સ્વચ્છ ભારત અભિયાન


સ્વચ્છ ભારત અભિયાન    ડૉ. બિપિન ચૌધરી
સત્યમ , શિવમ અને સુન્દરમ _ આ ત્રણેય મૂલ્યો પરસ્પર સંકળાયેલાં  છે. સુન્દરનો સંબંધ સ્વચ્છતા પણ સાથે જોડી શકાય. જ્યાં સ્વચ્છતા છે ત્યાં સુન્દરતા દેખાય જ. ગંદકી હોય ત્યાં સુન્દરતા ન ટકી  શકે. સ્વચ્છતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનો એક મહત્ત્વનો  સદગુણ છે, ઓળખ છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશનું મૂલ્યાંકન તેના ચોખ્ખાઈ કે સ્વચ્છતા જાળવવાના કાર્યક્રમોથી કરી શકાય . સુન્દર સ્થળે જવું કે સ્વસ્થ વ્યક્તિને મળવું કોને ન ગમે ? સ્વચ્છતા તો પ્રભુને પણ પ્યારી છે. એટલે જ તો કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગાંધીબાપુ તો કહેતા કે ‘પવિત્રતા પછી તરત સ્વચ્છતાનું સ્થાન છે.’  સ્વચ્છતા જાળવવી એ તો પ્રભુની આરાધના છે.
પ્રાચીનકાળથી  જ આપણા ધર્મગ્રંથોમાં તનમનની સ્વચ્છતા પર  ભાર મૂકવામાં આવ્યો છે. પુરાણોમાં અને અન્ય ધર્મગ્રંથોમાં નાહવાની ક્રિયાને નિત્ય -ક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમ ના કરવું પાપ માનવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના આચારાધ્યાયના બ્રહ્મચારી પ્રકરણમાં ગુરુ  વેદ ભણાવ્યા બાદ શિષ્યને શૌચ અને સ્વચ્છતા અંગેના  આચાર શીખવે છે તેના શ્લોક મળે છે. આ લખાણો આધ્યાત્મિક શુદ્ધતાના વિચારો પર આધારિત છે, છતાં શુદ્ધતાની રીતિઓ  પરના કેટલાક નિયમો સ્વાસ્થ્ય સુધારે છે. વ્યક્તિ માટે મનની ચોખ્ખાઈ સાથે તનની ચોખ્ખાઈ એટલી જ આવશ્યક છે.
          સ્વચ્છતા એટલે આરોગ્ય અને આરોગ્યપ્રદ જીવન પ્રણાલી સાથે સંકળાયેલી આદતો. બીજા શબ્દોમાં કહીએ તો જીવાતોને કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા માટેની પધ્ધતિ એટલે સ્વચ્છતા. સ્વચ્છતાની આદતો એ તબીબી વિજ્ઞાનમાં તેમજ ઘર સમાજ  અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડનાર  પ્રતિબંધક માપદંડ છે. વ્યક્તિના ઘરની સ્વચ્છતા જેમ તે ઘરના સભ્યોના ચારિત્ર્યનું પ્રતિબિંબ  રજૂ કરે છે, તેવી જ રીતે ગામ-શહેરની સ્વચ્છતા જે તે પ્રદેશના લોકોનું પ્રતિબિંબ પાડે છે.   

 સ્વચ્છતા રાષ્ટ્રીય સદગુણ છે, તો ગંદકી રાષ્ટ્રીય અવગુણ છે. આપણે કોદાળીથી કોમ્પ્યુટર સુધી અને મોબાઈલથી મંગળ સુધી પ્રગતિ સાધી છે. પણ સ્વચ્છતાની  બાબતમાં આપણે ઠેરના ઠેર છીએ. સ્વચ્છતાપ્રેમી ગાંધીજીએ સ્વચ્છતાને સ્વરાજથી પણ અગ્રતાક્રમ આપી ગંદકી નાબૂદી  અભિયાન ચલાવ્યું પણ તેમાં ઝાઝી સફળતા મળી નથી. અંગ્રેજોને હટાવી શકાયા , ગંદકીને નહિ.  ભારતને આઝાદી મળે ૬૭ વર્ષ થયાં તો પણ આ દેશની અર્ધાથીય વધુ વસતિની પાસે યોગ્ય શૌચાલય નથી કે પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. આ હકીકતને ધ્યાનમાં રાખી ગાંધીબાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા  ગાંધીજીના જન્મદિન 2, ઓક્ટોબર 2014ના રોજ  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  ‘સ્વચ્છ ભારત અભિયાન’ (2014-2019) શરૂ કર્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષ 2019 સુધી આ સ્વચ્છતા મિશન ચાલવાનું છે.
