દલિત સંવેદનાથી ધબકતું ‘ઝાખરું’

દલિત સંવેદનાથી ધબકતું ‘ઝાખરું’
--- ડો. બિપિન ચૌધરી

(‘ઝાખરું’: ધરમાભાઈ શ્રીમાળી, પ્રકાશન: ડિવાઈન પબ્લીકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ:૨૦૧૨, કિંમત: ૭૫રૂ. ) 
ધરમભાઈ શ્રીમાળી એક સક્ષમ વાર્તાકાર છે. તેઓ મૂળ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગાદલવાડાના વતની છે. લલિત-દલિત બંને ધારાઓમાં તેમણે આગવી ઓળખ ઊભી કરી છે. તેમની પાસેથી ‘સાંકળ’, ‘નરક’, અને ‘રવેશ’  જેવા વાર્તાસંગ્રહો મળે છે. ‘ઝાખરું’ એમનો ચોથો વાર્તાસંગ્રહ છે. વાર્તાઓ ઉપરાંત ‘ભંડારિયું’ નામે સંસ્મરણનો સંગ્રહ અને એકાદ-બે અન્ય સંપાદનો મળે છે. ધરમાભાઈ મુખ્યત્વે વાર્તાકાર તરીકે વિશેષ જાણીતા છે. તેમની વાર્તાકલાને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, મુંબઈ કલા ગૂર્જરી, દાસી જીવણ એવાર્ડથી પુરસ્કૃત કરવામાં આવી છે.
‘ઝાખરું’ વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ આલેખી છે. સર્જકની સામાજિક નિસબત આ વાર્તાઓમાં ઉભરી આવે છે. આ સંગ્રહમાં સમાવિષ્ટ મોટાભાગની વાર્તાઓ પ્રતિવર્ષ થતા શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદનોમાં સ્થાન પામી છે. આ વાર્તાસંગ્રહનું શીર્ષક સંકેતાત્મક છે. ‘ઝાખરું’ શબ્દનો સામાન્ય અર્થ થાય ઝાડવાં , છોડવાઓનું કાંઇક સુકાઈ ગયેલું ડાળું’’ (કાંટાવાળું યા કાંટા વિનાનું પણ ) . બીજો અર્થ એવો થાય છે કે ‘ વળગ્યું છૂટે નહિ એવું , પીડા કે કટાળો આપે એવું છે તે. અહી લેખકને પણ એવો જ અર્થ અભિપ્રેત છે . લેખકના શબ્દોમાં જોઈએ તો : ‘‘ભવની ભવાઈ’ આંખો આગળથી હટવાનું નામ નથી લેતી . હજુયે જાણે દલિત સમાજની પૂંઠે પગલાં ભૂંસવા બાંધેલું ‘ઝાખરું’ એમનું એમ લટકી રહ્યું છે!’’ (પૃ.૬) આમ, અસ્પૃશ્યતાના કાંટાળા ઝાંખરાની વાત પ્રસ્તુત વાર્તાઓમાં આલેખાઈ છે. સમાજમાં સમરસતાની વાતો ફક્ત ‘વાતો’ બનીને રહી ગઈ છે, સમરસતાનો અનુભવ જોઈએ એવો થતો નથી. અસ્પૃશ્યતા અને શોષણથી  માનવ પીડાઈ રહ્યો છે. પ્રસ્તુત સંગ્રહમાંથી દસ વાર્તાઓમાં દલિત સમસ્યાઓનું નિરૂપણ છે. આ નિરૂપણ સાદુંસીધું નહિ પણ સૂક્ષ્મ અને કલાત્મક  છે.
