ભણતર
એકાંકી
ભણતર
લે.બિપિન
ચૌધરી
પાત્રો
(1)
મોહન – પતિ – થોડો ભણેલો ગણેલો 40 વર્ષનો, આધુનિક
વિચારવાળો
(2)
સંતોક – પત્ની – અભણ, 35 વર્ષની સ્ત્રી
(3)
સોમાભાઈ – કંકુબેનના પતિ
(4)
કંકુ – સોમાભાઈની પત્નિ
(5)
રમેશ – સોમાભાઈના પુત્ર
(6)
મુકેશ – સોમાભાઈના પુત્ર
(7)
મણીલાલ – સોમાભાઈના વેવાઈ, રતનના પતિ
(8)
રતનબેન – મણીલાલનાં પત્ની
(9)
રણછોડ – કંકુનો ભાઈ
(10) સરપંચ –
બેચરભાઈ
(11) મુખી -
દલસંગભાઈ
ભજવવાનો
સમય – 30 મિનિટ
સામગ્રી – સાવરણી, ખાટલો, ખુરશી, છાપું, પેડાનું
પડીકું, પુસ્તકો, કીટલી, રકાબી, પાણીના લોટા, પ્યાલા,
અન્ય સામગ્રી)
દૃશ્ય-1
(ઘર, એક
ખાટલો, પાણીનો લોટો, ચવાણું, સાવરણી, ચાની કીટલી, અન્ય વાસણો સ્ટેજ પર ઘરનું
દૃશ્ય)
(સંતોક
પ્રવેશે છે.)
સંતોક : કહું છું ! હાંભરાં સાં ?... આપણા ગૉમના પેલા
સોમભાઈના ઈ મેમાંન આબ્બાના સ !
મોહન : ચ્યમ ?
સંતોક : એ તો સોમભાઈના બે છોકરાંન જોવા !
મોહન : તે એ બે માં જોવા જેવું હું સ ? ઈના બાપ જેવા
હડબંગ સ.. હડબંગ.
સંતોક : ભૈશાબ, તમનં તો કશી વાત જ ના થાય, કશું કહીએ અટેલ
આડું જ બોલો સોં.
મોહન : હારું ! હારું ! અવ જે કે’તી હોય તે કે.
સંતોક : શું કે ? તમારું કપાળ. ?
મોહન : અવ, જે મોંઢામાંથી ફાકવું હોય તે ફાંકી નાંખ.
મન ટેમ નથી, જો આ દા’ડો માંથ ચડવા આયો છ. હજી સેતરમાં કચરોભઈ રાંપ લઈ નં આબ્બાના છ
અન આ છોકરાંન શાળામાં મોકલવાનાં છ ક નઈ?
સંતોક: હારું અવ, વચમાં લુંદાના નાંખો તો કઉં !
મોહન : હારું અવ, વચમાં નઈ બોલીએ, બસ !
સંતોક : હું કેતી’તી... થોડીવાર વિચારે છે હ... એતો
આપણા ગામના આ સોમભૈના ઈ બાપુપરાથી મે’માંન આવવાના છ પેલા રમેશ્યા અને મૂકલાન જોવા..
હગું કરવાથી કાંક વાત ચાલ છ !
મોહન : અલ્યા પણ એ છોકરાં તો અજુ નેનાં છ ?
સંતોક : ચ્યાં જેણાંસ ? આ મોટો રમેશ્યો આઠમીમાં જાય સ
અને આ મૂકલો ગુજરાતી નેંહાળમાં જાયસ.
મોહન : હું એ.... એ. એમની સગઈ કરવાની ઉંમર સ ક ભણવાની ?
સંતોક: ભણવાનું તો આખી જિંદગી પડ્યું સ, અત્યારથી ચૉંક
ગોઠવાઈ જાય નઈ તો પછ વાંધો ના આવ. મૂતો કહું છું ક આપણા મનીસનું પણ ચ્યાંક હોધી
રાખો.
મોહન : અલ્યા આ બૈરાંની બુદ્ધિ તો પગની પાંની હુંધી. આ
જમાંનો ચ્યાં પહોંચ્યો ? એટલીય ખબર પડતી નથી ક અત્યારે લોક છોકરાના મા-બાપ, ઘર કે
જમીનને જોતું નથી પણ છોકરાન અનં એનાં ભણતર નં જુવ છ. એટલે જ કહું છું ક મનિષ્યો
હારું ભણશે તો એને સાટાનીય જરૂર નંઈ પડ.
સંતોક: તમારી વાત હાચી છ. પણ આ રસ્તામાં લોક મન ચૂંટી
ખાય છ ન કે છ ક ‘‘અલી હંતોક તારો આ છોકરો મોથા જેવડો થવા આયો, અન અજી હુધી ચ્યાંય
ગોઠવતાં નથી તે પછી રઈ જસે.’’
મોહન: હાં રઈ જતો ! પણ માર તો મારા મનિષાન ભણાવો જ છ
!
સંતોક : પણ મું ચ્યાં ઇનં ભણાવવાની ના કઉં છું. પણ આ તો
ઘર માંડીને બેઠા એટલે બધોય વચાર કરવો પડ.
મોહન : કર્યો કર્યો અવ વિચાર ! જે વિચાર કરવાના સ એ
કરતાં નહિ અને છોકરાંની હગઈના વિચાર આવસ ? આ... આ રાતી લોકોના ઘેર બેહવાનું બંધ
કરી આ છોકરાંન ભણાવવા બેહો.
સંતોક: તે તમેય, તાણ આ ગોમના ઓટલા તોડ્યા વગર બેહતા
હોય તો ?
