.
ભારત-પાકિસ્તાનની સરહદે આવેલું ગામ,
લોકોની સામાજિક વ્યવસ્થા, રાજ્યનૈતિક વ્યવસ્થા,
ધાર્મિક માન્યતા, મનોરંજન–પ્રણાલી, જીવનમૂલ્ય, લોકજીવન, લોકવિશ્વાસ
વગેરેનું નવલકથામાં આલેખન કાલવિશેષનો બોધ કરાવે છે.
‘-૧૯૪૭નો
એ ઉનાળો ભારતના સામાન્ય ઉનાળા કરતાં સાવ અલગ જ હતો એની હવામાં આતશ અનુભવતો હતો’
[પૃ .૩ ] એ વાક્યથી શરૂ થતી નવલકથા શરૂઆત
થાય છે: ‘એના નીચે પડતાની સાથે જ રસ્સી વચ્ચેથી કપાઈને અલગ થઈ ગઈ ગાડી એના પરથી
પસાર થતી પાકિસ્તાન ચાલી ગઈ’ [પૃ.243] એ વાક્ય પર પૂણ થાય છે. બસ્સો- અઢીસો પાનાંની આ
નવલકથામાં કેન્દ્રબિન્દુ સમાન છે ભારત-
પાકિસ્તાનની સરહદે આવેલું નાનકડું
મનોમાજરા ગામ. પાકિસ્તાન નામના નવા દેશની જાહેરાત કરી ત્યારે એક કરોડ જેટલા
હિંદુ,શીખ અને મુસલમાનો એકબીજાને કાપી રહ્યા હતા. દસ લાખ લોકો મારકાપનો ભોગ બન્યા
હતાં. ત્યારે સરહદનું અંતરિયાળ ગામ આશાના કિરણ સમું હતું. ‘મનોમાજરા ખોબા જેવડું
ગામ છે. ગામમાં ઈટનાં માત્ર ત્રણ મકાનો જ
છે એમાંનું એક ઘર ગામના મહાજન લાલા રામલાલનું છે. બાકીનાં બે શીખ ગુરુદ્વારા અને
મસ્જિદ છે આ ત્રણેય ઈટનાં મકાનો એક ત્રિકોણ બનાવે છે,જેમ વચ્ચે એક પીપળાનું તોતિંગ
વૃક્ષ આવેલું છે .’[પૃ .૫ ] – શાહુકાર લાલા રામલાલનું એકમાત્ર હિંદુ કુટુંબ છે. બાકીનાં
સરખી સંખ્યામાં શીખ, મુસ્લિમના છાપરા જેવાં ઘરો છે. ગામના બધા લોકો અમન ચેનથી રહે
છે. ખેતી જ મુખ્ય વ્યવસાય છે. રેલ્વે સ્ટેશનના કારણે જ મનોમાજરા ઓળખાય છે. ગાડીઓની
વ્હીસલોથી સવારે ગામ જાગે છે અને રાત્રે
માલગાડીનો અવાજ સંભળાય ને લોકો એકબીજાને શુભરાત્રી કહેતા હોય એમ ‘માલગાડી આવી ગઈ’
એવું કહી સૂઈ જાય છે. આ એમનો નિત્યક્રમ છે. ટ્રેનના અવાજમાં જાણે ગામનું હ્રદય
ધબકતું રહે છે. ટ્રેન આ નવલકથામાં
પ્રતિકાત્મક રૂપે મૂકાઈ છે. નવલકથાની
શરૂઆતથી અંત સુધી ટ્રેન જાણે એક પાત્ર હોય તેમ
આવે છે.
