લોકસાહિત્યમાં ગાય
લોકસાહિત્યમાં ગાય
ડૉ.
બિપિન ચૌધરી
પ્રાચીનકાળથી
જ લોકજીવનમાં ગાય માનવીનું એક અંગ બની તેની સાથે ઓતપ્રોત બની ગઇ છે. પરિણામે
લોકસમાજનાં લોકગીતો, ગરબા, રાસ, દુહા, કહેવતો, ગીતોમાં ગાયના ઉલ્લેખો ઠેરઠેર જોવા
મળે છે. મહાભારતકાળમાં ગોપાલનનો મહિમા ઘણો મોટો હતો. ભગવાન કૃષ્ણને ગાય અત્યંત
પ્રિય હતી. ગાય અને શ્રી કૃષ્ણનો નાતો અતૂટ છે. શ્રી કૃષ્ણનું એક નામ પણ ‘ગોપાલ’
છે. કૃષ્ણની વાત હોય તો સાથે ગાયની વાત પણ અચૂક આવે જ. કૃષ્ણ ગાયો લઇ ચરાવવા
માટે નીકળ્યા છે તેનું આ શબ્દચિત્ર જુઓ :
‘‘ગોકુળ તે ગામને ગોંદરે વા’લો ધેનુ ચરાવા
જાય,
મોરલિયા વાય, ગોપીયું ગીત ગાય,
રે મારા મનમાં કંઇ કંઇ થાય. ગોકુળ.
હે ઊડતી રેણુ ને વાણતી વેણુ, રાસ દુહાઇ
સોહાય રે...’’
વાંસળી
વગાડતા વગાડતા શ્રી કૃષ્ણ નીકળ્યા છે પાછળ ગાયો તેમનું અનુસરણ કરતી ધૂળ ઉડાવતી
ચાલી રહી છે. ગોકુળ ગામની કોઇ શેરીમાં કોઇ ગોપી તેમને આવતા જુએ છે :
‘‘મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ...
હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ,
ચારેય દિશે નજર ફેરતી રે લોલ’’
કૃષ્ણને
જોઇ ફકત ગોપી જ ઘેલી બનતી એવું નથી. પણ તેના સાસુ-સસરા પણ ઘેલા બને છે. લોક ગરબાની
આ પંકતિઓ જુઓ :
‘‘મારી ઘેલી સાસુ ને ઘેલા સસરા રે લોલ,
ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ.’’
ગાયો
દોહવાની જગ્યાએ વાછરડાં દોહવા બેસી જાય છે. તો કયાંક કોઇ ગોપીને એવી મૂંઝવણ થાય
કે હરિ જોવા જવું કે ગાયને દોહવા ? એ નક્કી નથી કરી શકતી :
‘‘જાઉં હરિને જોવા, ગાવલડીને દો’વા,
મારો લાગ નહીં ફાવે, કા’નાના વન માંહી.’’
કૃષ્ણની વાંસળીના સૂરમાં એવો જાદુ છે
ભલભલા ભાન ગુમાવે છે. તો પછી, ગોપીઓની તો શી વિસાત ! મોરલીની જાદુઇ અસર કેવી છે !
લોકગરબાના આ શબ્દો જુઓ :
‘‘મારા વા’લાના વનમાંય વાગે રૂડી વાંસલડી,
હું તો ઘેલી ફરું ઘરમાંય, કોણે ભીડી સાંકળડી
?
વાગે રૂડી વાંસલડી મારા....
ગોણિયા વન્યા ગા’ દોવા બેઠી, સાડી
ભિંજાણી નવ જાણી રે,
વાછરડું વાળંતાં વહુએ બાળક બાંધ્યો તાણી
રે ;
વાગે રૂડી વાંસલડી. મારા.’’
ગાય
દોહવા માટે કોઇ વાસણ તો લીધું જ નથી એટલે તેની દૂધની શેર સાડી પર જ પડે ને ! એટલું
જ નહિ વાછરડાં પાછાં વાળી ને ખીલે બોધવાનાં હોય, પણ આ શું ? ભાનભૂલીને બાળકોને
ખીલે તાણી બાંધ્યા છે.
સવારના
ગાયો લઇને વનમાં ગયેલા શ્રી કૃષ્ણને ભૂખ પણ લાગે જ ને તેથી તો ‘રાધાગોરી’ બપોરે
ભાથું લઇને વનમાં પહોંચી જાય :
‘‘પ્રભુજી
વનમાં ચારે ધેન, વગાડે રૂડી વાંસળી રે લોલ.
રાધા ગોરી ભાતડિયાં લઇ જાય, ચલાણે ચોળ્યાં
ચૂરમાં રે લોલ.
રાધા ગોરી ! ત્યાં ઉતારો ભાત, કે ત્યાં
બેસી જમશું રે લોલ.
