આજ કે સપૂત
આજ કે સપૂત
( રા.વિ. પાઠકની વાર્તાની 'મુકુન્દરાય'નું
નાટ્યરૂપાંતર ધો.11 ) લે.બિપિન ચૌધરી
પાત્રો :
1)
રઘનાથ ભટ્ટ : 60 વર્ષની ઉંમર, પહેરવેશ, ધોતિયું, બંડી, પાઘડી,
લાલ ખેસિયું, માળા, જોડા.
2)
ગંગા : 22
વર્ષની વિધવા, થીંગડાવાળી સફેદ સાડી, માથે ટાલ, હાથમાં પીળી ધાતુની બંગડી.
3)
કસળચંદ સેઠ : માથે ટોપી, ડગલો, હાથમાં લાકડી, મોજડી.
4)
મુકુન્દરાય : 18/19 વર્ષનો કૉલેજિયન યુવાન
5)
મિસ્ટર પંડિત : 18/19 વર્ષનો કૉલેજિયન યુવાન
6)
મિસ્ટર ચોકસી : 18/19 વર્ષનો કૉલેજિયન યુવાન
7)
રીક્ષાવાળો-1 : ખાખી, પેન્ટ શર્ટ-ટોપી.
8)
તારવાળો-2 : ખાખી, પેન્ટ શર્ટ-ટોપી.
સામગ્રી :
દૃશ્ય-1 પાણીનો ઘડો, સાવરણી, પાણીનો લોટો,
બે ગ્લાસ, થેલી, ખાટલો
દૃશ્ય-2 પલંગ, ખુરશી, થોડાં પુસ્તકો,
સિનેસંદેશ.
દૃશ્ય-3 ઘંટી, બે તપેલી, ચાર થાળી, ઝાળો,
ગ્લાસ-3, કીટલી, રકાબી, ગરણી, રવૈયો, તાવેતો.
દૃશ્ય-4 ઘંટી, બે તપેલી, ચાર થાળી, ઝાળો,
ગ્લાસ-3, કીટલી, રકાબી, ગરણી, રવૈયો, તાવેતો.
દૃશ્ય-1
ગંગા : (પ્રવેશે છે. ઘડો
લઈને આવે છે. એક બાજુ મૂકે છે. બાપુ... ભાઈને મૂકવા ગયા... હજુ કેમ ન આવ્યા ? હા કદાચ.... ટ્રેન મોડી પડી હશે ! એટલે
જ... નહિ તો સ્ટેશન તો કયાં બહુ દૂર છે. આ રહ્યું માંડ અડધા એક કલાકનો રસ્તો છે.
કસળચંદ : એ... રઘનાથબાઈ ઘરે છે કે ? તેમ કોઈ દેખાતું નથી ?
ગંગા : આવો...
આવો.. કાકા ! બાપુ તો ઘેર નથી ! પણ હવે આવવામાં જ હશે !
કસળચંદ : કયાં ગ્યા છે ? રઘનાથભાઈ બહાર ગામ ગયા છે ?
ગંગા : ના... ના... કાકા ! એ... તો મારા નાના ભાઈને મૂકવા સ્ટેશને ગયા
છે ?
કસળચંદ :મુકુન્દને કે.... !
ગંગા : હા ! કાકા... મુકુન્દ ને અમદાવાદ કૉલેજમાં ભણવા
મૂક્યો છે !
કસળચંદ : શામાં ભણે છે !
ગંગા : આટર્સ કૉલેજમાં પહેલા વર્ષમાં છે !
કસળચંદ : પણ... રહેવાનું કયાં ?
ગંગા :
કૉલેજની જ હૉસ્ટેલ છે. તેમાં જ રહેવાનું. આ તો દિવાળીની રજાઓ પડી હતી ને એટલે ઘેર
આવ્યો હતો. હવે રજાઓ પૂરી થઈને કૉલેજ ઉઘડી. એટલે બાપુ તેમને સ્ટેશને મૂકવા ગયા છે.
કસળચંદ : હા ! બેન આ સારું કર્યું હો ! આ મુકુન્દને અમદાવાદ ભણવા મૂક્યો તે. નહિ તો
આપણે અહીંયા કોઈ સારી કૉલેજ પણ નથી. અમદાવાદ જેવા મોટાં શહેરમાં રહીને જો સારું
ભણે તો બિચારા રઘનાથને શાંતિ થાય !... રઘનાથને બિચારે કેટલા વખા વેઠ્યા છે ? નાની ઉંમરનો હતો ત્યારે માતા-પિતા ગુમાવ્યાં.
તેમ છતાં જાતમહેનતથી જામનગર અને કાશી જઈને ભણ્યો.
ગંગા : હા ! ભાઈને બાપુજી વાત કરતા હતા કે તેઓ દિવસે ભણવા
જતા અને રાત્રે કથાવાર્તા માટે. આમ મુશ્કેલી વેઢીને તેમણે સંસ્કૃત જ્યોતિષ, કાવ્ય,
ભાગવત કર્મકાંડ ભણેલા.
કસળચંદ : હા
બેટા ! એટલું જ નહિ પણ એ ગાવાનું પણ સારું શીખેલા. એમનો
કંઠ મધુર હતો. આજુબાજુના ગામમાં તો ‘ભાગવત’ ગાવામાં એમના નામનો ડંકો વાગતો. બેટા ! તે તો તારા બાપુને ‘ભાગવત કથા’ ગાતાં સાંભળેલા
હશે ?
ગંગા : હા
કાકા ! હું નાની હતી ને ત્યારે મારી માની સાથે ‘ભાગવત
કથા’ સાંભળવા જતી’તી... મને એક પ્રસંદ યાદ આવે છે, બાપુ જ્યારે કથામાં પેલા કૃષ્ણ
ભગવાન નદીમાં પડે છે અને જશોદામાં રુદન કરે છે. તેનું વર્ણન એવું કરે કે ગામના અભણ
માણસો પણ રોઈ પડે. ને હું પણ ખૂબ રોયેલી. બંધ જ ના થઉં. ત્યારે મારી માયે મને
સમજાવીને માંડ માંડ છાની રાખેલી. (રડમસ થઈ જાય છે.)