આખી દુનિયાને દિશા દેખાડનાર  વિશ્વગુરૂ બનવા માંગતો મહાન દેશ એક વિરાટ પબ્લિક ટોયલેટ બની ગયો છે, તે વરવી વાસ્તવિકતા છે. ૨૦૧૨માં થયેલી એક મોજણી પ્રમાણે ખુલ્લામાં મળવિસર્જન કરતા લોકોનું  પ્રમાણ ભારતમાં ૪૮ ટકા છે, જ્યારે કૉંગો જેવા અતિ પછાત દેશમાં તે પ્રમાણ આઠ ટકા  અને બાંગ્લાદેશમાં ત્રણ ટકા છે.  એક રિપોર્ટ મુજબ ભારતની ૬૯% ગ્રામ્ય જનતા અને ૧૮% શહેરી જનતા કુદરતી હાજત ( મળત્યાગ)  ખુલ્લામાં કરે છે. આ દેશના ઘરમાં ટોયલેટની સંખ્યાની સરખામણી એ મોબાઈલ ફોનની સંખ્યા વધુ છે. આ દેશમાં ગંદકી અટકાવા માટે પણ ભગવાનનો સહારો લેવો પડે છે! પાનની પિચકારીઓથી કે મળમૂત્રથી લોકો દીવાલ ગંદી ન કરે એટલે ત્યાં ચેતવણી માટે ભગવાનની  છબીઓ ચોંટાડવી પડે તે કેટલી  હદની વાત છે ?  આ દેશના જાહેર શૌચલયમાં કે મૂતરડીમાં જવાનું કાર્ય  શત્રુદેશની સીમામાં ઘુસવાના સાહસથી કમ નથી
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં લોકો શૌચ માટે ઝાડીઝાંખરાના પાછળ, ખેતરોમાં કે રસ્તાઓના કિનારે બેસે છે. આનાથી અનેક સમસ્યાઓ પેદા થાય છે. જેમકે, બાળકોનું અકાળે મોત, કમળો, ડાયેરીયા જેવા વિવિધ રોગોનું સંક્રમણ  થવાથી મોટા પ્રમાણમાં બિમારી ફેલાય છે. ઘણીવાર તો આવી સુમસામ જ્ગ્યાઓએ શૌચ માટે ગયેલી યુવતીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ  પ્રકાશમાં આવી છે. સ્વચ્છતા સંબંધી અને ખુલ્લામાં શૌચની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી  યૂપીએ સરકારે ઈ.સ. ૧૯૯૯માં ‘નિર્મળ ભારત અભિયાન’ શરૂ કરેલું. ૨૦૧૨ સુધી આખા દેશને સ્વચ્છ બનાવવો અને દરેક ઘરમાં ટોયલેટ સુવિધા પહોચાડવી. પરંતું આ લક્ષ્ય સિદ્ધ થઈ ન શક્યું. પરિણામે નિર્મળ ભારત અભિયાનને વર્તમાન મોદી સરકારે  બદલી સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું.