રાધા ગોરી ! ડુંગર ચડિયેલ ઘેન, ઘેન પાછી
વાળજો રે લોલ.
પ્રભુજી ! તમારી ચારેલ ઘેનુ, કે અમ થકી
નહીં વળે રે લોલ.
પ્રભુજીને ચટકે ચડિયલ રીસ, કે જમતા ઊઠિયા
રે લોલ.’’
ભાથું
જમતાં જમતાં કૃષ્ણ અને રાધા વચ્ચે ગાયને ડુંગરથી નીચે ઉતારવા જેવી બાબતે મીઠો
ઝઘડો થાય છે.રાધાને કદાચ કૃષ્ણને છોડીને સહેજ પણ દૂર જવું નથી એટલે એવું બહાનું
કાઢે કે તમારી ગાય મારાથી પાછી નહીં વળે. આ સાંભળી પ્રભુજી રીસાય છે.
કૃષ્ણ
સિવાયના લોકગીતો કે લોકગરબામાં પણ ગાયની વાત તો આવે જ છે. કેટલાક ઉદાહરણ જોઇએ :
‘‘માતાએ પીરસી રૂડી લાપસી,
મહીં ગોરી ગાયનાં ઘીય, એ માતા કોને વીસરે
?
સાસુએ પીરસી ભૂંડી રાબડી,
મહીં ટીપું આપ્યું તેલ, એ સાસુ કોને
સાંભરે ?’’
આ
પંકિતઓમાં લોકકવિ માતા અને સાસુ વચ્ચેનો ફરક એકદમ સાદી સરળ વાતથી સ્પષ્ટ કર્યો
છે. કે માતા જમવાનું આપે તો સરસ લાપસી અને તેમાં ગોરી ગાયનું ઘી આપે જયારે સાસુ
ખરાબ રાબડી આપે તેમાંય તેલનું એક ટીપું જ પાડે.
આ
લોકગીતમાં પ્રેમિકા પોતાના ‘રસિયા’ને ગાય સાથે લેવાનું કહે છે દૂધ માટે -
‘‘રસિયા
મોરા ! શેરીએ પડાવું સાદ રે,
દૂધડાં પીવાને કાજે રે.
રસિયા મોરા ! ગાવડી લેજો સાથ રે,
દૂધડાં પીવાને કાજે રે.’’
બધી
ગાયો સારી જ હોય એવું હોતું નથી. કોઇ શીંગડે ચડાવે તેવી પણ ગાય મળે, તેનાથી બચીને
જ ચાલવું. રાઠવા લોકગીતમાંનું આ શબ્દચિત્ર જુઓ :
‘‘ગાવલડી હરારી હો રામ
તારી ગાવલડી હરારી !
જે આવે તે જાળવીને આવજો રે,
મારશે શીંગડીનો ગોદો,
હો રામ, તારી ગાવલડી હરારી.’’
કોઇ
ગોવાળિયો પોતાની પ્રેમીકાને મળવા માટે ગાયો સાથે બીજા ગામ પણ પહોંચી જાય !
‘‘હે ગાયું તારી ગોંદરે ઘાયલ ! ગાયું તારી
ગોંદરે,
એ લેરીડા ! વાછરું વઢિયારમાં ઝોલા ખાય રે
અરજણિયા’’
ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયો !’’
વ્રતગીતોમાં
પણ ગાયના ઉલ્લેખો જોવા મળે છે. જેમ કે ‘આંબરડું ફોફરડું’ વ્રતમાં કુંવારી કન્યાઓ
નાહીધોઇને મંદિરમાં જાય છે. સાથે મૂઠી ઘઉં અથવા ચોખા, આંબળું, કોઠીંબડું, સોપારી,
થોડા પૈસા લઇ જાય. મંદિરમાં સાથિયો પૂરતી પૂરતી કન્યાઓ આ ગીત ગાય છે :
‘‘આંબરડું
ફોફરડું કોડીને કોઠીંબડું
ગાય રે ગાય તું મોરી માય
નત નત ડુંગરે ચરવા જાય
ચરી કરી પાછી વળી
ગંગાજળ પાણી પીવા ગઇ
સામો મળિયો શિવનાગ (વાઘ)
વાઘ કે’મા તને ખાઉં !
ના રે ભાઇ મને નો ખવાય
મારા છાણને ચોકો થાય
મારા ઘીનો દીવો બળે
મારું દૂધ મહાદેવને ચડે
મારું દૂધ સૌ ખૂબ જ પીએ.