મોહન : ઓટલાં ચ્યાં તોડીએ ! ? એ તો લગીર બધાં ફાયણ
થોડું બહેવું તો પડ. એથી તો થોડી હોરી ખોટી વાત જાંણવા મલ. અન મું તો આ રામધુનમાં
જ બેહું છું, નં તું તો હજી હેડતાં અંબાજી જવાની વાતો કરસ. તે... મન અન આ છોકરોના
ત્રણ દા’ડા રોટેલા વનો રાખવો સ તાર ?
સંતોક :
માતાજી તો જવું પડ, માતાજીની કરપા થશે તો
આ છોકરાનું ચ્યાંક ગોઠવઈ જહ અનં હારા નંબરે મનીષો પાસ થસે.
મોહન : ઑવ... ઈમ પાસ થસી ? એ તો આપણા બેયનં રાતી ઈના
જોડી બેહવું પડસે. મુયે અવ આ ગોમમાં પંચાત કુટવા જવાનો નથી અનં તુયે હાંજ
સ્વાધ્યાય, ગાયત્રી કે હોમ શાંતિની ભક્તિ રવા દઇ આ જાગતા દેવની ભક્તિ કરવાનું
રાખ... એ હારું ભણશે તો તેનો તો ભવ સુધરસે. આ આપણા ભાગ્યમાં તો આ કાળી મજૂરી છ
મજૂરી. (મોહન અને સંતોક જાય છે.)
(પહેલું દૃશ્ય પૂરું)
દૃશ્ય-2
(બાપુપુરાથી રમેશ અને મુકેશને જોવા મહેમાન આવવાની તૈયારીમાં છે
સોમાભાઈનાં ત્યાં મહેમાનના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.)
પાત્રો : સોમભાઈ, કંકુ,
રમેશ-મુકેશ, રણછોડ, મણીલાલ
સામગ્રી – લોટો, પ્યાલો, ચાની કીટલી, રકાબી-4
કંકુ : ચ્યાં જ્યા, આ રમલાના
બાપો ?
સોમાભાઈ : હું... સ...
ત્યારની ચ્યમ રાડો પાડ છ ?
કંકુ : તમાંન ભોન-બોન છક નંઈ ?
આ મે’માંન આવવાના છ તે ઘરમાં કાંક જોઈ સે ક નઈ ?
સોમાભાઈ : ઈમ કાંક ફોડ પાડી નં વાત કરાં તો કાંક ખબરેય પડ.
કંકુ : તમન ચીયા દા’ડો ઈમનીમ
ખબર પડીછ તે આજ પડસે ? આ ડેરી જઈન જી લીયાઓ અને ગલ્લેથી
ચા, ખાંડ, લેતા આવજો. આ
મેમાંન આવસી તો ઈમન જમાડવા પડસી ક નઈ ?
સોમાભાઈ : ઈ તો અત્યાર ના જમ. અત્યાર તો આ છોકરાંનં જોવા આવવાના છ. પણ
ચા-ખાંડ તો લેતો
જ આવું,
લાવ થેલી. (સોમાભાઈ જાય છે.)
કંકુ : ચ્યાં જ્યા લ્યા અલ્યા
રમેશ્યા ! મૂકલા ! આંઈ આવો. (રમેશ મૂકેશ પ્રવેશે છે.)
રમેશ : હું સલી મા.
કંકુ : ગોમના ભા આખો દા’ડો દડા અનં આ ધોકેણાં રમવામાંથી ઉંચા જ નથી
આવતા.
મૂકેશ : અલી મા ખાવાનું આલ ક.
કંકુ : આંઈ આવાં ગોમના દિયોરો. આ મોથામાં તેલ-બેલ-નાંખી પાંથી.બાંથી
પાડો. આજ તમનં જોવા
આવવાના સ !
મુકેશ : મા હું જોવા આવવાના છ ?
રમેશ : સિનેમાની પટ્ટી... ?
કંકુ : ના ! ના ! ગોમના ભા, તમારી હગઈ કરવાની છ એટલે તમનં જોવા આબ્બાના
છ એટલે કહું છું. આ
બંને જણા હારાં લૂગડાં
પેરો રમેશ્યા આ તારો બૂસકોટ બદલી નાંખ. જો ચેવો હોઢાય સ ?
રમેશ : પણ – અલી માલી મારં તો
બીજો બૂસકોટ નહીં ?
કંકુ : ના વાંય તો, આ પેલા મોહનભાઈના મનીયાનો લઈ આવો એ તો મારું નામ
આલ જે એટલે આપશી.
જા. (રમેશ અને મૂકેશ જાય
છે.)
સોમાભાઈ : (હાથમાં થેલી લઈ પ્રવેશ કરે છે.) લે... મૂક ! આ ચા-ખાંડ. અન
પેલા બે ચ્યાં જ્યાં.
કંકુ : એ તો ! પેલા મોહનભઈના મનીયાનો બૂસકોટ લેવા.
સોમાભાઈ : હારું ! હારું અવ. હાંભળ મે’માંન આવવામાં જ છ. પેલા
ઘેમરભઇના ઘેર જીપ પડી’તી.
કંકુ : એવી જીપો તો ગૉમમાં ચેટલીય છ !
સોમાભાઈ : ના.. ના... એ તો તારો ભઇ રણછોડ પણ ત્યાં જ ઉભો તો તે મે’માંન
લઈ નં આંઈ જ આવશે.
કંકુ : તાણ તો ખાટલા-બાટલા પાથરી રાખો. મૂ આ રમેશ્યા નં અને મૂકલાનં
બોલાઈ આવું.
(કંકુ જાય છે સોમાભાઈ ખાટલા પાથરે છે. થોડી જ વારમાં કંકુ, મૂકેશ અને
રમેશ સાથે પ્રવેશે છે. રમેશ નવો શર્ટ પહેરીને પ્રવેશે છે.)
કંકું : જો રમલા તાર મે’માંનો નં પાંણી આલવાનું નં મૂકલા તાર ચોપડી
લઈનં આંઈ બેહવાનું.(કંકુ જાય છે.)
