સંસ્કૃતિ દર્પણ

ભારતીય સંસ્કૃતિ માટેનો મૂલ્યવાન દસ્તાવેજ: ‘સંસ્કૃતિ દર્પણ’
(પુસ્તક:સંસ્કૃતિ દર્પણ, લેખક: પ્રા. ડો. આર. ટી. સાવલિયા, પ્રકાશક: લેખક પોતે, પ્રાપ્તિસ્થાન: સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્રથમ આવૃતિ: ૨૦૦૭, પ્રકાર: સંશોધન લેખો,પેજ સંખ્યા: ૧૬૨,  કિંમત: રૂ.૧૦૦)
     ડૉ. રામજીભાઈ ઠાકરશીભાઈ સાવલિયા વરિષ્ઠ અધ્યાપક અને સંશોધક તરીકે જાણીતા છે. ગુજરાતના શિક્ષણ અને સંશોધનક્ષેત્રમાં અગ્રિમ સ્થાને રહેલી સંસ્થા ભો.જે. વિદ્યાભવન સાથે સંકળાયેલા ડો. સાવલિયાના ભારતીય સંસ્કૃતિને લગતા ૧૪ જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. જેમાં ‘ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમા વિધાન’(૧૯૯૧),’ ‘પાશુપતસંપ્રદાય ઉદ્|ભવ અને વિકાસ’ (૧૯૯૯), અને ‘ગુજરાતનાં પ્રાચીન સરોવર, તળાવો અને કુંડો’(૨૦૦૦) વગેરે મહત્ત્વનાં સંશોધન પુસ્તકો છે. તેમાં ભારતીય ધર્મ, કલા,  સંસ્કૃતિ અને ઇતિહાસને સ્પર્શતા સંશોધન લેખોનું પુસ્તક ‘સંસ્કૃતિ દર્પણ’ સત્ત્વશીલ ઉમેરણ છે.                    