કસળચંદ :હા ! બેટા... તારી મા હરકોરના અવસાન પછી ફરીએ
‘ભાગવતકથા’ તારા બાપુના મોંએ સાંભળવા મળી નથી !
ગંગા :કાકા ! માના અવસાન પછી તો બાપુ સાવ એકલા પડી ગયા છે ! હવે તો બસ... બાપુની એક જ ઈચ્છા છે કે મુકુન્દ
ભણીને મોટો માણસ બને.
કસળચંદ :ભગવાન
તમારી ઈચ્છા પૂર્ણ કરે. દીકરી તારી મા ના અવસાન વખતે તું માંડ નવેક વરસની હોઈશ ! અને મુકુન્દ પણ છ એક વરસનો હશે. તમારા સુખ ખાતર
જ તમારા બાપુએ ફરી બીજા લગ્ન કર્યા નથી... તમને માતાનો પ્રેમ અને પિતાની હૂંફ આપી
ઉછેર્યા. જાતમહેનત કરીને કરકસરથી પાંચ પૈસા બચાવીને દીકરી તને પરણાવી ને આ
મુકુન્દને આટલા સુધી ભણવા મૂક્યો (કસળચંદ જવાની તૈયારી) (રઘનાથ પ્રવેશે છે)
રઘનાથ ભટ્ટ: બેટા ગંગા ! ઓ દિકરી ગંગા...
ગંગા : આવી...
બાપુ...
રઘુનાથ : બેટી ! આ કોના જોડા છે ! કોણ આવ્યું છે !
ગંગા : બાપુ
એ... તો કસળચંદ કાકા આવ્યા છે.
રઘનાથ : ઓ...
હો... હો કસળચંદ શેઠ આવો... આવો... (હાથ મિલાવે છે) રામ... રામ... આ ગરીબ
બ્રાહ્મણના આંગણે ભલા ભૂલા પડ્યા !
કસળચંદ : અરે... ! આ બાજુ ઉઘરાણીએ નીકળ્યો હતો... તે થયું કે લાવો
જરા આ બાજુ નીકળ્યો છું તે રઘનાથભાઇને મળતો જાઉં.
રઘનાથ : ભલે પધાર્યા શેઠ.
ભલે ગંગા શેઠને પાણી પાયું ? મને પણ પાજે. (ગંગા પાણી ભરીને લાવે છે.) ક્યારના
આવ્યા છો ?
ગંગા : કાકાને તો આવે ખાસી વાર થઈ ! તમે
કેમ મોડું કર્યું બાપુ ?
રઘનાથ : ટ્રેન
માંડી પડી એટલે ! આમ તો હું પાછો આવતો જ’તો પણ થયું આટલે
સુધી આવ્યો છું, તો ભાઈને ટ્રેનમાં સારી જગ્યાએ બસાડીને જ જઉં. બિચારાને તકલીફ ન
પડે.
કસળચંદ : રઘનાથભઇ
! તમે તો ખૂબ મુશ્કેલીઓ વેઢીને દીકરાને ભણાવો છો ! પણ આ બધી મહેનત ઘડપણમાં ઉગી નીકળવાની હોં !
રઘનાથ : ભાઈ !... એ તો ઉપરવાળાના હાથની જ વાત છે ! બધી
વખત આપણું ધાર્યું કયાં થાય છે ?... આ ગંગાની જ વાત કરોને તમારી પાસેથી કરજ લઈને
કેવી રંગેચંગે પરણાવી’તી. પણ (રડમસ થઈને) ભર જુવાનીમાં જ વિધવા થઈ !
કસળચંદ : હિંમત
રાખો ભાઇ ! તમે જ આમ હિંમત હારી જશો તો આ બિચારી
દીકરીનું શું થશે ?... હિંમત રાખો... કાલે સહુ સારાંવાનાં થઈ
જશે... આ મુકુન્દ ભણીગણીને કમાતો થઈ જશે અને એય ઘરની બધી જવાબદારી ઉપાડી લેશે !
રઘનાથ : હા ભાઈ,
મુકુન્દ ક્યારે ભણે અને ક્યારે કમાતો થાય એ જ જોવા જીવી રહ્યો છું.
કસળચંદ :ચલો... ? રઘનાથબાઇ રજા લઉં ! આ વેળાસર છે ! પહોચું નહિ તો પાછા ઘેર ચિંતા કરશે !
રઘનાથ : શેઠ ! આવ્યા છો તો રોટલા ખાઈને જજો.
કસળચંદ :રઘનાથભાઈ...
! આજે તો બહું મોડું થયું છે. હવે પછી આવીશ તો
ચોક્કસ રોટલા ખાઈને જ જઈ હોં.
રઘનાથ : બેટા ! ગંગા પાણી લાવજો.. (પાણી આપે છે.)
ગંગા : આવજો ! કાકા.
કસળચંદ :હા દીકરી !
રઘનાથ : ગંગા બેટા ! હું શેઠને ઝાંપા સુધી મૂકીને આવું છું. (બંને
જાય છે.)
ગંગા : આ બપોરે માથે ચડવા આવ્યો છે... હાય ! હાય ! હું તો
બાપુ ને શાક લાવવાનું કહેવાનું જ ભૂલી ગઈ... ચાલ હું જ કોઈની પાસે મંગાવી લઉં.
(જાય છે.)
દૃશ્ય-2
(હૉસ્ટેલ)
(પલંગ, ખુરશી, થોડાં પુસ્તકો, સિનેસંદેશ)
મિસ્ટર પંડિત : (સીટી
વગાડતો હાથમાં નોટ નચાવ તો પ્રવેશ કરે છે.) અરે..... આ પાર્ટનર કેમ ન આવ્યા.
સાલ્લા બન્ને બળદ જેવા છે ! આખો દિવસ કૉલેજથી મેદાનમાં અને
મેદાનમાંથી કૉલેજ (પુસ્તકોના પાનાં ઉથલાવે છે.) મિસ્ટર ચોકસી મુકુન્દ પ્રવેશ કરે
છે. મુકુન્દના હાથમાં રેકેટ)
મિસ્ટર ચોકસી : હાય પાર્ટનર ! હાર્વા યુ.
પંડિત : સો ફાઈન ! પણ
અત્યાર સુધી ક્યાં સુધી ક્યાં ગુડાણા હતા.