માનોમાજરાનું લોકજીવન સ્થિર છે, જાણે સ્થંભી
ગયું છે. અંગ્રેજો ગયા કે દેશ આઝાદ થયો અને ભારત-પાકિસ્તાન એવા ભાગલા થયા છે એવી
કોઈને ખબરયે નથી. નવલકથાના આરંભે ટ્રેનની
વ્હીસલ સાથે બે દિશામાં બે જુદી જુદી ઘટનાઓ
બને છે. એક તો ગામના શાહુકાર રામલાલના ઘરે ડાકૂઓ ધાડ પાડી અને રામલાલની હત્યા કરે
છે. અને આ ડાકૂટોળી પાછા ફરતાં એક ઘરમાં બંગડીઓ ફેકે છે ને કહે છે: ‘આ બંગડીઓ
પહેરી લે,જગ્ગીયા! બંગડીઓ પહેરી લે ને હથેળીઓ પર મહેંદી લગાવી લે!’[પૃ.૧૪]. આ
જગ્ગીયો એટલે જગતસિંહ ઉર્ફ જ્ગ્ગો જિલ્લાનો કુખ્યાત બદમાશ. આખા પંથકમાં સૌથી લાંબો,
ભારે બળિયો ‘જાણે આખલો જ જોઈલો. જેના પિતા આલમસિંહને પણ બે વર્ષ પહેલાં જ એક ખૂન
કેશમાં ફાંસી થઈ છે. તેને પણ રોજ ગામના પટેલ પાસે અને અઠવાડિયામાં એકવાર પોલીસ
સ્ટેશનમાં હાજરી પૂરાવવા જવું પડે છે. પંજાબ પોલીસને હંફાવનાર ખૂંખાર જગ્ગો ગામના
મુસલમાન મુલ્લા ઈમામબક્ષ કે જેમને ગામ લોકો ‘ચાચા ઈમામબક્ષ’ તરીકે માનથી બોલાવે
છે, તેમની દીકરી નૂરાના પ્રેમપાશમાં બંધાયો છે. તેથી ગામમાં મુસ્લિમો વિરુદ્ધ એક પણ શબ્દ પણ બોલવાની હિંમત
કોઈ કરી શકતું નથી. ગામમાં લૂંટ અને હત્યાની રાત્રીએ જગ્ગો પહેલેથી નક્કી કરેલ
ટ્રેનની વ્હીસેલના સંકેતે, નિયત સ્થાને પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હોય છે. બંદુકની
ગોળીઓ ચાલાવાના ગામમાં અવાજ સાંભળી તેઓ પોતાના ઘર તરફ પાછાં ફરે છે. ડકેત જાણી
જોઈને જ્ગ્ગાના ઘરમાં બંગડીઓ ફેકે છે જેથી
ગામમાં લોકોને ખૂન- લૂંટની શંકા જગ્ગા પર આવે છે.
મનોમાજરાનું આરામગૃહ હવાફેર કરવાના સ્થળ તરીકે
અધિકારી વર્ગમાં ખાસ્સુ માનીતું જાણીતું
છે. આ આરમગૃહમાં મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કમિશનર મિસ્ટર હુકમચંદ ઉતારો છે. આ
નવલકથામાં મુખ્ય પાત્રોમાંનું એક પાત્ર છે. તે અત્તર, શરાબ અને સુંદરીના શોખીન છે.
તેમના માટે આરામગૃહમાં સબ ઇન્સ્પેકટરે બધી જ વ્યવસ્થા કરી છે. પોતાની દીકરીની
ઉંમરની હસીના નામની વેશ્યા સાથે ઉંઘતા હુકમચંદને મૃત દીકરીની યાદ આવે છે. તે થોડો સમય અપરાધ ભાવ અનુભવે છે ત્યારે મદ્યપાનનો
સહારો લે છે. કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે આવેલા મેજિસ્ટ્રેટ સાહેબ ભારતની
નોકરશાહીના પ્રતીક સમા છે. તેમના પાત્ર દ્વારા બન્ને દેશના અધિકારીઓ એ સમયે લોકોના
જાનમાલના રક્ષણ માટે કેવી ભૂમિકા ભજવી રહ્યા હશે તેનો પણ ખ્યાલ નવલકથામાંથી આવે છે.