(રણછોડ, મણીલાલ સાથે પ્રવેશે છે.)
સોમાભાઈ : આવો... આવો... રાંમ રાંમ બેહાં. લ્યાં બીડી. બેટા ! માંઈથી
પાંણી ભરી લાવજે અનં હાંભર તારી માન કે જે ક ચા મૂક ખાંડની, અન હાંભર કે જે ક માંય
ઈલાયચી નાંખજે.
રણછોડ : મણાભૈ આંમના આવો આંઈ બેહાં. આવો આવો સાંઈ ચીયો માગ નથી.
(ખાટલામાં આગળ મણીલાલને બેસાડે છે.)
મણિભાઈ : ચાલસે રણછોડ ભઇ !
સોમાભાઈ : અર ! ચાલતું અશે ? આંઈ આગળ બેહો.
રણછોડ : ઘેમરના ડોહો અવ બઉં લાંબા દા’ડા કાઢ ઈમ નહીં.
સોમાભાઈ : હારું ! આ ઘરનાંય છુંટુ બાપડાં ! ત્રણ મહિનાથી સેવા-ચાકરી
ચાલસ અન ડોહાનય પાઠાં પડી
જ્યાં છ. ભગવાન
બીચારાંની દોરી ખેંચી લે તો અવં બધાંય છુંટ !
(રમેશ પાણી લઈને આવે છે, પાણી પાઈને એક બાજુ ઉભો
રહે છે.)
રણછોડ : ભોણા આંય આવાં ચ્યમ શરમાંવ છાં ?
(રમેશ રણછોડભાઈ પાસે
જાય છે.) ચીયામાં ભણાં છાં ?
રમેશ : આઠમામાં
રણછોડ : આપણો મૂકો ?
રમેશ : છઠ્ઠામાં.
રણછોડ : આ વખત કયા નંબરે પાસ થયો ?
રમેશ : પરમોશન.
રણછોડ : પરમોશન ! (સોમાભાઈ રમેશ સામે આંખો કાઢે છે.)
રણછોડ : (વેવાઈ સામે જોઈને) આંમ તો અમારો ભૉણો ભણવામાં ઉશીયાર પણ આ
દડા કૂટ્યામાં અનં રમતમાં કાઢ છ આ પેલું હું... કી છ. બી સી ઈ ક... નાના.
વી.સી.ડી. એ જોવામાં બધું કાઢસ. નક... આંમતો ઉશીયાસ છ. આ નૅહાળ કરતાં ઇસ્કૂલ ભણતર
થોડું કાઠું એટલે.... નક પાછા ઉશીયારસ છ.
મણીલાલ :એ તો આપણ થોડું ઘરે ધ્યાન આલવું પડ. લ્યાં... અમાર જુઓ નં આ છોડીઓ
ઘરનું બંધુય કામ
કરીન આંચવા બેહી જાયછ અને એની માય ઈમની પાહેણ
બેહસ.
સોમાભાઈ : અવ... એવું તો હેડ્યું કર ! છોકરાંછ ! અન ભણ્ય ક નો ઉદ્ધાર
થ્યોછ ? અત્યારતો ભણેલા ભીખ
માંગ અને રખડેલા રોટલા ખાંય. (બધા હસે છે.)
(કંકું ચા લઈને આવે છે. સોમાભાઈને ચા આપીને પાછી જાય છે.)
કંકું : લ્યાં ! મૈમાંનોનં ચા
આલાં.
સોમાભાઇ : (મણીલાલને ચા આપતાં) લ્યાં.... રકાબી તો ભરવા દેયાં ? અસલ
બનાવીછ ખાંડ નાંસી ન !
મણીલાલ : અમારય ખાંડની જ મૂકાય છ.
રણછોડ : (ખાનગીમાં સોમાભાઈને બોલાવી ન વાત કરે
છે.) સોમદા જુઓ ! આંમ તો છોડીઓ ચન્દ્રમા
જેવીછ અનં ભણસય હારું, એટલે તમારય છોકરાં ભણાવવાં
પડશી. છોડીઓ થોડી મોટી છ... પણ ચાલસે.
છોકરા અને એરંડાં ન વધતાં શી વાર ? અન આપણ તો
ફાયદામાં છીએ !
સોમાભાઈ : રણછોડદા તમારી વાત હાચીછ. આપણ તો એક આલી
નં હાંમી બે લેવાની છ !
રણછોડ : પણ... પણ... (ખચકાતો) મણાજી ન અમરાં કાઢું છ...
એટલે…
સોમાભાઈ : આ વાતમાં મોણ નાંખ્યા વના રણછોડદા તમાર જે કેવું હોય તે
કયાં ? આપણે તો ઘરના
છીએ.
રણછોડ :વાત જાણે ઈમ છકં એકમાં બે લેવાની છ એટલે. મણાજીન થોડા તો આલવાં
પડશી. હાથથી પૈસા ગણવા ઈશારો)
સોમાભાઈ : ઈમાં આટલી હું વાર કરાં છાં ? એકમાં બેનું ઠેકાણું પડતું
હોય અનં પાંચ-પચી આપવા પડ તો
એમાં ચિંતા કર્યા વિના પાકું કરી નાંખો. આપણ
ચીઈ જમીન નહીં એકાદ વીઘો વેચી મારશું ?
રણછોડ : નક્કી તાણ ! આવતા માહ મહિનામાં રૂપિયો અનં લગન બધું આરી.
(રણછોડ,
સોમાભાઇ ખાટલા પાસે જાય છે.) (થોડી વાર પછી)
મણીલાલ : લ્યાં ! સોમદા તાણં જઈએ ?
સોમાભાઈ : મણીલાલ આંમ તે કાંઈ જવાતું હશે ? અમણાં રોટલા-બોટલા ખઈ નં
જવાશે. !