સ્વચ્છ ભારત અભિયાનનું મુખ્ય લક્ષ્ય આવનાર પાંચ વર્ષમાં દેશને ગંદકીથી મુક્ત કરવાનું છે. તે માટે ખુલ્લામાં મળવિસર્જન રોકવું, દરેક ઘરમાં શૌચાલય બનાવવું,  પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું તેમજ કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવથાતંત્ર ઉભું કરવું અત્યંત જરૂરી છે. આ અભિયાનમાં જાહેર રસ્તાઓ અને ફુટપાથોની સફાઈ તેમજ ગેરકાયદેસર દબાણો હટાવવા પણ જરૂરી છે. કેમ કે, સ્વચ્છતા જાળવવાની નાગરિક તરીકેની  આપણી જવાબદારીનો લોકોમાં અભાવ જોવા મળે છે. ઘરમાં એકઠો થયેલો કચરો કે એંઠવાડ  સોસાયટીનાં ખાલી પ્લોટમાં અથવા જાહેર માર્ગો ઉપર ઠાલવવો, ફ્લેટમાં રહેના દ્વારા  ઉપરથી જ કચરો નીચેના જાહેર રસ્તા પર ફેકવો, બ્રશ દાતણ પણ ઉપર બાલ્કનીમાં કરવું અને થૂંકવું, ઘરમાં પોતુ કરી ગંદું પાણી જાહેર રસ્તા પર ઢોળવું, પોતાનું આંગણું સાફ કરી કચરો પડોશીના આંગણા તરફ ધકેલવો, જમતાં વધેલી રસોઈ કે બગડેલાં શાકભાજી ગાયને ખવડાવી પુણ્ય કમાઈ લેવા જાહેર જગ્યામાં નાખવું, જાહેર કે લગ્ન સમયના ભોજન સમારંભોને અંતે એંઠું જ્યાં ત્યાં નાખવું, પાન-માવા, તમાકુ કે ગુટકાઓ ખાઈ મનફાવે ત્યાં થૂંકવું કે પિચકારીઓ મારવી, ઘર, શાળા કે અન્ય જાહેર સંસ્થા પાસે જ ઉકરડા કરવા વગેરે ખોટી  આદતોને કારણે ગંદકી વધે છે.
ભારત સરકારે વિવિધ રાજ્યકીય પક્ષો, બિનસરકારી સંગઠનો, એન.જી.ઓ, નિગમો અને સક્રિય લોકોના સહયોગ અને ભાગીદારીથી  ‘સ્વચ્છ ભારત અભિયાન’ ઈ.સ. ૨૦૧૯ સુધી પૂરું કરવાનું લક્ષ્ય  રાખ્યું છે. આ મિશનને સફળ બનાવવા માટે નેતા, અભિનેતા, મહંત, મુલ્લા, પાદરી, શિક્ષિત, અભણ, સ્ત્રી-પુરુષ તમામ વર્ગના સમજદાર નાગરિકોની સક્રિય ભાગીદારી અને સહિયારો પ્રયત્ન જરૂરી છે. સફાઈ માટે તમામ લોકો સક્રિય થાય તો જ ચમત્કાર સર્જી શકાય. બાકી, ગંદકી, ઘોંઘાટ અને ગિરદી આપણેને  કોઠે પડી ગઈ છે. 
           સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો કે કેળવ્યો નથી. નજર સામે પડેલા ગંદકીના ઢગલા આપણને  પચી જાય છે. દુનિયાના  દરેક શહેરમાં કેટલાક ગંદા વિસ્તાર હોય, તેનાથી ઉલટું અહીં તો દરેક શહેરમાં સ્વચ્છ વિસ્તાર દીવો લઈને શોધો ત્યારે મળે. ગામડાં પણ ગંદકીનાં મોટા ધામ છે. ગાંધીજીએ એક વાર ભારતના ગામડાઓની ગંદકીથી અકળાઈ ને કહ્યુ હતું કે “ ભારતમાં સાત લાખ ગામડાં નથી, સાત લાખ ઉકરડા છે.” પૂરી એક સદી પછીય સફાઈની બાબતમાં જોઈએ એટલી સફળતા મળી નથી. ‘ગોકુળ ગામ’ કે ‘નિર્મળ ગામ’ જેવી સરકારી યોજનાઓ થકી ગંદકી નાબૂદ કરવા કેટલાક કાર્યક્રમો પણ અમલમાં મૂકવામાં આવ્યા, તેમજ  સરકારે જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનું ધોરણ ઊંચું લાવવા કેટલાક કાયદાઓ ઘડયાં છે. આમ છતાં,  આપણા દેશના નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યનું ધોરણ ઘણું  નીચું છે.