સરકારી અધિકારીઓ ભ્રષ્ટ હતા, ગામવાસીઓની હેરફેર કરવામાં ભેદભાવ રાખતા અને પૈસા પડાવતા, કાયદો અને વ્યવસ્થાના
નામે ગામમાંથી કોઈ પણની વિના કારણે ધડપકડ કરવામાં આવતી. અધિકારી બોલે તે
કાયદો, કામગીરી દેખાડવા ખાતર પ્રપંચ રચાતા. ગામમાં આગંતૂક કોમરેડ કાર્યકર ઈકબાલની
ધડપકડ વિના કારણે કરવામાં આવે છે. વિદેશમાં ભણેલા નાસ્તિક સામાજિક કાર્યકરને
‘ઈકબાલ’ને ઈકબાલસિંહમાંથી ‘ઈકબાલ મહોમ્મદ’ ચિતરી મુસ્લિમલીગનો સભ્ય હોવાનું ભોળા
લોકોને બતાવવામાં આવ છે. પોલીસ જગ્ગાના ઘરને ઘેરો ગાલી જગ્ગાની ધડપકડ કરી જેલભેગો કરે છે અને ત્યાંથી પૂરાવા રૂપે બંગડીયો
જપ્ત છે. થોડા દિવસોના રિમાંડ પછી મલ્લીની
ગેંગ સાથે ધડપકડ થાય છે.
ગામના લોકો જગ્ગાથી નારાજ હતા કારણ કે: ‘જગ્ગાએ
ગામમાં પોલીસ બોલાવી પોલીસ !’[પૃ.૫૬] કારણ કે જ્ગ્ગાએ પોતાના ગામમાં ખૂન
કર્યું અને તેના ખાનદાન ને કાળી ટીલી
લગાવી. તેનો વાંધો ગામલોકોને હતો. જ્ગ્ગાએ આજુબાજુના ગામમાં કોઈનું ખૂન કર્યું હોત
તો ગામના લોકો પણ તેને છોડાવામાં સાથ આપતા. ગ્રામવાસીઓ ગામ બારની દુનિયાની અને
દેશની ગતિવિધિઓથી અજાણ હતા, અંધારામાં હતા. મોંઢે કહી સાંભળેલી વાતો અને અફવાઓથી જ
તેમને માહિતી મળતી. ગામમાં આવેલા શિક્ષિત યુવાન ઈકબાલ પાસે તેમના સીધા સાદા
પ્રશ્નોના જવાબ જ નથી. જેમકે “બાબુજી, એ તો કહો કે અંગ્રેજો કેમ હિંદુસ્તાન છોડીને
ચાલ્યા ગયા?”, ‘’આ હિંદુસ્તાન-પાકિસ્તાનની
માથાકૂટ છે શું?’’ [પૃ.62] આ ગામ લોકો માટે આઝાદીનો કોઈ મતલબ જ ન હોતો. તેમને મન આઝાદી તો ભણેલા ગણેલા માણસો
માટે છે કારણ કે તેમને અંગ્રેજો જેવી નોકરી મળશે. ગામલોકો માને છે કે “પહેલાં
અંગ્રેજોના ગુલામ હતા, હવે ભણેલાગણેલા હિંદુસ્તાનીઓ કે પાકિસ્તાનીઓના હોઈશું.’’
[પૃ.63] ગામલોકોની આ વાત આટલાં વર્ષો પછી પણ જેમની તેમ છે.