મુકુન્દ : કૉલેજ મેદાનમાં પ્રેક્ટીસ કરતા હતા. બીજે ક્યાંય
ન હતા હોંકે.....
પંડિત : અરે ? મુકુન્દને ચોકસી આજે યાર શું મજા પડી ? ભાઈ શું મજા પડી ?
ચોકસી : પણ......
શાની મજા પડી ? એ વાત તો કર ! (વાદ પાડતાં) મજા પડી મજા પડી એમ કર્યા કરે.
પંડિત : યાર આજે તો હું મારી ગર્લફ્રેન્ડ જોડે ફિલ્મ જોવા
ગયો હતો. કોની ફિલ્મ જોવા ગયો હતો તે ખબર છે ?
મુકુન્દ : ના.....
પંડિત : જેકી ચેનની..... યા હુ – યા હુ યા (કરાટેની એક્સન
કરે છે.)
ચોકસી : અરે ભાઈ
! ધીરે ધીરે ક્યાંક અમને વગાડીસ (હસે છે).
પંડિત : અરે !.....
ચોકસી મારી મજાક નહિ કરવાની તને વળી ફિલ્મમાં ક્યાં ખબર પડે છે !
ચોકસી : ના ! તમને જ ખબર પડે છે ? આ ફિલ્મ જોઈ જોઈને તો આંખે આ ડાભલા ચડાવ્યા છે !
મુકુન્દ : એ..... ! ચોકસી
તું એ વાત છોડ ને ! પંડિત ફિલ્મ કેવી રહી ? એ વાત કર.....
પંડિત : યાર ખૂબ સરસ ! તું જેકી ચેનનો પેલો બિલ્ડીંગ ઉપર ચઢવાનો સ્ટંટ
જોયો હોત ને તો દિલ ખુશ થી જાત ! અફલાતૂન સિન હતો.....
મુકુન્દ : સાચે જ.....
પંડિત : હા ! હા !
મુકુન્દ : તો તો જોવા જઉં પડશે ? બોલ ઓચકીસ કાલે જઈશું ને ? પંડિત ફિલ્મ ક્યાં સુધી છે ?
પંડિત : આ શુક્રવાર સુધી ! જો ટિકિટ નહીં મળે, ફિલ્મ જોવી જ હોય તો વહેલા
પહોંચી જજો. અથવા એડવાન્સ બુકિંગ કરાવી લેજો. રાજા !..... એક વાર જુઓ...... જેકી ચેન શું ચીજ
છે...... દિલ ખુશ ન થાય તો પૈસા મારી પાસેથી લઈ જજો.
ચોકસી : એ.....
પંડિત ! જો દિલ પૂરા ન થાય તો પૈસા પાછા આપવા પડશે !
પંડિત : તને ક્યાં હું કહું છું. તને ક્યાં ફિલ્મ જોવા
આવડે છે. હું તો આ મુકુન્દને કહું છું.
ચોકસી : એ..... પંડિતિયા ! મેં જેટલી ફિલ્મ જોઈ હશે ને એટલા તો તને નામ પણ નહિ
આવડતા હોય ! (ઝઘડવા જાય છે.)
મુકુન્દ : (બન્ને છોડાવતાં) સારું ! સારું ! હવે એ વાત પડતી મૂકો. અને આ ફિલ્મ જોવાનું ગોઠવ ચોકસી !
ચોકસી : તો લાવ ! સોની એક હરી પત્તી !
મુકુન્દ : સો કેમ ?
ચોકસી : અરે બાલ્કનીમાં જોવું છે. અપરમાં તો નથી
મજા આવતી.
મુકુન્દ : હા યાર ! અપરમાં તો
સાવ લોકલ પબ્લિક હોય છે. નથી ફાવતું. લે આ (પૈસા આપતાં) હમણાં જ ઘરેથી આવ્યા છે !
જો ખૂટેને તો પછી ઉછીના આપવા પડશે હોં !
ચોકસી : લઈ જજે ને યાર ! ક્યારે ના પાડી..... ?
પંડિત : અરે ! મુકુન્દ ! લાઈટર
હોય તો નાખ ને. સિગરેટ સળગાવવી છે. (મુકુન્દ લાઈટર શોધે છે.)
મુકુન્દ : અહીં
તો પડ્યું હતું ! ક્યાં ગયું ? ચોકસી તું સવારે વિલ્સ પીતો’તો, ક્યાં મૂક્યું ?
ચોકસી : જો..... પેલા ટેબલ પાસે પડ્યું હશે !
મુકુન્દ : આ
રહ્યું..... લે પંડિત કેચ..... (નાખે છે. પંડિત કેચ કરે છે.) મને પણ બે કસ લેવા દે
જે હોં!
પંડિત : અરે
! ઉભો રે યાર..... હજી તો સળગીય નથી.
મુકુન્દ : શું
વાંચે છે ? ચોકસી..... !
ચોકસી : સિનેમાસંદેશ. લે જો !
મુકુન્દ : હાઉ
! નાઈસ !
બ્યુટીફુલ..... એ પંડિત તું પૂરી કરી ના નાખતો. લાવ બે કસ લાવ.....
પંડિત : (ચોકસી અને મુકુન્દ પાસે આવતાં). આ શું જુવો છો ! છીં..... છીં..... છીં..... લાવો. (પોતે જુએ
છે.) અભ્યાસક્રમનું કંઈ વાંચવાનું રાખો. પરીક્ષા નજીકમાં છે ! પછી એ.ટી.કે.ટી.ના ચક્કરમાં પડ્યા રહેશો !
મુકુન્દ : અરે પંડિત ! કૉલેજમાં વળી શું વાંચવાનું ? દસ દિવસ વાંચીએ..... એટલે પાસ.
પંડિત : હા ! મને
ખબર છે, તમે પ્રથમ ટેસ્ટમાં શું રીઝલ્ટ લાવ્યા તે ?
ચોકસી : એ..... પંડિત !તું પણ
ક્યાં પાસ થયો છે ? હે..... તે અમને પૂછે છે.
પંડિત : ભલે
! પાસ નથી થયો, પણ તમારા કરતાં તો વધારે વિષયોમાં
નપાસ તો થયો જ છું ને ! (કૉલર ઉંચા કરે છે.)
