જાપાનની પ્રવાસ_પ્રણયકથા: ‘ સંબંધની ઋતુઓ’


 જાપાનની પ્રવાસ_પ્રણયકથા: સંબંધની ઋતુઓ _ ડૉ.બિપિન ચૌધરી      
(સંબંધની ઋતુઓ:પ્રીતિ સેનગુપ્તા , પ્રકાશક:આર.આર. શેઠની કંપની ,પ્રથમઆવૃત્તિ-2009)
        પહેલી વિશ્વપ્રવાસિની ગુજરાતી નારી એટલે ગોંડલનાં મહારાણી નંદકુંવરબા અને તે પછી લગભગ સો વર્ષ પછી વિશ્વપ્રવાસ પ્રીતિ ધરાવતાં નારી તે પ્રીતિ સેનગુપ્તા. છેલ્લા પચ્ચીસ-ત્રીસ વર્ષથી ભ્રમણનો ભેખ ધારણ કરી તેઓ દેશ-દેશાંતરમાં આડાઊભા પને ઘૂમે છે. પ્રવાસ એમનો નિજાનંદ છે, પરંતુ એ આનંદને તેમણે પોતાના પૂરતો સીમિત રાખ્યો નથી. પ્રવાસપુસ્તકો દ્વારા સતત લહાણી કરી છે. એકવીસ જેટલા પ્રવાસગ્રંથો આપીને દોઢસો વર્ષના આપણા પ્રવાસસાહિત્યમાં તેમણે આગવું સ્થાન અંકે કર્યું છે. સંબંધોની ઋતુઓ થકી કુમાર સુવર્ણચંદ્રક મેળવનાર સન્નારી તરીકે ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે.                                                                              
        લોકો અમેરિકા જઈને નોકરી કરીને પૈસા બનાવવા માંડે ત્યારે પ્રીતિ સેનગુપ્તાની સર્જનયાત્રા અને વિશ્વયાત્રાની ખરા અર્થમાં શરૂઆત અમેરિકાના વસવાટથી થાય છે. પ્રવાસ અને લેખન આ બે પ્રવૃત્તિઓ તેમની જીવનરીતિ બની ગઈ છે.લગભગ છ મહિના દેશ-વિદેશનાં વિધવિધ સ્થળોનું દર વર્ષે ભ્રમણ કરતાં રહે છે. પ્રવાસેથી ઘરે પાછાં ફરે ત્યારે એમાંના ઘણા અનુભવોને શબ્દબદ્ધ કરીલે છે.  ભારત  અને અમેરિકા ઉપરાંત જાપાન તેમનો પ્રિય દેશ છે. લેખિકાએ ઈસ.2005 સુધી જાપાનનો છ વાર પ્રવાસ ખેડયો છે. તેના અનુભવો સંબંધની ઋતુઓમાં ગ્રંથસ્થ થયા છે. જાપાન પ્રત્યે આદર,સન્માન અને ઊંડા સ્નેહનાં સંવેદનો આ ગ્રંથના પાનેપાને પ્રગટ થયાં છે. જાપાનપ્રેમનો એકરાર કરતાં લેખિકા નોંધે છે: જાપાન માટેનો પ્રેમ­_ભાવ એવો પ્રસરી ગયો છે ચેતાનામાં, કે ક્યારે પણ જાપાની સંદર્ભ નીકળી આવે ત્યારે યાદ અને વિરહનો ભાવ તીવ્ર થઈને ડંખી જાય
છે! જાપાની ચા પીવા જેવી સાધારણ ક્રિયા થતી હોય ત્યારેય ત્યાંની સુગંધ, ત્યાંના સ્વાદ સ્પષ્ટ થઈ આવે. જાણે નવેસરથી સભાન થવું પડે કે હું જાપાનમાં નહીં, અન્યત્ર_ પછી ભલે ને મારા પોતાના ઘરમાં_છું!(પૃષ્ઠ 7) લેખિકાને મન જાપાન પરદેશ નહિ; પોતાનો દેશ છે, પોતાનું ઘર છે.                                  