એક દિવસ પાકિસ્તાન બાજુથી હિન્દુ-શીખોની લાશો ભરેલી ટ્રેન ગામના સ્ટેશને આવે છે ને શાંત ગામમાં
ખળભળાટ મચી જાય છે. ગામના લોકો કોઈ વાતની જાણ ન થાય તેની પૂરી કાળજી સાથે ગામમાંથી
તેલ અને લાકડાં ઉઘરાવામાં આવે છે. કંઈક અજુગતું થયેલ હોવાના અંદેશા સાથે કુતૂહલવશ
ગામલોકો પોતપોતાનાં ઘરની છત પર ચડીને જોવા લાગ્યા છેવટે સાંજે આખીય વાતનો ખ્યાલ
આવી ગયો. લેખકનું આ વર્ણન જુઓ: “ ઘેરા ભૂરા રંગની બનેલી ક્ષિતિજ અચાનક ફરીથી કેસરી બનીને ચમકવા લાગી. આકાશ તરફ
ઊઠી રહેલો કેસરિયો રંગ તામ્રવર્ણૉ થવા લાગ્યો. બાદમાં ઘેરો ગેરુ. આગની લાલ લપટો
આકાશમાં ઊમટી રહી હતી. ગામ તરફ વહેતી હવામાં બળી રહેલાં લાકડાં અને કેરોસીન સાથે
વધુ એક ગંધ ઉમેરાઈ-સળગી રહેલા માંસની તીખી ગંધ!” [117] ગામમાં માતમ છવાઈ ગયો બધાને
વગર પૂછે ખ્યાલ આવી ગયો કે એ ગંધ માનવ માંસની હતી. થોડા દિવસો પછી ગામ પાસેથી પસાર
થતી નદીમાં લાશોનું પૂર આવ્યું આ જોઈ ગામ હચમચી ગયું. લાશોનું વર્ણન જુગુપ્સા
પ્રેરક છે. વાંચતા જ ચીતરી ચઢે કે કંપારી છૂટે એવું છે.
કોઈ પૂર્વ યોજનાના ભાગ રૂપે મલ્લી અને તેના સાથીદારોને નિર્દોષ છોડી મૂક્વામાં આવે
છે. ગામમાં આવીને પોલીસ હિન્દુ રામલાલના ખૂન માટે મુસલમાન સુલતાન અને તેના
સાથીદારો વિશે પૂછપરછ કરવામાં આવે છે. લેખક આ વાક્યમાં દ્વારા ભવિષ્ય કથન કરે છે:“પોલીસના
આગમને મનોમાજરાને જાણે ચાકુ દ્વારા માખણના
બે ભાગ કરી દેવામાં આવી એ રીતે બે ભાગમાં
વહેંચી નાખ્યું.” (પૃ.162) અત્યાર
સુધી શાંત જળમાં જાણે પથ્થર ફેકાયો હોય તેમ ગામમાં મુસ્લિમ-શીખ વચ્ચે આશંકા,
અવિશ્વાસ, તિરસ્કાર પેદા થાય છે. અધૂરામાં પૂરૂ
પાકિસ્તાન બાજુથી બીજી લાશો ભરેલી ટ્રેનનું આગમન બળતામાં ઘી હોમવાનું કામ
કરે છે. તનાવભર્યા માહોલમાં ગામના મુસલમાનોને ચંદનનગર પાસેના રેફ્યુજી કેમ્પમાં
મોકલવાનો નિર્ણય લેવામાં આવ છે. “અમારે ને પાકિસ્તાનને શું’’ [પૃ.167] કહેનાર ઈમામ બક્ષ અને પેટમાં બે માસનો જ્ગ્ગાનો ગર્ભ તેવી નૂરાનો સંવાદ હ્રદયસ્પર્શી છે. ‘’હું
પાકિસ્તાન નહીં જાઉં” એમ વારંવાર કહેતી નૂરાએ હારીથાકીને વાસ્તાવિકતાનો સ્વીકાર
કરવાની મજબૂરી આ નવલકથાનો કલાત્મક ભાગ છે. વર્ષોથી સાથે રહેલા પડોશીઓ જુદા પડવાની
રાતે શું અનુભવે છે જુઓ: ‘’એ રાતે મનોમાજરામાં ભાગ્યે જ કોઈ ઊંઘ્યું હશે. લોકો
વાતો કરતા, રોતા અને દોસ્તીની કસમો ખાતા એકબીજાને દિલાસો આપી રહ્યા હતા કે બધું જ
જલ્દી ઠીક થઈ જશે’’.[173] આઘાતજનક સમયમાં બન્ને સમુદાય વચ્ચે કેવો ભાવાત્મક સંબન્ધ
છે. તે અહીં જોઈ શકાય છે. પરંતુ ભાગલાના કરાવનાર રાજનેતાઓ એ સદીઓ જુની પ્રજા વચ્ચેની
સંવાદિતાને છિન્ન-ભિન્ન કરી નાખી.