            નવરંગી ભાતના આ લેખોને અંતે આપેલી નોંધને જોઈશું તો જણાશે કે મોટા ભાગના લેખો કોઈ ને કોઈ પ્રયોજક સંસ્થાઓનાં અધિવેશનોમાં અને પરિસંવાદોમાં શોધપત્ર રૂપે રજૂ થયેલા છે. વળી, આ લેખો અગાઉ કોઈ સામયિકમાં કે ગ્રંથમાં પ્રગટ થયેલા હોય તો તેની નોંધ પણ આપવામાં આવી છે. પુસ્તકમાંથી પસાર થતાં એક બાબત તરત જ ધ્યાન ખેંચે છે કે પ્રત્યેક લેખ સંશોધકની આગવી સૂઝ અને ચીવટપૂર્વકની મહેનતના ફળ સ્વરૂપે તૈયાર થયેલો છે. પ્રત્યેક લેખની વિગતો રેખાંકનો અને ફોટાઓ સાથે મૂકી છે જે સુહૃય ભાવકની સાથે સામાન્ય વાચકને પણ આકર્ષે છે અને તેની જિજ્ઞાસા વધારે છે.
         આ લેખો ભારતની-ગુજરાતની સાંસ્કૃતિક ગતિવિધિનું પ્રતિબિંબ બરોબર ઝીલે છે તેથી તેનું શીર્ષક ‘સંસ્કૃતિ દર્પણ’ યથાર્થ છે. આ લેખોમાં વિષયવૈવિધ્ય ઘણું છે. પ્રથમ લેખમાં ‘લકુલીશ પાશુપત સંપ્રદાય’  શબ્દાર્થથી શરૂ કરી, તેની ઉત્પત્તિ કથા, તેનો સમય, તેનો વિવિધ સ્થળે વિકાસ પૌરાણિક, સાહિત્યક અને આભિલેખિક પુરાવાઓના આધારે વર્ણવ્યો છે. આ તેમજ અન્ય લેખોમાં લેખકે પ્રતિષ્ઠિત સંદર્ભ ગ્રંથોની મદદથી પોતાની વિચારણા અને વાતને સાધાર મૂકી આપી છે. બીજા લેખમાં ‘કામસૂત્ર’ના સંદર્ભમાં આપણા ચાર પુરુષાર્થમાંના એક ‘કામ’ની જીવનમાં મહત્તા, કામ વિશે વાત્સ્યાયન પૂર્વે અને પછીની વિચારણા, કામ વિશેના શાસ્ત્રીય ગ્રંથોમાં આપેલ સાત પ્રકરણોની સંક્ષિપ્ત  ચર્ચા કરવામાં આવી છે. 
             સુખ્યાત મંદિરો કે મૂર્તિઓ, કિલ્લાઓ  બંધાવનાર રાજા_મહારાજા કે શ્રેષ્ઠીઓને સૌ ઓળખે છે પરંતુ તેને બાંધવા ખરેખર  પરિશ્રમ કરનાર સ્થપતિ, સુત્રધાર કે શિલ્પી તો ગુમનામ જ હોય છે. લેખકે  ‘ભારતના યશસ્વી કલાધરો’માં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન શિલ્પીઓનો પરિચય કરાવ્યો. શોભનદેવ, હીરાધર, પ્રાણધર, શાડ્ગધર, સ્થપતિ પ્રભાશંકર સોમપુરા અન કાંતીભાઈ પટેલ જેવા ગુજરાતના કલાધરોની વાત વિગતે આલેખી છે.  ઈ.સ. ૧૯૭૪ પછીના ત્રણ દાયકામાં શિલ્પકલાક્ષેત્રે થયેલાં નવા સંશોધનોની વાત ‘સોલંકીકાલીન શિલ્પકલા’ લેખમાં કરવામાં આવી છે. શિવ અને પરિવારની પ્રતિમાઓ,  દેવી પ્રતિમાઓ, વિષ્ણુ પ્રતિમાઓ, સૂર્ય પ્રતિમાઓ, દિક્|પાલ  પ્રતિમાઓ, વ્યાલ  શિલ્પો, કીચક શિલ્પોનું વર્ણન સ્થળ-સમય અને છબી સાથે મૂક્યું છે. ખંભાતના પ્રાચીન હસ્તપ્રતભંડારો અને  કચ્છના  કલા-કસબ  વાત  આપણી પ્રાચીન ધરોહરને જાણવા- સમજવા ઉત્સુક સુજ્ઞજનોને  રસ પડે એ રીતે આલેખી છે.  હિન્દુ-મુસ્લિમ એકતાની ભાવનાને સમગ્ર ગુજરાતમાં ફેલાવવાનો પ્રયાસ કરનાર પીર કાયમદ્દીન ચિશ્તી અને તેમના શિષ્યસમુદાય વિશેનો લેખ આપણી સાંસ્કૃતિક એકતાના સર્જનમાં સૂફી પરંપરાના યોગદાન પર પ્રકાશ પાડે છે. ગુજરાતની ભાષા અને સાહિત્યની  સૌપ્રથમ રાજકીય નવકથા “ હિંદ અને બ્રિટાનિયા” માં વ્યક્ત થતી ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા  અંગેનો અભ્યાસપૂર્ણ લેખ આપણેને નવીન દિશામાં વિચારતા કરી મૂકે છે.
      ધર્મ, કલા, સંસ્કૃતિ, ઈતિહાસ, સાહિત્ય અને  ભૂસ્તરશાસ્ત્ર આ દરેક વિષયના નિરૂપણમાં સંશોધકની સજ્જતા અને ઊંડી નિસ્બત જણાઈ આવે છે. એક બે જ્ગ્યાએ ભાષાદોષને (રાજાનું ‘રજા’ પૃ.૪ ) બાદ કરતાં સમગ્ર પુસ્તક અનેક વિશેષતાથી સભર છે. ભારતીય સંસ્કૃતિનો મૂલ્યવાન દસ્તાવેજ છે.  આ ક્ષેત્રના અભ્યાસુઓને ઉપયોગી થાય એવો આ સંદર્ભગ્રંથ છે. અહીં સંપાદિત શોધપત્રો  ભારતીય  સંસ્કૃતિ અંગેના સંશોધન વિશે નવી આશા જન્માવે છે. આ દિશામાં હજી ઘણું કામ બાકી છે એવું મને લાગે છે.     
                                     

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3