        જાપાન લેખિકાનો પ્રિયમાં પ્રિય દેશ છે. પતિવતન બંગાળનું તેવું જાપાનનું  તેમને ઘેલું છે. જાપાનમાં લેખિકાના ઘણા મિત્રો છે.જેમને ત્યાં તેઓ દિવસો સુધી રહ્યાં છે.જાપાની શાકાહારી ભોજન ખાવું, જાપાની ચા કે સાકે પીવું, કાબુકી અને નોહ જોવું, પ્રિય નગર ટોકિયોમાં ચાલવું તેમને ખૂબ જ ગમે છે.જાપાનીપણાની તદ્દન નજીક જવાય તે માટે લેખિકા જાપાનીભાષા પણ  શીખી લે છે .

  લેખિકાના જાપાન પ્રત્યેના મૃગ્ધ પ્રેમ અને આરંભની આસક્તિ છ                                                             વારના  પ્રવાસ બાદ શાશ્વત સંબંધમાં પરિણમી છે. વળી, ઠંડી, ગરમી, વરસાદ અને બરફ એમ દરેક ઋતુની ખાસિયત તેમણ પ્રવાસ દરમિયાન અનુભવી છે. એટલે જ તો આ ગ્રંથનું શીર્ષક સંબંધની ઋતુઓ સાર્થક છે.તેમજ આ ગ્રંથના છ વિભાગોના નામ અનુક્રમે: શરદ, ગ્રીષ્મ, વસંત, શિશિર, હેમંત ને શરદ આપ્યા છે.આ વિભાગીકરણમાં વર્ષાની બાદબાકી અને શરદનું પુનરાવર્તન સહેતુ છે,આપણી છ ઋતુઓ પ્રમાણે જુલાઈ અને ઑગષ્ટ મહિના વર્ષા ઋતુને લગતા છે. પરંતુ જાપાનમાં આ બે મહિનાઓ દરમિયાન ખૂબ જ ગરમી અને બાફ હોય છે, તેથી લેખિકા આ બે માસ ત્યાં ગયાં નથી.જોકે તેમણે બીજા મહિનાઓમાં જાપાનમાં વરસાદ જોયો અને ધરાઈને માણ્યો છે. જાપાનની પ્રથમ સફર લેખિકાએ શરદ ઋતુમાં કરેલી અને છઠ્ઠી વારની સફર પણ શરદમાં. જાણે જાપાન સાથેના સ્નેહ_સંબંધોની એક સંપૂર્ણ  ઋતુસંહિતા રચાઈ છે. એક વલય સંપન્ન થયું છે(પૃષ્ઠ 232) આવું બીજું વલય ક્યારેક આરંભ પામે એવું વરદાન લેખિકા ભાગ્ય પાસે માગે છે.લેખિકાની નોંધપાત્ર વિશેષતાએ છે કે તેમના કોઈપણ પ્રવાસપુસ્તકના શીર્ષકમાં  પ્રવાસસ્થળનો સીધો ઉલ્લેખ નહિ મળે, પણ સ્થળની વિશેષતા કાવ્યાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. જે અહીં પણ જોઈ શકાય છે.
        આ પુસ્તકમાંથી પસાર થતાં જાપાનનો ઇતિહાસ, ધર્મ, જીવનરીતિ, ભોજન, ભાષા, મંદિર, નગર, રસ્તા એક પછી એક ર્દશ્યાવલી આપણી આંખ સામેથી પસાર થતી રહે છે. જાપાની ભાષાનો પણ સંર્સ્પશ મળી જાય છે. એક પ્રેમીની નજરે જાપાનનું વર્ણન થયું હોઈ એમાં ઉત્સાહ અને આતિશ્ય પણ જોવા મળે . ઉદાહરણ રૂપે જાપાની બગીચાનું આ વર્ણન જુઓ: જાપાની ઉદ્યાનને ખૂબ સૂક્ષ્મ ભાવે પ્રમાણવાનો હોય છે. જોવાની, સાંભળવાની, સમજવાની આપણી દુન્યવી ટેવો અહીં ત્યજવાની હોય છે. એક એક ક્ષણને, એક એક પલકારાને અમૂલ્ય સ્મરણ  ગણીને  સંગ્રહતા જવાનું હોય છે. જાપાની ઉદ્યાન_ પ્રકૃતિનું સૌન્દર્ય , આત્માનું ઊંડાણ અને સર્જકતાનો આવિર્ભાવ _ આ ત્રણ તત્ત્વોને ઉદ્દઘોષિત કરે છે. એમાં પ્રવેશનારને એ શહેરી જીવનનાં ભીડ અને ઘોંઘટથી મુક્તિ આપે છે; ઉપરાંત, અદ્રુતતા, શાંતિ અને અકૃત્રિમ વાતાવરણનો ઉપહાર બક્ષે છે.(પૃષ્ઠ:85) જાપાનને લેખિકા મન, હ્રદય ને પ્રાણથી પામવાની કોશિશ કરે છે. જાપાનના બજારમાંથી એકાએક ઊંચકાઈ એના ઈતિહાસમાં પણ પહોંચી જવાય. ત્યાં સ્ટીલ અને સિમેન્ટનાં જંગલ જેવાં શહેરોમાં ટપાલની ટિકિટ જેટલી નાની જગ્યાઓમાં કલાત્મક રીતે રચેલાં જાપાનના ઉદ્યાનનું વર્ણન આવે; હીરોશિમાની વાત આવે.