આ સંગ્રહની પહેલી વાર્તા છે ‘આડવાત’. આ વાર્તાનો નાયક ‘હું’ આડબંધની સરકારી યોજના સમજાવવા અને અછત રાહતની કામગીરીનું ચૂકવણું કરવા નીકળેલા સ્ટાફનો લીડર છે. બે-ત્રણ ગામોની આગતાસ્વાગતા  સ્વીકારી, ચૂકવણું કરી કનુ, રોજમદાર, વ્યાસજી અને ડ્રાઈવર સાથે વાર્તાનાયક ચોથા ગામમાં આવે છે. સમરસ ગ્રામ યોજનામાં સરપંચ બનેલા કરસનભાઈની વિગતો જાણ્યા પછી સ્ટાફનો ગામમાં જવાનો ઉત્સાહ મંદ પડી જાય છે. ‘કનુ , તું સાહેબ હરે જા ...મારે ત્યાં નથી જવું’ (પૃ.4) કહેતા વ્યાસજી જીપમાં બેસી રહે છે. પરતું સાહેબ ( વાર્તા નાયક ) સાથે કમને વ્યાસજીને જવું પડે છે. જે મોહલ્લામાં જવાનું છે તેનું પ્રવેશદ્વાર જોઇને વાર્તાનાયક પરિસ્થિતિ પામી જાય છે. મહોલ્લામાં વાર્તાનાયક આડબંધની વાત કરતાં કરતાં આડવાતે ચડી જાય છે. ગામના, મહોલ્લાના, બાળકોના અભ્યાસના, ગરીબ વસ્તીના, ગામમાં બધા એક સરખો વ્યવહાર કરે છે કેમ ? આ બધા પ્રશ્નો કથાનાયક પૂછ્યા કરે છે. આડવાત પૂછતો કથાનાયક ‘સાહેબ’ મટી મહોલ્લાના લોકોને આપ્તજન જેવો લાગે છે . સરપંચ ઘરેથી પીવાનું પાણી લાવતાં વ્યાસજી ગુટકો ચાવવા માંડે છે, જયારે કથાનાયક લોટોભરીને પાણી ગટગટાવી જાય છે. આખી વાર્તામાં  આ ઘટના સંકેતાત્મક છે. વાર્તાનાયક સાહેબ દલિત હોવાની અને સવર્ણ સમાજની દલિત તરફની સૂગ પ્રતિકાત્મક રીતે ઉપસી આવે છે. 
      ‘કદડો’ વાર્તામાં શોષણનો ભોગ બની મરણ પામતા સફાઈ કામદારની વાત છે.ત્રણ મહિનાથી નગરપાલિકાએ વાર્તા નાયક કણદાનો પગાર કર્યો નથી . કમળાનો ભોગ બનેલી દીકરી શારદા હોસ્પિટલમાં છે. કારકુન અને સુપરવાઈઝરની રોજની તવાઈ છે રજા મળતી નથી,  ના છૂટકે ગટરમાં ઉતરતો કણદો કદડામાં જામ થઈ જાય છે. તેમાંથી નીકળવા ઘણા હવાતિયા મારે છે. પરતું તે બહાર નીકળી શકતો નથી. શારદી અને શારદીની માને યાદ કરતો  તે મુત્યુ પામે છે. આ દૃશ્યનું નિરૂપણ બેનમૂન છે.
      ‘પ્રવેશદ્વાર’ વાર્તામાં દલિતો પ્રત્યે ઉપરથી હેત વરસાવતા અદલિતો અંદરથી કેવા વામણા છે. તેની પ્રતીતિ ‘વસુધૈવમ ટાઉનશીપ’ના દલાલના માધ્યમથી થાય છે. મકાન લેવા નીકળેલા વાર્તાનાયકને ‘વસુધૈવમ ટાઉનશીપ’ના મકાન ગમી જાય છે. મકાનનું  કદ, લોન હપ્તા જેવી  આવશ્યક વિધિઓ આટોપતો  વાર્તાનાયક તરંગોમાં ઘરના વાસ્તુ સુધી પહોંચી જાય છે. ત્યાં ટાઉનશીપના પ્રવેશ દ્વારે પહોંચે છે ત્યારે દલાલ કહે છે: “તમે બીજી કોઈ ચિંતા ના કરતા સર.. આપણે અહીં બી. સી. લોકોને મકાન નથી આપતા. મુસલમાનને પણ નહીં એટલે તમતમારે પડોશી બાબતે નચિંત રહેજો.”( પૃષ્ઠ: ) કથાનાયક બી.સી. છે. તેનું દિલ ઘવાય છે. આ વાર્તા ચોટદાર બની છે.
     ‘ઝાખરું’ વાર્તામાં હરિજન હોવાના કારણે વાર્તાનાયકને વેઠવી પડતી મુશ્કેલીઓનો સંયમપૂર્વક ચિતાર આપ્યો છે.
‘રુદન’ શોષણખોરોના ત્રાસની કથા છે. દલિત વાસમાં રસ્તો નથી છતાં સવર્ણો દાદાગીરીથી દલિતવાસમાં રસ્તો પાડીને સંઘર્ષનું કારણ ઊભું કરી છે. સવર્ણો અને હરિજનોના સંઘર્ષમાં વાર્તાનાયક પ્રેમજીનું મૃત્યુ થાય છે. હરિજનોને ગામ છોડીન ભાગવું પડે છે. હિજરતીઓની છાવણીમાં રહેતા શોષિતોનો વલોપાત હૃદયને હચમચાવી મૂકે તેવો છે. લેખકની સર્જનાત્મકતાના ચમકારા આ વાર્તામાં પૂરેપૂરા વરતાય છે.