ચોકસી : પંડિત ! શરત લગાવી હોય, તો થઈ જા તૈયાર. છેલ્લી
પરીક્ષામાં હું પાસ હોઈશ. એ પણ ફર્સ્ટક્લાસ સાથે.
પંડિત : કેવી
રીતે ? પેપર તું તો નથી કાઢવાનો ને (હસે છે.)
ચોકસી : મજાક નથી કરતો પણ કઉં..... કઉં...... ના
ના નથી કહેતો.
મુકુન્દ : કંહી દેને.....
ચોકસી : તો
સાંભળ ! પ્રો. પાઠકને ફોડી લીધા છે. આ વખતે પેપર સેટર
તરીકે પ્રો. પાઠક બેસવાના છે. બે-પાંચ હજાર ફેંક્યા નથી ને આપણું કામ થયું નથી.
મુકુન્દ છે ને તૈયાર.
મુકુન્દ : હા..... હા..... હા..... જોઈએ (ખચકાતાં ખચકાતાં)
પંડિત : તો-તો એમ હોય તો મારું પણ ગોઠવજે ને ચોકસી ? મારો મિત્ર નહિ યાર.....
ચોકસી : યાર ! તારા અને મારા વિષયો અલગ પડે છે, એટલે સરને
પૂછવું પડે ! પછી કહું.
પંડિત : પૂછીને
ગોઠવ જે, યાર ! ચોક્કસથી. જો પૈસાની ચિંતા ના કરતો. ફાધર
ખૂબ કમાય છે વ્યાજના ધંધામાં.
ચોકસી : જો સાંભળ કાલે હું સરને મળવા જવાનો છું.
તારીય વાત કરીશ. બનતા સુધી તો ગોઠવી આપીશ બસ. હવે.....
પંડિત : તો.....
તો..... જલસા.
જલસા કર
બાપુ જલસા કર
પરીક્ષા
જાય તેલ લેવા જલસા કર
મુકુન્દ ચોકસી : (બન્ને
સાથે ગાય છે.) જલસા કર બાપુ જલસા કર
પરીક્ષા જાય તેલ લેવા જલસા કર.
ચોકસી : દુનિયા
ઝૂકતી હૈ ઝૂકાને વાલા ચાહીએ.....
પંડિત : છોડ
યાર આ ઘટીયા ડાયલોક...... પણ સાંભળ આજે સાંજે તો આપણે પાલિકા બજાર જઈએ.
ચોકસી : શું
કામ ?
પંડિત : અરે ! યાર કપડાં લાવવાં છે.
ચોકસી : આટલાં
તો કપડાં છે.
પંડિત : અરે ! યાર
આતો જૂની ફૅશનનાં થઈ ગયાં છે, કૉલેજમાં આવી જૂની ફેશનમાં કપડાં પહેરીને જતાં મજા
નથી પડતી.
મુકુન્દ : હા
પંડિત ! એકની એક ફૅશનનાં કપડાંમાં સાવ દેશી લાગીએ.
ચોકસી : મારે પણ – બૂટ લાવવા છે, આ કાકાછાપ બૂટ
નથી સારા લાગતા..... મુકુન્દ તારેય આવવું છે ને ?
મુકુન્દ : ના યાર ! મારો મૂડ
નથી. પણ મારા માટે એક રેકેટ લેતા આવજો.
ચોકસી : કેટલા વાળું ?
મુકુન્દ : આઠવાળું લાવજો
ને......
પંડિત : એટલું સસ્તું ?
મુકુન્દ : અરે ! દોસ્ત ! એટલુંય
નથી સમજતો ? ખોવાઈ જાય તો પણ ચાલે ને !
ચોકસી : હા..... યાર ! ચાલ ત્યારે અમે અત્યારે જ
નીકળીએ. નહીં તો પછી સાંજે મોડું થશે અને પાછી ટિકિટોય લાવવાની છે ને ? ચલ બાપ !
(બન્ને જાય છે.)
મુકુન્દ : કેવા બન્નેને ઉલ્લું
બનાવ્યા ? અહીં ફક્ત ફીના પૈસા જ ઘરેથી આવે છે. પછી ફિલ્મ જોવા પૈસા કાઢવા હોય તો
કરકસર કરવી જ પડે ને ?...... ડોસો ઘરેથી જલ્દી પૈસા નથી મોકલતો. અહીંયા પૈસા વિના
કેવી કેવી મુશ્કેલીઓ પડે છે તે આ ઘરનાને શું ખબર પડે ? (પુસ્તકો વાંચે) ચાલ હું પણ
રીંગ રોડ પર આંટો મારી આવું. અહીં તો એકલો એકલો બોર થઈ જઈશ. (જાય છે.)
દૃશ્ય-3 (રસ્તામાં)
તારવાળો : આ રઘનાથભાઈનું ઘર ક્યાં હશે ? કોઈકને
પૂછવું પડશે...... અહીં તો કોઈ..... દેખાતું નથી.
(કપૂરચંદ ત્યાંથી નીકળે છે.)
તારવાળો : એ ભાઈ ! ઓ ભાઈ
જરા ઉભા રહો ને ?
કપૂરચંદ : શું છે ? શું છે ? કોનું કામ છે ?
તારવાળો : અરે ભાઈ ! પેલા
રઘનાથભાઈનું ઘર ક્યાં આવ્યું ?
કપૂરચંદ : કયા રઘનાથભાઈ !...... કોણ રઘનાથ કે ?
તારવાળો : હા ! હા ! રઘનાથ.
કપૂરચંદ : જો ગામમાં બે રઘનાથ છે. એક રઘનાથ જોશી અને
બીજા રઘનાથ ભટ્ટ. રઘનાથ જોશી પણે જોશી ફળિયામાં રહે છે અને રઘનાથ ભટ્ટ આ ખાંચામાં
પહેલું ખડકીબંધ ઘર. તમારે કયા રઘનાથનું કામ છે ?
તારવાળો : રઘનાથ ભટ્ટનું.
કપૂરચંદ : આ......
આગળ પેલા ખાંચામાં વળી જાઓ. પહેલું ખડકીબંધ ઘર આવ તે.
તારવાળો : આભાર
સાહેબ (જાય છે.)