મણીલાલ : ના-ના મોડું થાય ! પછ ચિંયા રોટલા નહિ ખાવાના ? હારું તાણ
જઈએ. એ બાજુ આવાં તો ઘેર
આવજો. એકલા
રણછોડભૈના ઈથી પાછા ના વળતા. હેંડોં આવજ્યો.
(નીકળવાની
તૈયારી કરે છે.)
રણછોડ : (ખિસ્સામાંથી પૈસા કાઢી) ચ્યાંજા લ્યાં ભોણાં ? લ્યાં...
(કંકુને પૈસા આપે છે.)
કંકું : આટલા બધા ના વોય ?
રણછોડ : પણ મું તન ચ્યાં આલુંસુ બુન ? મારા ભાણાં તો માગ ક નઈ ?
(રણછોડ, મણીલાલ નીકળે
છે અને સોમાભાઈ પણ મેમાનોને મૂકવા જાય છે.)
સોમાભાઈ : (કંકુની સામે જોઈને) આ મેમાંનોને મૂકી આવું.
કંકુ : એ આવજો તાણ !... અલ્યા રમેશ્યા હેંડ સેતરમાં અજી તો ડોબાં પાવાનાં
સ અનં ચાર વાઢવા જવાનું છ. લે, હેડ .
થોડો ટેકો કરાવે...
(કંકુ ખાટલામાંથી
ગોદરું બાજુ પર મૂકે છે.)
(મુકેશ, રમેશ, કંકુ
બધાં જાય છે.)
દૃશ્ય-3
(ખુરશી) (મોહન-સંતોક)
(મોહન છાપુ લઈને પ્રવેશે છે અને ખુરશીમાં બેસીને
વાંચી છે.)
સંતોક :
ચ્યાં જ્યા ? મનિષાના પપ્પા ? આહું છાપામાં માંથું ઘાલી રહ્યા છાં ? કહું છું ક આ
સોમાભઈના ઈ મેમાંન આયા’ તા તે એકના બદલામાં બેનું પાકું કરીનં જ્યા. આ તો ડેરીથી
મૂ વાત લાઈ. આપણા મનિષનું ચ્યાંક ગોઠવાં. મૂ તો મારા ભૈન વાત કરીન આઈશું ક ચ્યાંક
ગોઠવી આલ.
મોહન: તન ચેટલીવાર માર કે’વાનું ! એ છોકરાનં ભણવા દે.
અત્યારે ચ્યાંય ઈનું ગોઠવવાનું નહીં. હારું ભણશી તો હાંમથી લોક પૂછતું આવશે.
સંતોક: ઓવ બધી રસ્તામાં પડાછ ? તે હોમથી આવશે... અનં
છોકરો મોટો થઈ જશે તો પછી સમાજમાંથી હારું હગું મળશેય નઈ.
મોહનભાઈ
: નઈ ચ્યમ મળ ? હું આવડા મોટા સમાજમાં કાતરા ખઈ જ્યાછ ?
સંતોક :
ઓવ ? સમાજ એ... સમાજ બાકી બધુ હમજ્યાં.
મોહનભાઈ
: આ તું ભાળતી નહીં ? આ નેની ઉંમરે આપણાં લગન કર્યાં તે...? સતી આંખે આંધળી થાંયછ.
સંતોક: ચ્યમ મુ તમન નહીં ગમતી ?
મોહનભાઈ:
ગમવા – ન ગમવાની વાત જવા દે, પણ આ હાટાની વાત કર... કાકાની સોડીના હાટામાં મું તન
પૈણ્યો નં તારા ભૈનં બે લાખ માંમેરું આલ્યું તોય ઓછું પડછ ?
સંતોક: તે પડ...જન ! આપણ ચીયું નહીં.. થોડું વધાર
કરાયું ઓત તો ?
મોહનભાઈ
: ઓવ... ચેટલું વધાર કરાવવાનું ? આપણ છોકરા નં ભણાવવામાં ખર્ચા કરીશું તો કાંક ઉગી
નીકળશે. નક પછી ઘડપણમાં ખાસું હું ?
સંતોક: ઑમ તો, તમારી વાત હાચી છ.
મોહનભાઈ:
અમારી વાત કદી ખોટી હોય જ નઈ ! એટલે તો કહું છું. ક આ છોકરનં આ વરસે બારમું છ એટલે
રાતી ગાંમમાં બેહવા જ્યા વગર એના પાહેણ બેહાં.
સંતોક: ઘડીવાર તો જવું પડ નક લોક વાતો કર ક મૂઈ શાંય
બહેવા ઉઠ્યામાંય નંઈ ક બોલાયા- ચલાયામાંય નઈ.
મોહન: લોકોન વાતો કરવી અશી તે કરશી. આપણ તો આ છોકરાનો
ભવ સુધરે તે નઈ જોવાનું ? લોક પડ જ ના ખાડામાં. આપણ તો આ મનિષ ન હારું ભણાવો જ છ... લે, એક વાત કરવાની તો રઈ જ
ગઈ. આજ નિશાળમાં વાલીમંડળની મિટિંગછ. તે આપણ બેન તેમાં જવાનુંછ.
(મોહન – સંતોક જાય છે.)
દૃશ્ય-4 કંકુ, સોમાભાઈ
(કંકુ અને સોમાભાઈ વાતો કરતાં કરતાં પ્રવેશે છે.)
કંકું : કહું છું. આ રમેશ્યા અનં મૂકલાનં પૈણાય આજ કાલ
કરતાં પાંચ વરહ થઈ જ્યાં... તે આ વઉઓનં તેડી આવો. નક પછી કાંક આડુ ફાટશે તો ?
સોમાભાઈ
: હું આડું ફાટશે ?
કંકું : આ જોતાં નહીં, જ્યાં ન ત્યાં ચેટલી ફારગતીઓ થાયછ
?