        જાપાનમાં ઋતુને અનુરૂપ રંગ અને ડિઝાઈનવાળાં વસ્ત્ર પહેરવાંનો, તેમ જ ઋતુમાં મળતાં ફળ, ફૂલ, શાકભાજી વગેરેને સજાવટમાં અને આહારમાં પ્રયોજવાનો આગ્રહ તથા આનંદ, જાપાની પ્રજાજનો સાથે લેખિકાએ માણ્યો છે. જાપાની પોશાક એટલે કિમોનો. પ્રસંગ પ્રમાણે તો ખરો જ, પણ ઋતુ ઉપયુકત રંગ અને ડિઝાઈનનો કિમોનો પસંદ કરવાનો હોય છે. પહેરવેશના આવા સૌન્દર્યશાસ્ત્રીય અભિગમનું પાલન કરી, કિમોનો પહેરી, લેખિકાએ જાપાનની રીત પ્રમાણે, વિનયથી કમ્મરેથી નમીને બધાંનો આભાર માન્યો. કિમોનો પહેરી પોતે તો ખુશ થયાં પણ એક પરદેશીને પોતાના દેશના પોષાકમાં જોઈને જાપાની લોકો પણ આનંદ પામ્યાં. લેખિકા જાપાની વ્યક્તિત્વ સાથે ઐક્ય સાધવા પ્રવાસ દરમિયાન તત્પર રહ્યાં છે. જાપાનીઓ સાથે મિત્ર જ નહીં, સ્વજન થઈને રહ્યાં છે.
લેખિકાને પ્રવાસ દરમિયાન અનેક વ્યક્તિઓના નિકટના અને અછડતા પરિચયમાં આવવાના ઘણા પ્રસંગો પ્રાપ્ત થયા છે. આવાં અલ્પપરિચિત કે અપરિચિત  લોકો સાથેના સંબંધ-સહવાસના અનુભવોનાં સંસ્મરણો જીવંત બન્યાં છે. આટલી એકાગ્રતા? પ્રકરણમાં આલેખાયેલ રેસ્ટૉરાં માલિક તાદાહિકો વાકાબાયાશી સાથેની મુલાકાત અને તેની વાત અસાધારણ તેમજ હૃદયસ્પર્શી છે. મધ્યમવર્ગીય જાપાની કુટુંબમાં જન્મેલ_ઉછરેલ વાકાબાયાશી કૉલેજના રસ્તામાં આવતી વાજિંત્રોની એક દુકાનમાં સાવ જુદી જ જાતનું વાજિંત્ર જોયી ઊભો રહે છે, ખરીદવાના પૈસા નહિ એટલે તે વિશે પૂછવામાં સંકોચ થયો. પણ દરરોજ ત્યાં જઈને પ્રેયસીની જેમ એને જોયા કરતો. એનો ઊંડો પ્રેમ જોઈ એક વાર દુકાનદારે સામેથી બોલાવી તેને વાજિંત્રનું નામ કહ્યું: સિતાર ને ભેટ તરીકે આપી. વાકાબાયાશી રડ્યો, હસ્યો, આભારમાં એના દાતાને ઘણું નમ્યો. એ દિવસથી એનું જીવન બદલાઈ ગયું. ભારતીય સંગીત સાંભળવા તો માંડેલો જ ,પરંતુ ભારત જઈ સંગીત શીખવાનાં સ્વપ્ન જોવા લાગ્યો. અનેક મુશ્કેલીઓ વેઢી તે સ્વપ્ન સાકાર કરે છે. આજે ટોકિયોમાં પોતાની રાઓયા રેસ્ટૉરાં દ્વારા ભારતીય સંગીત, કલાનો જ નહિ જાણે સમગ્ર ભારતીયતાનો    પ્રચાર કરે છે. પ્રવાસના આવા વિવિધરંગી અનુભવોની તેમણે આ પુસ્તકમાં જાણે મધુર ગોઠડી માંડી છે.