સ્વચ્છ ભારતને અભિયાનને સફળ બનાવવા માટે ભારત સરકારે  ૧૯ સભ્યોની વિશેષજ્ઞ સમિતિ બનાવી છે. આ સમિતિના અધ્યક્ષ વૈજ્ઞાનિક રઘુનાથ અનંત માશેલકર છે. આ સમિતિ દેશના વિવિધ રાજ્યોમાં સ્વચ્છતા જાળવવાના અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાના સૌથી શ્રેષ્ઠ અને આધુનિક  ઉપાયો બતાવશે. ૨, ઓક્ટોબર ૨૦૧૪ના રોજ વડાપ્રધાને આ અભિયાન શરૂ કર્યું ત્યારે તેમની સાથે પાર્ટીના પદાધિકારીઓ,  બોલીવુડ કલાકાર આમિરખાન, હજારો સરકારી કર્મચારીઓ, સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. પીમને તેમના કેબિનેટ મંત્રીઓનો પણ ભરપૂર સહયોગ મળ્યો.  આ અભિયાનને જનઆંદોલન બનાવવા માટે વડાપ્રધાને સફાઈનું બીડું ઝડપનાર  નવ લોકોને નામાંકિત કર્યા, જેમાં  અભિનેત્રી પ્રિયંકા ચોપડા, શશી થરુર, સચિન તેંદુલકર અને અનિલ અંબાણી સામેલ છે. આ નવ લોકો અન્ય નવ લોકોને આ સફાઈ અભિયાનમાં જોડશે. આ રીતે અનેક લોકો આ મિશનમાં જોડાશે અને તે બીજા લોકોને આ મિશનમાં જોડાવા માટે અપીલ કરશે. આ મિશનમાં કેટલાક રાજ્યો પણ જોડાયા છે. બીજા ઘણા કાર્યક્રમો અને યોજનાઓ આ અભિયાનને સફળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.
સ્વચ્છ ભારત અભિયાનને બે વિભાગોમાં વહેંચીને  ક્રિયાન્વીત કરવામાં આવ્યું છે : એક તો ‘સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ’ અને બીજું   ‘સ્વચ્છ ભારત અભિયાન શહેરી’. પેયજળ અને સ્વચ્છતાની દેખભાળ કરવાની ગ્રામ્ય વિસ્તારોની  જવાબદારી  ગ્રામીણ વિકાસ મંત્રાલયને અને શહેરી વિસ્તારોની જવાબદારી શહેરી વિકાસ મંત્રાલયને સોંપવામાં આવી છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામીણ વિકાસ મંત્રાલય દરેક ગામને આવનાર પાંચ વર્ષ સુધી દર વર્ષે ૨૦ લાખ આપશે. આ અભિયાન અંતર્ગત સરકારે દરેક પરિવારને વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રૂપિયા ૧૨૦૦૦ સુધીની સહાય આપવાનું નક્કી કર્યું છે. જેથી સફાઈ, નાહવા અને કપડાં ધોવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનો પ્રબંધ કરી શકાય. એક અનુમાન પ્રમાણે  પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આ અભિયાન પાછળ આશરે ૧,૩૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવા, સામુદાયિક અને સાર્વજનિક શૌચાલય બનાવવા , ઘન કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું લક્ષ્ય છે.  શહેરી વિકાસ મંત્રાલયે આ મિશન માટે આશરે ૬૨,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ પૂરા મિશન પાછળ અંદાજે ૧,૯૬,૦૦૯ કરોડ રૂપિયા વપરાવાના છે.