સોમાભાઈ
: એ તો થયા કર. આપણા એવું ના થાય. આપણ તો ચાંલ્લેયા કહેવઈએ.
કંકું : ઓવ મોટા ચાંલ્લેયા ના જોયા વોય તો ? આ મારા
બધાં ઘરેણાં વેચીનં તો આ મૂકલાન પૈણાયો છ.
સોમાભાઈ:
રાગ બોલ, કોક હાંભરી જશે.
કંકું :
એવું લોકોન ખબર પડવામાં ચ્યાં બાકી રસ.
સોમાભાઈ
: હારું હારું અવ... મેલ એ વાત... કાંક વાત કરતીતી ક વઉંઓનું આંણું કરવું છ તે
ચ્યાણ જવાનું છ ?
કંકું :
જૂઓન.... (આંગળીના વેઢા ગણતાં) કાલ રવિવાર અતો અને આજ સોમવાર છ એટલે મહાદેવજીનો
વાર એટલે. આજ જ જઈને લીયાવો. મીં મારા ભૈન તો ખબર આ લ્યાસ.
સોમાભાઈ
: ઈમ કાંક તાણ બધું નક્કી કરી નં જ બેઠાંસાં ! લાવાં હેંડો તાણ મારી પાઘડી મું
હેંઠુ ! તો દહનું શટલ મળ... (એસ.ટી.)
(સોમાભાઈ
જાય છે.)
કંકું :
લાવો મુએ સેતર બાજુ જઉં.
(કંકુ જાય છે.)
દૃશ્ય-5 વેવઈના ઘરનું દૃશ્ય
(રતન, મણીલાલ, સોમાભાઈ, રણછોડ)
રતનબેન :કહું
છું ક ડેરી આ ગંગામાં કે’તાં ક આપણાઈ આજ રોમપુરથી મેમાંન આવવાનાંછ.
મણીભાઈ :
ઓવં મનય આ... રાતી રણછોડ કેતો ક ભગી અન સવીન તેડવા માટ રોમપુરાથી સોમો વેવઇ આવવાનાછ.
રતનબેન :
અત્યાર આ છોડીઓન પી.ટી.સી.માં મથીન નંબર લાજ્યો છ. અનં આ વૈવઈ તેડવા આવ છ તે તેમનં
કોઈ ભાંનબાંન છક નંઈ?
મણીલાલ :
એવું ભોન રાસ્યું હો તો અત્યારે આ છોડીઓ તેડવાનું એમનું ના હુજ્યું ઓત.
રતનબેન :
તમારી વાત હાચીછ ! આ સોડીઓ ભણવામાં ઉશીયાર છ જો ઉંણ હારા ટકા લાવશી તો ચ્યાંક
નોકરીમાં પણ બચારીયો નો મેળ પડી જશે.
મણીલાલ :
પણ મન તો ચિંતા થાય છ કે આ મોટા જમઈ આઠમામાં પાંચ વરસથી છ. પાસ થતા નથી અન આ નેંના
જમઈ મૂકેશકુમાર છઠ્ઠામાંથી સાતમામાં આવતાં ત્રણ વખત નપાસ થયા. તે પછી આ છોકરી અનં
જમઈનં મેળ ચઈ રીતે આવશે ! એક તો ઉંમરમાં નેંનાછ અન ભણતરમાં નબળા.
રતનબેન
: પણ આપણ સોમા વેવઈન ચયું નતું કીધું ક તમારાં છોકરાં ભણાવજો. બોલી કરીનં છોડીઓ
પૈણાઈતી.
મણીલાલ :
પણ અવ કરીએ હું ?
રતનબેન :
કરવાનું હું ઓય. કરો ફારગતી.
મણીલાલ :
ફારગતી તો થતી હશે ?
રતનબેન :
ચ્યમ ના થાય ? તમારી છોડીઓન હાથે કરીન કૂવામાં નાંખવીછ. તમાંન ખબર ના વોય તો કઉં.
આ આપણા મોટા જમઈ ઠાકોરવાસમાં પડ્યા ર’છ દારુ પીવછ અન જુગાર રમછ. એવી વાત હાંભરી છ.
મણીલાલ :
તમારી વાત હાચીસ મુંએ એક દાડો વેવઈવાર જ્યો ત્યાર મીંએ આપણા ઘેમરદા પાહેંથી
જાણ્યું ક મોટો જમઈ દારુ પીવ છ.
રતન :
એટલે જ કહું છું ક ફારગતી કરવી પડ તો ભલ. સમાજમાં આબરુ જવી વોય તો ભલે જતી પણ આ
છોડીઓન હાથે કરીને કૂવામાં નથી નાંખવી.
મણીલાલ :
તારી વાત હાચીસ પણ અવ કરવું હું ?
રતન :
કરવાનું હું ઓય આવ એટલે ચોખવટ.
મણીલાલ :
આ કોક આવતું દેખાયછ (રણછોડ સોમાભાઈનો પ્રવેશ)
એ...
આવો આવાં રોમ રોમ.. રોમ રોમ.. કહું છું ક
પાણી લાવ જે અને ચા રૂપાળી ખાંડનાખી નં મૂકજે.
સોમાભાઈ : ચેમ વેવઈ બધાં મજામાં છક ? અમણાંથી તમે તો એ બાજુ આયાજ નંઈ.
મણીલાલ : હું આવ અત્યારે નવરઈ જ ચ્યાં છ ? આ બે છોડીઓ ભણછ અને એની માલ
એકલી.
સોમાભાઈ : તે વેવઈ આ છોડીઓનં આં હુંધી ભણાવશો.
રણછોડ : આ છોડીઓની જાતને તે ભણાવા’તી અસે ?
રતન : ચ્યમ નાં ભણાવાય ? અમાર જેવાં ઘહેડાંમાંથી તો છૂટે બિચારીયો ?
