લોકપ્રિય પત્રકાર દેવેન્‍દ્ર પટેલ


લોકપ્રિય પત્રકાર દેવેન્‍દ્ર પટેલ
                                                                      ડૉ. બિપિન ચૌધરી
                                                                                                                                       
ગુજરાતના વરિષ્‍ઠ પત્રકાર અને લેખક દેવેન્‍દ્ર પટેલને ભારત સરકાર તરફથી પહ્નશ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો, તે ઘટના સમગ્ર ગુજરાતના પત્રકાર જગત માટે ગૌરવની વાત છે.
સાબરકાંઠાના આકરુન્‍દ ગામના વતની અને અમદાવાદની સેન્‍ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી દેવેન્‍દ્ર પટેલની પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત ઇ.સ.૧૯૬૭માં ‘ગુજરાત સમાચાર’થી થઇ હતી. પહેલા ‘ગુજરાત સમાચાર’માં અને હવે ‘સંદેશ’માં ‘કભી કભી’ દ્વારા તેમણે બહોળી લોકચાહના મેળવી છે. તેમણે આ કોલમ દ્વારા અસહાય અને નિર્બળ વ્‍યકિતઓ ઉપરના સામાજિક કે રાજકીય અન્‍યાયો સામે લડીને પીડિત વ્‍યકિતઓને ન્‍યાય અપાવ્‍યો છે. આ કોલમમાં માનવજીવનમાં બનેલી વીરલ ઘટનાઓ, સામાજિક સમસ્‍યાઓનાં પ્રતિબિંબો કે રાજકીય ષડયંત્રો રસપ્રદ શૈલીમાં આલેખે છે. કયારેક કયારેક માનસશાસ્‍ત્રી સ્‍પર્શવાળી કથાઓ પણ આપી છે. તેના મૂળમાં મનોવિજ્ઞાન મુખ્‍ય વિષય સાથે ગેજયુએશન હોઇ શકે. આ કટાર વિશાળ વાચકવર્ગે બિરદાવી છે અપાર પ્રશંસા પામી છે.
કેટલાક અપવાદ બાદ કરતાં ‘શેઠ કહે અને શેખ લખે’ એવી દશા અને દિશા આજના વર્તમાનપત્રોની છે. ત્‍યારે ‘ચીની કમ’ કોલમ દ્વારા રાજપુરુષો, પ્રધાનોને, પોલીસતંત્રને અસમાજિક તત્ત્વો સાથેના શાસકવર્ગ તથા પોલીસ અધિકારીઓની સાંઠગાંઠને કોઇની પણ શેહશરમ રાખ્‍યા વિના, નિર્ભયતા, સચોટતા અને આક્રોશપૂર્વક સોળ ઊઠે એવી, શૈલીમાં ચાબખા ફટકારે છે. ‘રેડ રોઝમાં દેશ-વિદેશના શાસકો, વ્‍યકિતવિશેષ કે ઘટના વિશેષની વાત આલેખે છે.
૪૫ વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ૫૦ જેટલાં પુસ્‍તકો લખ્‍યા છે. નવલિકા, નવલકથા, નાટક, ફિલ્‍મકથા, દસ્‍તાવેજી ચિત્ર, ટી.વી. શ્રેણી જેવાં ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. ‘સજન રે જૂઠ મત બોલો’ એ તેમની પ્રથમ નવલકથા છે જે ‘ચિત્રલોકમાં હપ્‍તે હપ્‍તે પ્રગટ થયેલી. વાચકોને તે ખૂબ ગમી. તેમનું પ્રથમ નાટક ‘ચાઇલ્‍ડ હસબન્‍ડ’ સેક્સની સમસ્‍યાના નિરૂપણને લઇને ખૂબ ચર્ચાસ્‍પદ નીવડયું. આ નાટકે શ્લીલતા-અશ્લીલતા અને સુરુચિ વિષેના ઘેરાં વિવાદો જન્‍માવ્‍યા હતા.
‘ગલ્‍ફ વોર’ અને ‘સદ્દામ હુસેન’ જેવાં યુદ્ધની કથા પર લખાયેલાં તેમનાં પુસ્‍તકો અત્‍યંત લોકપ્રિય છે. તેમના ‘ઇઝરાયેલ-ધી લેન્‍ડ ઓફ ધી બાઇબલ’ એ પ્રવાસપુસ્‍તકને ગુજરાત સાહિત્‍ય અકાદમીનો પ્રથમ પુરસ્‍કાર મળેલ છે. તાજેતરમાં જ તેમણે પત્રકારત્‍વના અનુભવો આધારિત ‘આંતર ક્ષિતિજ’ નામે પુસ્‍તક પ્રકાશિત કર્યું છે.

દલાઇ લામા, અમેરિકાના વિખ્‍યાત અર્થશાસ્‍ત્રી પ્રો. ગાલબ્રેથ આર્થર સી. કલાર્ક, જે.આર.ડી. તાતા, નવલ તાતા, મહારણી ગાયત્રી દેવી, સામ પિત્રોડા, અમિતાભ બચ્‍ચન, મોહમ્‍મદ રફી, દેવ આનંદથી માંડીને જયપ્રકાશ નારાયણ અને કુખ્‍યાત દાણચોર હાજી મસ્‍તાનનો પણ તેઓ અખબારી ઇન્‍ટરવ્‍યુ લઇ ચૂકયા છે. ‘અંતરનાં એકાંત’, ‘દિલ ચાહતા હૈ’ અને ‘કભી કભી’ શીર્ષક હેઠળ તેમણે ટેલિવિઝન માટેની સિરિયલો પણ લખી છે. ‘મિયાં ફુસકી’ ઉપરથી તેમણે ‘મિયાં ફૂસકી ૦૦૭’ ની ફિલ્‍મકથા લખી અને હાસ્‍ય અભિનેતા જોની વોકરની કેન્‍દ્રીય ભૂમિકા સાથે તેનું ચિત્ર સર્જાયું અને તે સફળ તથા લોકપ્રિય નીવડયું.
વિશ્વ વિખ્‍યાત સાહિત્‍યકાર મેથ્‍યું આર્નોલ્‍ડના શબ્‍દોમાં ‘પત્રકારત્‍વ એ ઉતાવળે સર્જાતું સાહિત્‍ય’ હશે, પરંતુ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે તેમ, ‘વાર્તાકારને માટે ઉત્તમ નિશાળ-પત્રકારત્‍વની નિશાળ’ છે. ઝવેરચંદ મેઘાણીની આ વાત દેવેન્‍દ્ર પટેલના દાખલામાં તદ્દન સાચી પડી છે. તેમની સર્જકતાને ખીલવવામાં પત્રકારત્‍વનો મોટો ફાળો રહ્યો છે. દેવેન્‍દ્ર પટેલ કહે છે કે ‘‘પત્રકારીત્‍વ સારું જીવન છે, તો સાહિત્‍ય મારો શોખ છે. બન્‍નેએ મારે જિંન્‍દગીને પૂરતું રસમય બનાવી આપ્‍યું છે.’’ તેમણે સરસ લેખો અને કથાઓના સર્જન દ્વારા ગુજરાતના વાચકોની વાંચનક્ષુધા સંતોષી છે.
દેવેન્‍દ્ર પટેલને પદ્મશ્રી સન્‍માન બદલ ખૂબ ખૂબ અભિનંદન.......      

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3