કપૂરચંદ ક્યાં ભટકાય છે ! આવા ને આવા. આખો દિવસ બગાડવા ! (ચાલતો થાય છે.)
દૃશ્ય-4 (રઘનાથનું ઘર)
(રઘનાથ માળા ફેરવતાં બેઠા હોય છે.)
ગંગા : બાપુ
! ઓ બાપુ ! કોઈ
ભાઈ હાથમાં કાગળ લઈને આપણું ઘર પૂછતા હતા. કદાચ ભાઈનો તાર આવ્યો હશે.
તારવાળો : (પ્રવેશ કરે છે.) એ રઘનાથભાઈનું ઘર આ જ કે
?
રઘનાથ : હા ભાઈ ! હા ! શું છે
?
તારવાળો : આ તાર
છે ! લ્યો ! સહી
કરો. (રઘનાથ સહી કરે છે.)
રઘનાથ : (ચિંતા
કરતાં) અત્યારે તાર ? શું હશે ? મને તો બળ્યું આ અંગ્રેજી
વાંચતોય નથી આવડતું.
ગંગા : બાપુ
! એમાં ચિંતા ન કરશો. ભાઈને આ વર્ષે ઘરે આવવામાં મોડું થયું એટલે કદાચ તાર કર્યો
હશે. કોઈ જગ્યાએ રોકાઈ ગયા હશે. તમે કહો તો હું ગામમાં કોઈકની પાસે વંચાવી આવું ?
રઘનાથ : ના બેટા ! હું જ વંચાવી આવું.
ગંગા : કોની
પાસે વંચાવશો ?
રઘનાથ : આ કસળચંદ વાણિયાનો દીકરો કપાસના ભાવના તાર વાંચે છે. તો તેની પાસે
વંચાવું.
ગંગા : હા
બાપુ ! તેના પાસે ઝટ વંચાવી આવો. ત્યાં સુધી હું રસોઈ બનાવું. (રઘનાથ જાય છે.)
રઘનાથ : અબ ઘડી હાલ આવ્યો. (ગંગા રસોઈ બનાવે છે. વિચારે છે.)
ગંગા : તારમાં
શું લખ્યું હશે ? ભાઈને કાંઈ થયું તો નહિ હોય ને...... ના-ના. એવું તો ના થાય.....
આ બાપુએ કેટલી વાર લગાડી..... (બહાર તરફ જુએ છે) હે...... આવ્યા. (અધીર થઈને) શું
લખ્યું છે ? કેમ વાર કરી ?
રઘનાથ : તાર વંચાવીને પાછો ફરતો’તો ત્યાં વળી કસળચંદ સામે મળ્યા કેતા’તા કે આ
વખતે મુકુન્દ પાસે અરજી કરીને આ ટપાલનું દુઃખ કાઢવું છે. એમ વાતે ચડ્યા એટલે વાર
થઈ.
ગંગા : પણ
ભાઈએ તારમાં શું લખ્યું છે ?
રઘનાથ : ભાઈ લખે છે કે મિત્રો સાથે લોકલમાં આવે
છે.
ગંગા : હું નહોતી કે’તી ! તમે
નકામી ચિંતા કરતા’તા. ભઈ આવે છે ને ?
રઘનાથ : હા ! અને ભાઈબંધોને પણ સાથે તેડતો આવે છે.
હવે જમવાનું કેમ કરીશું ? ગાડી આવવાનો વખત તો થઈ ગયો છે નહીં ? તેં દાળમાં હવે જ
નાખી દીધો ?
ગંગા : હા ! હમણાં જ.....
રઘનાથ : ત્યારે લાડું કરીશું ?
ગંગા : ના
! ભાઈને લાડુ પસંદ નથી. તેના કરતાં તો શીરો તેને ભાવે છે. એમ એક દિવસ
કેતા’તા.
રઘનાથ : તો.....
શીરો બનાવો !
ગંગા : સાથે ભજિયાં બનાવીશું, તમે ભજિયાં માટે જે મળે
તે લઈ આવો. ઘી પણ જોઈએ. શીરા માટે બદામ દ્રાશ તો પૂજાપામાં આવેલી પડી છે.
રઘનાથ : બેટા ! કાંઈ વાસણ લાવ હું ઘી લેતો આવું, સાથે ભજિયા
માટે જે મળે તે લેતો આવો.
ગંગા : બાપુ ! પાછા
ઝટ પાછા વળજો. (રઘનાથ જતાં જતાં)
રઘનાથ : હા બેટા
! હમણાં જ આવ્યો.
ગંગા : (રસોઈ બનાવતાં) આ દહીં પડ્યું છે તો લાવ તેની
કઢી બનાવું. ભજિયાં સાથે કઢી હશે તો સારું રહેશે. (તપેલી સાથે એક હાથમાં થેલી
પ્રવેશે છે.) બાપુજી ! અહીં લાવો.
રઘનાથ : ભજિયાં
માટે બીજું તો કાંઈ ન મળ્યું ! કોળું લાવ્યો છું.
ગંગા : કાંઈ ફિકર નહિ, તમે એનાં પાતળાં પતીકાં કરો. એ
તો કોળાનાં પણ સરસ ભજિયાં થશે. (ગંગા ઘંટી ચલાવે છે.) (રીક્ષાનો અવાજ)
રઘનાથ : બેટા
રીક્ષા આવી લાગે છે !
ગંગા : હા
બાપુ ! ભાઈ આવી ગયો લાગે છે. (રઘનાથ જોવા ઉભા થાય છે.)
(મુકુન્દ મિત્રો સાથે પ્રવેશે છે. બેગ બિસ્તા સાથે)
મુકુન્દ : કમ
ઑન..... કમ ઑન...... (રેકેટ કવર મઢાવેલું લઈને આવે છે.)
રઘનાથ : (બાજુ પર ઉભા રહીને) ભાઈ, આવ્યો ? (મુકુન્દ મિત્રો તરફ વિવેક દાખતો)
મુકુન્દ : (ચિડાઈને) આ અત્યારે
ઘંટી કોણ ચલાવે છે ? (મિત્રો રીક્ષાવાળા પાસે જાય છે.)
ગંગા : (હસતે મોંએ હાથ લૂછતી)
ભાઈ, તમારે માટે ભજિયાંનો લોટ જરા દળતી હતી. મોઢું કેમ સૂકાઈ ગયું છે ?