રણછોડ : તમારી વાત તો હાચીછ ભાભી પણ... . પણ અમારા ભાણા ભણતા નથી
તેનું હું ?
મણીલાલ : ના ભણતો અમે છોડીઓ નઈ મોકલીયે. તમનં હગું કરતાં જ કહ્યું તું
ક આ છોકરો નં હારું
ભણાવજો. પણ ચા સોમદાએ ચ્યાં ધ્યાંન રાખ્યું ? ?
સોમાભાઈ : અમારા કાંઈ પી.ટુ.સું. – ફી.ટુસું નથી. કરાવવાનું ! અમારા
ઘેર ચીયાં ચાહડા નહીં ?
રતન : અમાર છોડીઓ તમારા ચાહડાંનાં ઢેફાં ભાગવા નહીં મોકલવાની.
સોમાભાઈ : ચ્યમ વેવાંણ આંમ બોલો છાં. કાંઈ સમાજની પરવા છક નંઈ ?
રતન : સમાજની પરવા તો અમન તો છ ! તમન હોત તો આજ આ છોકરાં દારુ પીતાં નાં
કર્યાં હોત ?
રણછોડ : એ તો છોકરાં છ આ જુવાનીમાં એવી તો ભૂલો થાય. છોકરમત છ.
છોકરમત.
મણીલાલ : આવી છોકરમત દારુ પીવાની ? એક તો છોકરાં ભણ્યાં નહીં, ઉપરથી
દારૂડિયાં પકવ્યાંછ તાણ
પછ. તે ચ્યાંથી છોરીઓ મોકલીએ.
સોમાભાઈ : ચ્યમના મોકલાં ? જખ મારી નં મોકલશાં. નક પછી જોવા જેવી થશે !
મણીલાલ : થઈ... થઈ... અવ જોવા જેવી. અહીંથી નાહત નઈ આવડ ? (ગુસ્સેથી
મોટા અવાજે)
રણછોડ : (વચ્ચે પડતાં) કહું છું ક... શાંતિથી વાતો કરાં નક લોક જોવા આવશે.
રતન : ભલ ! લોક જોવા ચડ પણ મું મારી છોડીઓન નહીં મોકલું... નહીં
મોકલું...
સોમભાઈ : ના ચ્યમ મોકલાં કાલ આંઈ પંચાત ભેગી કરું.
મણીલાલ : પંચાત ભેગી કરવાની વેવાઈ મન બીક ના બતાવો. એવી તો ચેટલીય
પંચાતો જોઈ મેં અવથી તમ તમારે જે થાય તે
કરી લેજો...
રણછોડ : લ્યો હેંડો સોમદા ! અવ
રેલો પગ નેંચ આયો. પેલાં એટલું કીધી મેં અલ્યા ભાણાંન ભણાવજો. પણ ના
માન્યું. આ જોયું ના
ભણાવવાનું પરિણામ.
સોમદાસ : (ચાલતાં ચાલતાં) અર ચ્યમ ના મોકલ. મોઢુ ભરઈ જાય એટલા લીધા છ. અનં અવ એ ચે તો ફાટ્યા છ. ઈન
મોકલવી જ પડશી.
દૃશ્ય-6 (સોમભાઈ, મણિલાલ, બેચર, દલસંગભાઈ)
સોમાભાઈ : (એકલા બેઠા છે વિચાર કરતા કરતા બોલે છે.)
હારું... અવ
હું કરવું. આ વેવઇ છોડીઓ મોકલવાની ઘસીનં ના જ પાડછ. અવ કરવું હું ?
(લમણે હાથ દઈને
બેસે છે.)
બેચરભાઈ : (ઘરમાં પ્રવેશતાં) કોઈ છક... ? આવું છક ? ચ્મમ લમણે હાથ દઈને બેઠા છો સોમ ભૈ ?
સોમાભાઈ : આવાં આવાં સરપંચ.
બેચરભાઈ : સોમભૈ. આમ એકલા એકલા હું કરાં છાં ? ચ્યમ કોઈ દેખાતું નહિ ?
સોમાભાઈ : આ... રમેશીયાની મા છેતરમાં જઈછ. અન આ છોકરાં ચ્યાંક ટીચાતાં
હશી !
બેચરભાઈ : આ... તમે કાંક રમેશ્યા અને મુકલાની વઉંઓન તેડવા જ્યા તા નં
ખાલી હાથે પાસા આયા ? તે
વાત હાચી છ ?
સોમાભાઈ : ઓવ એ વાત હાચી છ. આ વેવઈ આડો ફાટયો છ તે છોડીઓ મોકલવાની ના
પાડશ.
બેચરભાઈ : આવું તે થતું હશે ! આ તમારા વેવઈની સમાજની કોઈ ગતાગમ છ ક નઈ
!
સોમાભાઈ : આ... ઇમનં સમાજની પરવા હોત તો દહ વરહનું જૂનું હગું તોડવાની
વાત ના કરોત ?
દલસંગ મુખી : એ... આવુ ક ? (સોમાભાઇના ઘરે પ્રવેશે)
સોમાભાઇ/બેચરભાઈ : આવાં... આવાં... મુખી આવાં.
દલસંગભાઈ : એ મજામાં નં સોમભૈ ?
સોમાભાઈ : ઠીક... તમારા જેવું હોય ?
દલસંગભાઈ : અવ... ઓમ ઢીલું ઢીલું શું બોલો છો સોમભૈ !
બેચરભાઈ : તમન ખબર નહિ... આ સોમાભૈના વેવઈ દિયોર આડા ફાટ્યાસ છોડીઓ
મોકલવાની ના
પાડ છ.
દલસંગ : ઓત્તારી બુનનું ભલું થાય ! આવું તો થતું હશે. ?
બેચરભાઈ : ઈન... સમાજ વચી ઊભો કરીશું તાણ ભાંન થશે. ઈન અમણાંથી બઉં
બેકાટ ચડ્યોછ.