પ્રવાસમાં તેઓ અનેક પ્રસંગો, ઘટનાઓમાંથી પસાર થયા હોય. વિધવિધ વૃત્તિ_પ્રવૃત્તિવાળા લોકો પરિચયમાં કે નજરમાં આવ્યા હોય. તે સર્વમાંથી અસરકારક બાબતોને જ આલેખવા તરફ ઢળે છે. લેખિકાનું સ્થળ કે જન નિરીક્ષણ પણ આપણાં હૈયા સોસરવું ઉતરી જાય એવું ઝીણું, અસરકારક અને હૃદયસ્પર્શી કે પ્રતીતિકર છે.  લેખિકાનાં આ નિરીક્ષણો જુઓ: જાપાની પ્રજાનું સામૂહિક વ્યક્તિત્વ_ અભિજાત, ઉદાર,                           મૈત્રીમય.(પૃ.79), જાપાનમાં તો ચર્ચમાં જતાં પહેલાં પણ બૂટ_ચંપલ બહાર કાઢવાનાં હોય છે. ધર્મ પાશ્ચાત્ય ખરો, પણ પ્રથા તો પૌર્વાત્ય ને !(પૃ.142), ચીન, કોરિયા અને જાપાનમાં કોઈ કોઈને નામ દઈને બોલાવતું નથી હોતું. ઓળખીતાં પણ ઘણી વાર એકબીજાનું નામ ના જાણતાં હોય. સામાન્યતયા અટકથી બોલાવાનો રિવાજ. (પૃ.20), (જાપાનીઓના) અતડાપણાની  વાત સાચી છે. સામે લગભગ તો જુએ જ નહીં ને જુએ તો કોઈ ભાવ બતાવે નહીં. (પૃ.12)_ લેખિકાના આ પ્રવાસવર્ણનમાં  ઠેરઠેર સમગ્ર પ્રજાજીવન  વિશે બૌધ્ધિક નિરીક્ષણો રજૂ થયેલાં છે. જે તેમના અભ્યાસ_સ્વાધ્યાયપ્રવણ માનસનો પરિચય કરાવે છે.
જાપાનમાં પરિચિત થયેલાં  અને પછી સ્વજન જેવાં બનેલાં મિ. તારાપુરા, કઝુઓ, કાંગમાયા અને તેની પત્ની હીરોકો, શોજી, ક્યોયકો,  હિડેઓ, અકિકો, મિચિકો,કાઝુહિકો, તામુરાસાન ઇત્યાદિનાં વ્યક્તિચિત્રો આલેખાયાં છે. આ વ્યક્તિઓ_પાત્રો આગવી ખૂબીઓ સાથે પ્રગટ્યાં છે. અહીં પ્રવાસસ્થળે જોવા_ અવલોકવામાં આવેલ માનવવૃંદના બાહ્ય_ આંતર  આલેખ સુઘડ ગદ્યના માધ્યમથી અભિવ્યક્તિ પામે છે તો બીજી બાજુ લેખિકાનું વ્યકતિત્વ સંક્રમિત થાય છે. આ કૃતિના ઘણા પ્રકરણોમાં વસ્તુનિષ્ઠા અને વ્યક્તિત્વનો સહજ સ્પર્શ આસ્વાદ્ય બની રહેતો જણાય છે. 
     લેખિકાની ભાષાશૈલી વર્ણનાત્મક અને વિવરણાત્મક છે. આ કૃતિનું ગદ્ય લેખિકાના સહજ_ સદ્ય પ્રતિભાવથી આગવું પોતીકું રૂપ ધારણ કરે છે.લેખિકા આપણી સાથે વાર્તાલાપ કરતા હોય, સંવાદ કરતા હોય એવી વર્ણનરીતિ કૃતિને આકર્ષક બનાવે છે. આવી કથનકળાને કારણે એમાંથી ચિત્રાત્મકતા, સહૃદયતા અને સમભાવ સહજ રૂપે ભાવકચિત્તમાં સંક્રમિત થાય છે.પ્રવાસ પથનું પાથેય પૂરું પાડતા આ પ્રવાસગ્રથંનું વાંચન એક સર્જક સાથેની સૌન્દર્યયાત્રા બની રહેશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3