મુકુન્દ : (ગુસ્સાથી) પણ હજી
તમે રસોઈ ન કરી ? મેં તાર કર્યો હતો ને ? કેટલું મોડું થયું ? અલ્યા! રીક્ષાવાળા
બેગો અંદર લાવ. આવો ને મિસ્ટર ચોકસી આવો ને મિસ્ટર પંડિત..... (મિત્રો ઉભા જ છે.)
મુકુન્દ દૂર જઈને ખાનગીમાં બોલે છે.) આ મિત્રોને ક્યાં બેસાડવાં ખુરશી કે સોફા પણ
નથી. જો હોત તો આજે હું કહી શક્યો હોત કે ‘કૃપા કરી તમારી બેઠક અહીં લ્યો’ પણ આ તો
ઓટલો ને વળી તેના પર ચડવાનાં પગથિયાં, તેમાં મિત્રોને શું કહેવું ? આ આખા ગામના
ઘરોની બાંધણી જ એવી છે, સાવ ઢંગઢડા વિનાની.
રઘનાથ : (મિત્રોને ઊભા જોઈએ.) આવો ને ભાઈ ! અહીં
બેસવું હોય તો અહીં બેસો, ખાટલા ઉપર, નહિ તો ખડકી ઉપરની મેડીએ તમારો ઉતારો રાખ્યો
છે. ત્યાં સામાન મૂકાવો. (માળા કરવા લાગે છે.)
મુકુન્દ : ઉપર
સાફ કરાવ્યું છે ?
રઘનાથ : રજાઓ પડી ત્યારથી. બહેન એ મેડી હંમેશા સાફ
રાખે છે.
મુકુન્દ : એ
ભાઈ બિસ્ત્રો અને બેગ ઉપર મૂકી આવ..... પણ હજી સુધી રસોઈ કેમ તૈયાર નથી ? મેં આટલા માટે તો તાર કર્યો હતો.
રઘનાથ : પણ ભાઈ, તાર તો હજી હમણાં આવ્યો અને
ગામમાં તો તાર વાંચવાનું પણ દુઃખ !
મુકુન્દ : (ગુસ્સાથી)
અરે..... ? તાર કેમ મોડો આવે ? મેં ઠેઠ કાલુપુર જંક્શનથી કર્યો હતો ને !
ગંગા : (હસીને) ભાઈ, એ તો અમને
શી ખબર પડે ? પણ તમારે જમવાનું નહિ મોડું થાય. આ ચા-બા પીશો ત્યાં રસોઈ તૈયાર થશે.
મુકુન્દ : (મિત્રો પાસે માફી માગતો હોય તેમ) એ તો ગામડું છે, તાર કરીએ તો પણ આ
સ્થિતિ ! (રીક્ષાવાળો બિસ્ત્રો ઉપર મૂકીને આવે છે.)
પંડિત-ચોકસી : કંઈ નહિ યાર એવું તો ચાલ્યા કરે.
મુકુન્દ : ચાલો ! ત્યારે ઉપર જઈએ.
રીક્ષાવાળો : સાહેબ..... ! (ગંગા રસોઈ બનાવે છે.)
મુકુન્દ : શું છે ?
રીક્ષાવાળો : સાહેબ ભાડું !
મુકુન્દ : હા ! હા ! (ખિસ્સામાંથી પાકીટમાંથી દસની નોટ ફેંકે છે. રીક્ષાવાળો
ચાલવા જાય છે.)
રઘનાથ : કેમ ભાઈ, આટલું બધું ભાડું ઠરાવ્યું હતું ?
રીક્ષા તો સ્ટેશનથી અહીં પાંચ રૂપિયામાં આવે છે.
મુકુન્દ : (બેદરકારીથી) અમે તો
કોઈ દિવસ ભાડું ઠરાવતા જ નથી. (મિત્રો સામે જોઈને) આટલી રકમમાં પાછું શું માગવું ?
એની પાસે છૂટા પણ નહિ હોય. કેમ અલ્યા છૂટા પૈસા છે ?
રઘનાથ : એટલા પૈસા તો ઘરમાંથી પણ નીકળશે, નહિ તો
બજારમાંથી પણ મળશે. (મુકુન્દ ચૂપ રહેવાનો ઈશારો કરે છે.)
મુકુન્દ : કાંઈ નહિ, બિચારો
ગરીબ છે. (રીક્ષાવાળાને ખાનગીમાં) એ બૉસ સામેના ગલ્લેથી એક સિગારેટનું પેકેટ લઈ
મેડી ઉપર પહોંચાડજે. ખાનગીમાં લાવજે હોં.
ગંગા : બાપુ ! આ ચા તૈયાર થઈ
ગઈ છે. ઉપર મહેમાનોને આપી આવો. અને કહેજો કે બધા માટે પાણી ગરમ કરીને બહાર
ચોકડીમાં મૂક્યું છે..... બિચારા ટ્રેનની લાંબી મુસાફરી કરીને આવ્યા છે. એટલે થાકી
ગયા હશે. આ ગરમ પાણીથી ન્હાય તો થાક ઉતરે. (રઘનાથ ચા આપવા જાય છે.) (ગંગા રસોઈ)
રઘનાથ : (પ્રવેશતાં) મુકુન્દ કહેતો હતો તે સ્નાન
કરીને જમવા આવે છે. રસોઈ કેટલે પહોંચી ?
ગંગા : હાલ
જ તૈયાર ! ભાઈને મહેમાન સ્નાન કરીને આવે એટલી વાર તમે
મહેમાનો માટે આ થાળીઓ તૈયાર કરો. (મહેમાનો આવે છે.) આવો..... આવો. અહીં બેસો.
તૈયાર છે હોં બાપુ ! તમે પણ બેસી જાઓ.
રઘનાથ : ના ! હું પછી બેસીશ. મહેમાનોને જમાડો. (માળા ફેરવે છે.)
મુકુન્દ : ગંગા, લે પીરસ. (ગંગા શીરો, દાળ, ભજિયાવાળી થાળી પીરસે છે.) શીરો કેમ
કર્યો છે ?
ગંગા : ભાઈ,
આજે બીજું કરવાનો વખત જ નહોતો !