ગૌરીવ્રત
કરનારી કુંવારી કન્યાઓ ‘ગોરમા’ પાસે ગવરી ગાયનું ઘી માગે છે :
‘‘ગોરમા ગોરમા રે ચૂલે ચોખા અને ખીર
ગોરમા ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી
ગોરમા ગોરમા રે માથે માળવિયો ગોળ
ગોરમા ગોરમા રે ગવરી તી ગાયનાં ઘી.’’
બાપને
દીકરી વ્હાલી હોય તેમ દીકરીને પિતા પ્રત્યે લાગણી વધુ હોય એટલે જ કુંવારી દીકરી
ગાયનું પૂજન કરે છે એ પ્રસંગે પિતા માટે લાંબુ આયુષ્ય અને રાજપાટ માગે છે :
‘‘હું
તો ગઇ’તી રે જળ જમુનાને આરે
કે ગવરી પૂજીને પાછી ફરી રે
હું તો માગુ રે મારા બાપના રાજ
કે માતા સદા યે સુવાસણી’’
જોડકણાં
અને ઉખાણાંમાં પણ ગાય તો જોવા મળે જ. આ જોડકણું જુઓ :
‘‘બૈ પૈસાનું જીરું મંગાવ્યું
ઝમ્મ રે ઝમ્મરિયા લાલ.
તે જીરાનું શું કીધું ?
એ જીરું મે ગાયને નાખ્યું.
ગાયે તમને શું આપ્યું ?
ગાયે અમને દૂધ આપ્યું.
તે દૂધનું શું કીધું ?
એ દૂધની ખીર કીધી.
એ ખીરનું શું કીધું ?
એ ખીરના બ્રાહ્મણ જમાડયા. ’’
ઉખાણામાં
પણ ગાયનાં દર્શન થાય છે :
ઢીંચણ જેટલી ગાય,
નીરે એટલું ખાય. (ઘંટી)
*******
લાલ ગાય ચરતી જાય,
કાળી ગાય બેસતી જાય (કોલસો).
દુહાઓમાં
ગાય :
§ એક
તાસ્તો બાસ્તો, ગાય ગધેડી એક,
ગોળ
ખોળ સરખાં ગણે, જે જન વિના વિવેક.
§ વરોળ
તો યે ગાવડી, અજવાળી તો યે રાત,
પાળ્યો
તો યે કેશરી, ઓરમાન તો યે માત.
§ ગાયે
મકોડા ગળ્યા, બઇએ મેલ્યાં બાળ,
વહેલો
વળજે લખપતિ, દેશ પડયો દુકાળ.
આવા
તો કેટલાય લોકદુહામાં ગાયના ઉલ્લેખો જોવા મળે છે. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ
ગાય વિવિધ અર્થમાં આવે છે. જેમ કે ‘અંધેકી ગાવડા અલ્લા રખવાળ’, ‘જીવતાં પૂમડું
પાણી નઇં, ને મરતાં મસાણમાં ગાય’, ‘ગાય બકરાંના વાડા, સિંહના વાડા હોય નહીં’, ‘ગાયો
વાળે તે ગોવાળ’, ‘ગરીબ ગાય જેવી’, ‘ગરીબની ગાયને મોંમા દાંત’, ‘ગાય અને દીકરી દોરે
ત્યાં જાય’, ‘ઘરમની ગાયના દાંત શા જોવા’ ? વગેરે.
ગાયોનું
લોકજીવનમાં પ્રાચીનકાળથી આજદિન સુધી મહત્ત્વ જળવાઇ રહ્યું છે, ધાર્મિક શ્રદ્ધા અને
આર્થિક લાભ એમ ઊભય દ્દષ્ટિએ ગાયોનું પાલન-પોષણ કરવામાં આવે છે. આજના સમયમાં દેશી
ગાયોની સ્થિતિ અત્યંત ભૂંડી છે. એચ.એફ, જર્સી જેવી ગાયોની ઉત્તમ ઓલાદો શંકરણથી
તૈયાર કરવામાં આવે છે. આજે પણ દેશમાં પશુપાલન વ્યવસાયક્ષેત્રે લાખ્ખો લોકો
જોડાયેલ છે. ગુજરાત દૂધઉત્પાદન ક્ષેત્રે આખા વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. તે બાબત
ગૌરવ લેવા સમાન છે.
સંદર્ભગ્રંથ
:
૧. ‘બૃહદસંહિતા’- ૧-૨ : અનુ. રમાશંકર જોષી
૨. ‘કંકાવટી’- ભાગ-૧ : સંપાદક : ઝવેરચંદ મેઘાણી
૩. ‘રમઝટ’-
સંકલન : મીનાક્ષી દેસાઇ અને અન્ય
૪. ‘લોક
સંસ્કૃતિમાં પશુઓ’- જોરાવરસિંહ જાદવ
૫. ‘શ્વેતક્રાંતિ’
લેખક : શિવાભાઇ પટેલ
ટિપ્પણીઓ