 આ સંગ્રહની ‘પધરામણી’ વાર્તા લેખકની ઉત્તમવાર્તાઓમાંની એક છે. આ વાર્તાનું વિષયવસ્તુ છે ગામમાં વેરાઈ માતાના મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ. ગામના દરેક વાસમાં રથની પધરામણી થાય છે. પરંતુ દલિતવાસ આવે તે પહેલાં રથ ફંટાઈ જાય છે. રાહ જોઈને થાકેલા દલિતો પધરામણીના રથને પાછો વાળવા દોડે છે. સરપંચ માથું ખંજવાડતાં ધીમેથી બોલે છે: “ અલ્યા ભઈ..... હેંડો તાણા.... બાપડાંએ ફાળો નોંધાયો સઅ...” (પૃ. ) અહીં ‘બાપડાં’ શબ્દમાં રહેલો વ્યંગ અપમાન કુઠારાધાત કરે છે. વાર્તાના અંતમાં દલિતો સવર્ણ સમાજના અપમાનનો બદલો લેવા નાચતાં-ગાતાં-કૂદતાં  રામાપીરના મંદિરે જાય છે. આ વાર્તાનું સૂક્ષ્મ નકશીકામ આકર્ષક છે.
‘ફાચર’માં એક ગરીબ દલિત કુટુંબની દયનીય સ્થિતિને લેખકે શબ્દસ્થ કરી છે. ‘ઘોડે સવારી’ વાર્તામાં ટી.કે.નું પાત્ર સરસ રીતે ઉપસ્યું છે. વાર્તાને અનુરૂપ વાતાવરણ સરસ રચ્યું છે. મારા મતે ‘આઠમો રંગ’, ‘રેલો’, ‘આફટર શોક’ જેવી વાર્તાઓનું કથાવસ્તુ સાદુંસીધું છે. તેમાં કશો ઉન્મેષ અનુભવાતો નથી.
પરંતુ, સમગ્ર રીતે જોતાં આ સંગ્રહમાંથી વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની  લાક્ષણિકતાઓ  આગળ તરી આવે છે. દરેક વાર્તાની કથાવસ્તુની માવજત લેખકે જુદીજુદી રીતે કરી છે. ગ્રામ્ય જીવનની નસેનસથી વાકેફ સર્જક વાર્તામાં તેનું સૂક્ષ્મતાથી નિરૂપણ કરે છે. વળી, સામાજિક વર્ણવ્યવસ્થા, રીતિરિવાજો, વેદનાગ્રસ્થ સ્થિતિ, સ્ત્રી-પુરુષના સંબંધો વગેરે બાબતની ઊંડી સૂઝ સમજનો વિનિયોગ વાર્તાઓમાં જોઈ શકાય છે. વાર્તાના ગદ્યમાં તળપદી ભાષા અને ઉત્તર ગુજરાતી બોલીનો વિનિયોગ વસ્તુ, પરિવેશ અને પાત્રને કલાત્મક રીતે ઉપસાવવામાં  સફળ રહે છે. ‘આડવાત’, ‘કડદો’, ‘પ્રવેશદ્વાર’ અને ‘પધરામણી’ વાર્તાઓ મારા મતે આ ગ્રંથની સરસ વાર્તાઓ છે.                    
                        ડો.બિપિન ચૌધરી
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ
મો.૯૯૯૮૦૫૮૭૯૭  













શ્રી એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી
સંચાલિત
સી.એન.આર્ટ્સ એન્ડ બી.ડી. કોમર્સ કોલેજ, કડી,
આયોજિત
યુ.જી.સી.સ્પોન્સર્ડ નેશનલ સેમિનાર
વિષય  
દલિત સાહિત્ય અને સમાજ સંદર્ભ
(કવિતા,નવલિકા, લઘુકથા અને આત્મકથા સંદર્ભે)
સંશોધનપત્રનો વિષય :
દલિત સંવેદનાથી ધબકતું ‘ઝાખરું’
લેખ રજૂકરનાર;
ડો.બિપિન ચૌધરી
ગુજરાતી વિભાગ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3