મુકુન્દ : એનો એ જવાબ ન આપ. પૂરણપોળી કરવી હતી ને !
ગંગા : ભાઈ
દાળમાં હવે જ નાખી દીધો હતો. ફરી દાળ મૂકું તો ઘણીવાર થઈ જાય.
મુકુન્દ : અને શાક તો બિલકુલ કર્યું જ નથી.
ગંગા : બીજું
કાંઈ મળતું નહોતું, પણ ભજિયાં કર્યાં છે. (ભજિયાં પીરસે છે.)
મુકુન્દ : (ઉપકાર કરતો હોય તેમ) ઠીક ત્યારે, શેનાં કર્યાં છે ?
ગંગા : કોળાનાં.
મુકુન્દ : કોળાનાં તે કાંઈ ભજિયાં કહેવાય !
ચોકસી : ના-ના સારાં બન્યાં છે.
પંડિત : સુભાષબ્રીજના
જેલરોનાં ભજિયાંને ભૂલાવે તેવાં હોં !
મુકુન્દ : ઠીક યાર ! અહીં ગામડામાં તો બધું આવું જ હોય. યાદ છે....... પરીક્ષા
પછી આપણે હૉટલ ‘કંસાર’માં જમવા ગયા હતા તે..... શું અફલાતુન રસોઈ હતી !
પંડિત : હૉટલ
‘કંસાર’ કરતાં ‘ગોકુલ’ ડાઈનિંગ હોલમાં મજા પડી ગઈ હતી ! કેટલી વેરાઈટી હતી !
ચોકસી : એ બંને હૉટલો તો સમજ્યા, પણ ફરતી ‘પતંગ’ હૉટલમાં ચા પીધી હોય તો તેમાં
બધું આવી જાય. (હાથ ધોતાં)
રઘનાથ : કેમ હવે તો આરામ લેશો. ખરું ને !
મુકુન્દ : હા !
(ગંગા રસોઈનાં અને જમવાનાં વાસણો ગોઠવે
મૂકે છે.)
રઘનાથ : પછી જરા ભાઈઓને ગામ દેખાડજો. પેલી તળાવની પાળ ઉપરની દેરી બતાવજો.
તેમાં શિલાલેખ છે તે બતાવજો.
મુકુન્દ : (વાત કાપતાં) હવે એમાં તે શું જોવું છે ?
રઘનાથ : (કચવાતા મને) તો પણ જરા નમતે પહોરે કસળચંદને ત્યાં જજો. તેઓ સંભારતા
હતા. કેતા’તા કે આ વખતે તો મુકુન્દની પાસે ટપાલની અરજી જરૂર લખાવવી છે.
મુકુન્દ : (માઠું લગાયું હોય તેમ) તે અમે આમ કૉલેજમાં ખૂબ કામ કરીને થાકીને આવ્યા
હોઈએ ત્યાં વળી અરજી ક્યાં લખવા જઈએ ? (માથાના વાળ ઉછાળે છે)
ગંગા : ભાઈ
! મેડી ઉપર સૂવાની વ્યવસ્થા કરી છે.
મુકુન્દ : ચલો મેડી ઉપર (મિત્રો સાથે જાય છે.)
ગંગા : બાપુ ! જમી લો !
રઘનાથ : ના બેટી ! ભૂખ નથી.
ગંગા : થોડું
તો જમી લો.
રઘનાથ : ના બેટા ! રુચિ નથી. સૂઈ જાય છે.
ગંગા : બાપુ ! તો હું આ વાસણ
ધોઈ આવું. (ગંગા જાય છે. મુકુન્દ આવે છે.)
મુકુન્દ : ઉંઘ પણ આવતી નથી.....
આ ડોસાએ મારી બધી પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવ્યું. હવે આ ચોકસીને પંડિત એમ જ માનશે કે
હું ગરીબ છું. કૉલેજમાં બધેય કહી દેશે. મેં ઈશારો કર્યો તોય રીક્ષાના ભાડાની વાત
પડતી ન મૂકી ! હું કૉલેજમાં કેટલી કરકસર કરું છું. તે એ સમજતા જ નથી. મિ. ચોકસી પચીસ
રૂપિયાનું રેકેટ વાપરે છે અને હું આઠ રૂપિયાનું વાપરું છું. તેથી જ હું તે દિવસે
ટુર્નામેન્ટ હારી ગયો. છતાં સ્ટાઈલ તો મારી જ વખણાઈ (બાલ ઉછાળતાં) હતી. કલેક્ટર
અને તેની પત્નીએ મારું નામ પૂછ્યું હતું..... હવે આમ ક્યાં સુધી સહન કરવું. ક્યાં
સુધી માન રાખવું ? હવે મારે ડોસા સાથે એકવાર ચોખવટ કરવી જ જોઈએ. (રઘનાથ પાસે જતાં)
આવું હું ક્યાં સુધી સહન કરું ? તમે મારી પ્રતિષ્ઠા મારા ભાઈબંધના દેખતાં ખોવરાવી
છે. મારે રેકેટ વગર ચલાવવું પડે છે. તમે નકામો લોભ બહુ કરો છો ! હું
તમારી આમન્યા ક્યાં સુધી રાખું. (રઘનાથ ચૂપ)...... ત્યારે શું કહો છો ?
રઘનાથ : શેનું ?
મુકુન્દ : આ પૈસામાં હેરાન થાવું છું તેનું.....
રઘનાથ : પણ પૈસા
તો છે તેટલા મોકલું છું. બીજા ક્યાંથી કાઢું ?
મુકુન્દ : તો ખેતરો વેચી નાંખો. હું મારા અભ્યાસ ખાતર ગમે
તેટલો આત્મભોગ આપવા તૈયાર છું.
રઘનાથ : પણ
ખેતરો એમ વેચી દઈએ તો ગંગાનું શું થાય ?
મુકુન્દ : (રઘનાથથી દૂર સ્વગત જઈને) ગંગાને બીજે પરણાવીને
અહીંથી કાઢોને. અહીં ક્યારની રાખી મૂકી છે. ભલે નાતમાં વિધવા વિવાહનો બંધો હોય પણ
કોઈએ તો આગળ આવીને આવો રિવાજ તોડવો જ પડશે ને ? આ જુવાનજોધ બહેનને ઘરમાં ક્યાં સુધી રાખી મૂકવી ? છોકરી એટલે તો સાપનો ભારો !