દલસંગ : સોમાભઇ તમ તમારા ચિંતા કરશો નઈ ! અમે તમારા આવા કૉમમાં સાથ નંઈ
આપીએ તો પછી
ક્યારે કૉમમાં
આવીશું ?
બેચરભાઈ : તમારી વાત હાચીછ ! દલસંગભઈ આ સોમાભઇના વેવઈ હું ના મોનં,
એના ઘેર જઈ નં ઊભા
રહીશું. તાણ ઈન હાલ મોનવું પડશે.
સોમાભાઈ : બેચરભઈ મુખી ! તમારા જેવા મોટા મોણસો મે બગાર ઠપકો આલ તો
મારો વેવઈ હાલ સીધો
હોર થઈ જાય.
બેચરભાઈ : હા ! હા ! મુખી તમારી વાત હાચીછ. આજ જુઓ નવરાશછ અન બે-ત્રણ
દા’ડા પછી મારા રૂ
ઉતારવાનું ચાલુ થશે. પછી મેળ આવ ઈમ નથી એટલે
આજ જ જવાનું ગોઠવો.
સોમાભાઈ : તમે કેશો ઈમ કરવા તૈયાર છું બેચરભાઈ.
દલસંગભાઈ : બોલાવો ગોંમમાંથી બીજા બે-ચાર આગેવાનોને. આજ જ જઈએ. મારી
જીપ ઘેર જ પડીછ
ડ્રાઈવરને કે જો ક રાત્રે બાર જવાનું છે.
બેચરભાઈ : હા.. આજ રાત્રે જ જઈએ. તમારો વેવઈ ચેવો નહિ મોનતો... ? હારુ
તાણ સોમભઈ તમે
જીપનું કે તા આવાં અમે આંઈ બેશીએ છીએ. કાંક
માર્ગ વિચારીએ.
(સોમાભાઈ જાય છે.)
દલસંગ : અવ... મારો વાલો ફસાયો છ ! અત્યાર
હુધી આ સોમલો આપણનં ગોઠતો જ ન’તો !
બેચર : ઓવ મુખી ! અવ લાગમાં આયોછ. અવ એવું
કરવુંછ ક કદી ઊંચો આવ જ નંઈ અને આપણા હાંમો
પડજ ના.
દલસંગ : ઓવ. એવું કહીશું તાણ જ આ સોમો સીધો થશે. નકર આવણા હોમો પડ
ઈમાંના છ.
બેચર : સમાજ ભેગો કરી નં બે વાંના પાહેણથી બબ્બે લાખ પડાવવાછ.
દલસંગ : આપણ તો બેઠા જ છીએ ધીરવા... જુઓ, આ છોકરાં પૈણાયા તાણ
સોમભૈનું છેતર લશી લીધું છ.
આ વખત આ વલ્લાવાળુ છેતર લેવાનો વિચાર છ.
બેચર : લ્યાં હેડાં તાણ મુખી. આ સોમભઈ તો આયા જ
નંઈ. આપણ ગોમપંચાત હોમા જઈએ.(બંને જાય છે.)
દૃશ્ય-7
મણિલાલ : હાંભળ સ... આ પેલા બાબુભઈના ઈ ફૉન આપો. છ ક રોમપુરાથી આપણાઈ
પંચાત આવવાની
છ.
રતન : આવવા દયાં આપણ ચ્યાં બીએ છીએ ?
મણિલાલ : બી વાની વાત ચ્યાંછ.. પણ આ મે’માન આવવાન છ એટલે બધી તૈયારી કરવી
પડશે ક.
રતન : ઈમાં હું તૈયારી કરવાની છ. રાત એટલે ચા પોંણી કરાઈનં. આવ-એવા
પાછા કાઠવાના છ.
મણીલાલ : કાંક ઉતોર તો આલવો પડશે ક ?
રતન : ઈ તો મું બેઠીશું ઉતોર આલવાવાળી. તમે હું કોમ ચિંતા કરાં છાં.
મણીલાલ : જો મેમાંન આવવાનો ટેમ થઈ જ્યો સ હવ આટલામાં જ અસી
ખાટલા-બાટલા પાથરી રાખ.
(જીપનો
અવાજ સંભળાય છે.)
રતન : આ જીપ આઈ મેંમાંન આવતા લાગ છ. (મહેમાનો પ્રવેશે છે. સોમભાઈ,
બેચર, દલસંગ)
મણિલાલ : આવો ! આવો ! રોમ રોમ.
(મહેમાન બેસે છે)
દલસંગ : (શાંતિ તોડતાં) મણિલાલ મજામાં છોક !
મણીલાલ : ઓવ અમાર હું દખ હોય ?
બેચર : ઓવ દખ તો અમારા સોમભૈન આલ્યું.
રતન : એ તો કર્યાં એવાં ભોગવવાં પડ.
સોમભાઈ : (રતન સામે જોઈને) અમે હું ખોટાં કોમ કર્યાં છ !
બેચર : સોમભૈ તમે હું બૈરાં હાંમી જીભા જોડ કરાં છાં !
દલસંગ : જુઓ મણીલાલ તમાર છોડીઓ સોમભૈના ઈ મોકલવી જ પડશે.
બેચર : હા... હા... મોકલવી જ પડશી.
રતન : ના ! અમાર છોડીઓ નહિ મોકલવાની.
સોમભાઈ : ના ચ્યમ મોકલો જખ મારી નં મોકલવી પડશી.
દલસંગ : હા ! હા ! મોકલવી જ પડશી. ના ચ્યમ મોકલાં છોકરાં માં હું
ખાંમીછ.
મણિલાલ : હું ખાંમીસ નઈ, ચઈ
ખાંમી નહિ એ પૂછો. જુઓ એક... ભણ્યા નહિ, બીજુ દારૂ પીવ છ ત્રીજું
જુગાર રમછ આ ઓછુંછ.