કેમ્પમાં
બે-ચાર દિવસ માટે જવાનું હશે એમ વિચારતા લોકોને પાકિસ્તાન લઈ જવાની પાકિસ્તાની
અધિકારીની વાત સાંભળી વીજળી પડી હોય એવો આઘાત લાગે છે. મર્યાદિત સરસામાનમાં દસ
મિનિટમાં ખટારામાં ચઢવાનો હૂકમ થાય છે. પાછળ રહ્યા તે રહ્યા. સરસામાન સામાન
સાચાવવાની જવાબદારી લેનાર મલ્લીની ટોળી અને શરણાર્થીઓમાંના ઘણા સાથે મળી ગામમાં
લૂંટ મચાવે છે. બહારથી આવેલા કટ્ટ્રરપંથીઓ
ગામલોકોને ઉશ્કેરીને ગામના પૂલ પરથી પસાર
થઈ પાકિસ્તાન જતી ટ્રેનના મુસ્લિમ લોકોની હત્યા કરી બદલો લેવાનું કાવતરું ઘડે છે.
લાચાર પોલીસ તંત્ર જગ્ગાને અને ઈકબાલને જેલમાંથી છોડી મૂકે છે. બધી બાબતોથી અજાણ
જગ્ગાને ઘરે પહોંચતાં મા પાસેથી નૂરાની કેમ્પમાં અને પાકિસ્તાન જવાની વાત જાણવા
મળે છે. ટ્રેનના કાવતરાની વાત પણ તેને મળે છે. પોતાની જાતનું બલિદાન આપી જગ્ગો
ટ્રેનમાંના લોકોને બચાવે છે. ભારતમાંથી હજારો મુસલમાનોને સહી સલામત પાકિસ્તાન
પહોંચવામાં મદદ કરી માનવતાની મિશાલ પેશ કરી છે. સમાજમાં બદનામ બદમાશ જગ્ગાનો પ્રેમ
અને બલિદાન હિંસાની હોળીમાં માનવતાનો
દિવ્ય પ્રકાશ ફેલાવે છે. ‘મરી પરવારેલી માનવતાના મુખે આશાની અંજલી બની રહે છે.’
આ ઐતિહાસિક નવલકથામાં ઈતિહાસ અને કલ્પના દ્વારા
માનવીય લાગણીઓ, ભાવના, વિચારો, સંવેદનાઓની અભિવ્યક્ત સાથે માનવતાના ચિંરંતન સત્યને
નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. પાત્ર અને પ્રસંગોને જીવંત બનાવવામાં લેખકની
વર્ણાત્મક અને ક્યાંક કયાંક સંવાદાત્મક ભાષા શૈલી સફળ રહી છે. તેથી તો
વિશ્વસાહિત્યની કલાત્મક નવલકથાઓમાં ‘ટ્રેન ટુ પાકિસ્તાનને’ સ્થાન પામી છે. સંદર્ભ:
1.
‘ટ્રેન ટુ પાકિસ્તાન’:ખુશવંતસિંહ, અનુ: જયમકવાણા,આ.2015, પ્ર.ગૂર્જર સાહિત્યભવન
2. ‘નવલકથા સ્વરૂપ’: પ્રવીણ દરજી,તૃ. આ. 2015,
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ
3.
‘સાહિત્ય:
માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઈતિહાસ સંદર્ભે:’ ડો.નરેશ શુકલ, પ્ર.આ. 2014 ફેલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ
ટિપ્પણીઓ