રઘનાથ : શું
કહ્યું ?
મુકુન્દ : કહું છું કે આ ગંગાની ચિંતા કરવાની જરૂર નથી.
અત્યારે બરાબર ખરચ કરીએ તો મારે સારી ઓળખાણ-પિછાણ થાય અને ભવિષ્યમાં તેથી ફાયદો
થાય. ગંગાનો નિભાવ તો તેથી સહેજમાં થઈ જશે...... બોલો ખેતરો વેચવાનું શું વિચાર્યું
?
રઘનાથ : એમ ન
થાય.
મુકુન્દ : ઠીક ત્યારે જોઈ લઈશ. (મોઢું ત્રાસું કરી બાલ
ઉછાળે છે.)
(ગંગા બાજુના ખંડમાં સાંભળતી હોય છે. પછી બેડાં લઈને
આવે છે.)
રઘનાથ : ગંગા બે
બેડાં શા માટે લે છે ? બહુ પાણી જોઈએ તો પૈસા દઈ મંગાવ.
ગંગા : આ તો નાનાં જ બેડાં છે. (બહાર જાય છે.)
(મિત્રો સાથે બેગ બિસ્ત્રો લઈ મુકુન્દ પ્રવેશે
છે.)
મુકુન્દ : મારા મિત્રો જાય છે, તેમને મૂકવા હું સ્ટેશને
જાઉં છું. સાંજે મારે જમવું નથી. મારી રાહ ન જોશો. (મિત્રો સાથે જાય છે.)
રીક્ષાવાળો સામાન ઉપાડીની સાથે
દૃશ્ય-4
(રઘનાથ માળા ફેરવતા બેઠા છે.)
ગંગા : (પાણી બેડાં લઈને) બાપુ !આ ભાઈ આ રીક્ષામાં બેસીને ક્યાં ગયા ? મને મળવાય ન રહ્યા.
રઘનાથ : (ગુસ્સાથી)
મિત્રોને મૂકવા.
ગંગા : બાપુ ! જમવા
ઉઠોને, તમે સવારના જમ્યા નથી. (રઘનાથ ચૂપ) ......એ તો તેણે તાર મોકલ્યો છતાં રસોઈ
બરાબર ન કરાઈ તેથી ભાઈ ઘણા ચિડાઈ ગયા. તેમાં તમે શા માટે તે વાત મન પર લ્યાં છો ? ચલો જમી લો. (રઘનાથ ચૂપ) તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરો છો ?
હું કાંઈ અશક્ત કે નિરાધાર નથી ગઈ અને મારે ભાઈ જેવો ભાઈ છે !
રઘનાથ : (સ્થિર નજરે) એ હવે આપણો નથી રહ્યો. નથી રહ્યો.
ગંગા : એવું
તે હોય.
રઘનાથ : હા !એ આપણો ન હોય. એ ગયો જ સમજો ! (રીક્ષાવાળો પ્રવેશે છે.)
રીક્ષાવાળો-2 : એ
મુકુન્દ મિત્રો સાથે ગયો છે. ઘરે નહીં આવે.
(ગંગા પથારી પાથરે છે.)
રઘનાથ : બેટા ! આપણે અંબાજી ગયાં હતાં તે યાદ છે ?
ગંગા : હા
બાપુ !
રઘનાથ : ત્યાંથી કુંભારિયાનાં દેરાં જેવા ગયેલાં
તે તને યાદ છે ?
ગંગા : હા
! બાપુ સરસ હતાં.
રઘનાથ : એ દેરાં વિમળશાએ બંધાવેલાં.
ગંગા : એમ
કે ?
રઘનાથ : એ વિમળશા અંબાજીનો ભક્ત હતો.
ગંગા : હોય,
બાપુ !
રઘનાથ : તે એકવાર અંબાજી દર્શન કરવા જતો હતો.
રસ્તામાં એક મોટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવનાં પગથિયાં પર એક વણજારો
બેઠો હતો. તેણે પાણીના પૈસા માગ્યા.
ગંગા : હેં......
હેં......
રઘનાથ : હા વિમળશાએ
પૂછ્યું ‘શેના પૈસા’ ત્યારે વણજારાએ વાવનો શિલાલેખ બતાવી કહ્યું કે આ વાવ બાંધનાર
પીથો મારો દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઈ એટલે હું મારી બાપૂકી વાવ પર લાગો લેવા
આવ્યો છું. ત્યારે વિમળશાએ વિચાર્યું કે મેં આ દેરાં બંધાવ્યાં પણ મારી પછવાડે
કપૂત જાગે તો મારાં દેરાંની આવી દશા થાય !
ગંગા : (હોકારો
ઢીલો પડે છે.) હં...
રઘનાથ : પછી અંબાજી પાસે ગયો. તેને માતાજી પ્રસન્ન
થયાં. તેમણે કહ્યું : બેટા ! માગ ! માગ ! ત્યારે તેમણે શું માગ્યું ખબર છે, બેટા !
ગંગા : (માથું હલાવી ના પાડે
છે.)
રઘનાથ : વિમળશાએ કહ્યું ‘માતાજી બીજું કાંઈ ન
માગું, માગું એક નખ્કોદ. (ગંગા રડે છે.)
બીજીવાર કહ્યું : માગ માગ ફરી વાર પણ નખ્ખોદ માગ્યું. ત્રીજીવાર
પૂછ્યું : ત્રીજી વાર પણ નખ્ખોદ માગ્યું.
હું પણ બેટા નખ્ખોદ માગું. આવા કપૂત કરતાં તો દીકરો ન હોય તે સારું.
મેં કેટલી કારી મજૂરીને તેને આટલા સુધી ભણાવ્યો. માગ્યા તેટલા પૈસા આપ્યા ત્યારે
આજે મારે આવા દિવસો જોવાના આવ્યા. (ખૂબ રડે છે.)
‘‘જનની જણતો ભગત જણ કાં દાતા કાં શૂર (પડદા પાછળ આ દુહો બોલાય છે.)
નહિ તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર.’’
લે. બિપિન ચૌધરી
રંગાકુઈ
ટિપ્પણીઓ