બેચર : એ તો છોકરાં છ ! કાલ સુધરી જશી.
રતન : છોકરાં ચ્યાં સુધી બાપ
ના જેવડાં તો થ્યાંછ.
બેચર : એતો અમે છોકરાં નં
ઠપકો આલીશું. હમજાઈ શું ક ફરી આવું ના કર. પણ તમાર છોરીઓ
મોકલવી જ પડશી. નઈ મોકલાં તો સમાજ વચી ઉભા કરીને
દંડ લઈશું ! દંડ હમજ્યા !
રતન : તમે ગમે તે કરાં પણ હું મારી છોડીઓ મોકલવાની નહીં.
દલસંગ : ના મોકલો તો સમાજના રિવાજ પ્રમાણે આલાં બે લાખ રૂપિયા દંડ.
બેચર : મુખીની વાત હાચીછ.
મણિલાલ : એટલા રૂપિયા લાવવા ચ્યાંથી ?
સોમાભાઈ : ગમે તે કરો છેતર વેચાં ક છોડીઓ પણ દંડ તો તમાર આલવો પડશે.
મણિલાલ (ગુસ્સે થઇ) : અલ્યા... તન ભાંન બાંન છક નઈ. જરા વિચારી ન બોલ
મુઢામાં જે આવે તે હું
ભસ્યા કરછ.
રતન : મારી છોડીઓ વેચવાની વાત કરછ ? ઉભો ર ગોમના દિયોર તન
ઉભો ન ઉભો ચિરું નઈ તો મારા નૉમ રતન નંઈ ? (દાતરડું લઈ સોમાભાઈને મારવા જાય છે.
મણીલાલ રોકે છે.)
(બધાં લડે
છે. (જપાજપી થાય છે.)
મણિલાલ : મું હાલ જ ફરિયાદ કરું છું. બધાં ન જેલ ભેગા કરું.
બેચરભાઈ : (દલસંગને બાજુમાં બોલાવીને) દલસંગ આ તો આપણ કાઠી થઈ. આપણ
ખોટા હલવઈ જઈશું.
દલસંગ : ઓવ બેચરભાઈ આપણ નાહાં
આંહીથી બે વેવાઈ હાં લડતાં.
દૃશ્ય-8
(હાથમાં પેડાનું પડીકું લઈ મોહન પ્રવેશે છે.)
મોહનભાઈ : ચ્યાં જઈ મનિષની મા
લેં પેડા ?
સંતોક : શના પૈંડા લાયા છો ?
મોહનભાઈ : એટલીય ખબર નથી ? આપણા મનિષન બારમામાં હારા ટકા લાયો એટલે
મેડિકલ લાઈનમાં
પ્રવેશ મળ્યો છ.
સંતોક : હાય ! હાય ! લાઈટમાં
પ્રવેશ મળ્યો એ તો જીવનું જોખમ !
મોહન : અલ્યાં !... લાઈટમાં નઈ મેડિકલ લાઈનમાં એટલે કે ડૉક્ટરનું
ભણવામાં પ્રવેશ મળ્યો. નંબર
લાજ્યો.
સંતોક :તાણ ઇમ કયાંક તો કાંક ખબર પડ ? આંઈ આવાં એક મૂએ ગળ્યું મુઢું
થાય એવા હમાચાર લાઈશું.
મોહન : હું હમાચાર લાઈછ ?
સંતોક : એ તો મારા ભૈએ હમાચાર
મોકલાયા છ ક આપણા મનિષ માટે કન્યા મળી જઈશ.
મોહન : કુંની છોડી છ ?
સંતોક : આ મારા ભૈયના ઘર હાંમ પેલો બંગલો નહીં... પેલા અમદાવાદ ર’સ છ
એ ભીખાલાલની છોડી
સુરભિ. એકની એક છ અન
તેનો બાપય હારું કમાય છ.
મોહન : એ તો ઠીક ! પણ છોડી ચેટલું અણી છ.
સંતોક : એ તો કાંક આપણો મનીષ ભણશ... એવું કાંક... તમે કેતા તે...
ડૉક્ટરી લાઈટનું ભણછ.
મોહન : તો તો હારું કે’વાય ! જોયું આપણી ભક્તિ ફળી.
સંતોક : તમારી વાત હાચીછ ! જો આ આપણ મનિષનં નોં ભણાયોં વોંત તો આ
સોમભૈના જેવું થવોત.
મોહન : શું થ્યું સોમાભૈન ?
સંતોક : કીછ... ક માંથામાં ચાર ટાંકા આયા છ.
મોહન : હ... ન ? એવું હું વાજ્યું ?
સંતોક : વાગવામાં તો લાકડી વાજી છ. તમનં ખબર નહીં ? આ પરમદાડો વઉંઓ
તેડવા જ્યા તા તે પછી
બે વેવઈઓ વચ્ચે થોડી
બોલાચાલી થઈ અનં પછી લાકડીઓ ઉછળી.
મોહન :હા, અવ ખ્યાલ આયો... તાણ તો નક્કી એક બીજા પર પોલીસ કેસ થયાં અશી
ઈમાં આજ પોલીસ
ગૉમમાં ફરતી’તી.
સંતોક : આ નૈનપણમાં હગાં કરી ન છોકરાં પૈણાયાં એટલે આવું થાય ?
મોહન : ઓવ... એ તો તમાંનય અવ જ્ઞાન આયાં નક પેલાં ચ્યાં માંનતાં’તાં.
સંતોક : હારું હારું. અવ આપણ તો છોકરાંની જિંદગી સુધરી એટલે પત્યું ?
લોક પડ જ નઈ ખાડામાં...
(પડદો
પડે છે.)
લિ. બિપિન
ચૌધરી
રંગાકુઈ
ટિપ્પણીઓ