 કેવળ અભિયાન શરુ કરવું એટલું પૂરતું નથી, પણ તેનું નક્કર પરિણામ મળવું જોઈએ. આને મળતાં આવતાં અભિયાનો  આ પહેલાં પણ શરૂ  થયેલાં તે સફળ નથી થયાં જેમ કે, નિર્મળ ભારત અભિયાન. વળી, ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ સ્વચ્છતા અભિયાનને ફોટો અભિયાન માની પહેલા કર્મચારી પાસે કચરો નંખાવે  અને પછી  ઝાડુથી સાફ કરતા હોવાનું થોડી મિનિટો પૂરતું નાટક કરે એવા સમાચાર અવારનવાર ટી.વી. અને છાપામાં ચમકતા રહે છે. તેથી આ અભિયાન વિશે લોકોના મનમાં આશંકા જન્મે તે સ્વાભાવિક છે.
ફકત સરકાર એકલી  આ અભિયાનને સફળ નહિ બનાવી શકે પરંતુ તેની સફળતા માટે પ્રજાની ભાગીદારી  એટલી જ જરૂરી છે. ગંદકીની કુટેવ મનમાંથી જાય તો જ જીવનમાં સફાઈ આવે. લોકોમાં સ્વચ્છતા માટે આગ્રહ કેળવાય અને લોકો જાહેર સ્થળોએ કચરો નાખવાનું  કે ગંદકી કરવાનું ટાળે તે માટેના  પ્રયાસો કરવાના રહેશે. એ માટે અભિયાનો દ્વારા લોકશિક્ષણ એક ઉપયોગી સાધન છે, પણ તે પૂરતું નથી. ગંદકી રોકવા માટે જરૂર  પડે ત્યાં ધોકાવાળી કે શિક્ષાત્મક પગલાં ચુસ્ત રીતે ભરવાં જ પડે. લોકોને તેમના કચરાનો નિકાલ કરવાનો બહેતર વિકલ્પ ન આપવામાં આવે ત્યાં સુધી સ્વચ્છતાનું મૂલ્ય સમજતા  લોકો પણ  લાચારીથી જાહેર સ્થળ કચરો નાખતા રહેશે. આ  બહેતર વિકલ્પ શાસકોએ પૂરો પાડવાનો છે.  કચરાનો સમુચિત નિકાલ, ગંદા પાણીનો યોગ્ય નિકાલ અને મળમૂત્ર વિસર્જન માટેનો યોગ્ય પ્રબંધ  આ ત્રણ સ્વચ્છ ભારતનાં મહત્ત્વનાં પાસાં છે.  આ બધાંમાં નાગરિકોની ભૂમિકાની તુલનામાં રાજ્ય-સરકારો અને સ્થાનિક સત્તામંડળોની કામગીરી  વધારે  મહત્ત્વની અને નિર્ણાયક છે.
વિવિધ શાળાઓ કે મહાશાળો વચ્ચે સ્વચ્છતાની સ્પર્ધા યોજી યા સ્વચ્છ ઘર, શેરી ગામ કે શહેર કે સ્વચ્છ તાલુકો, જિલ્લો કે રાજ્યની સ્પર્ધા યોજી  તેમાં પ્રથમ કે દ્વિતીય સ્થાન મેળવનારનું જાહેર સન્માન કરી તેમની સ્વચ્છતાને પોષક સગવડોનો વધારો કરી  આ કાર્યને પ્રોત્સાહન આપી શકાય. સફાઈ દિન કે સમૂહ સફાઈની ઊજવણી કરી લોકોમાં સફાઈનો સદગુણ વિકસાવી શકાય અને ગંદકી નાબૂદ કરી શકાય. આવા સફાઈના વિવિધ કાર્યક્રમોમાં જ્યારે બધાં જ યુવક- યુવતીઓ  ભાગ લે તથા સમાજ આવા કાર્યક્રમોમાં રસ દાખવી તેમની ટેવો બદલે અને પ્રત્યેક નાગરિક મનમાં દ્દ્ઢ સંકલ્પ કરે કે ‘સ્વચ્છતાની શરૂઆત મારાથી’ તો આપણો દેશ સ્વચ્છ બને, સ્વસ્થ બને,  સુંદર બને. ચલો, ચલે  એક કદમ સ્વચ્છતા કી ઓર..
 
ડૉ. બિપિન ચૌધરી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3