લોકસંસ્કૃતિમાં ચાચર-ચોકનું માન અને સ્થાન
લોકસંસ્કૃતિમાં ચાચર-ચોકનું
માન અને સ્થાન
ભારતીય અને યુરોપીય
એવી બંને મુખ્ય આર્ય શાખાઓમાં કલા અને
સંસ્કૃતિના વિકાસમાં ચાચર-ચોકનું ખાસ મહત્ત્વ રહ્યું છે. વિશ્વની લગભગ તમામ
ક્રાંતિઓનું ઉદ્દભવ સ્થાન નગર કે ગામનો ચોક રહ્યો છે. સામાજિક, ધાર્મિક, રાજકીય, મનોરંજન કે કલાકીય એમ વિવિધ
પ્રવૃતિઓ માટે ગામ કે નગરના ચોકનો ઉપયોગ
થાય છે. કોઈ પ્રસંગ- ઉત્સવ કે સભા-સરઘસ નિમિત્તે
વિશાળ જનસમૂદાય ગામ કે નગરના ચોકમાં એકઠો થાય ને ત્યાં ઘટના વિશેષની ચર્ચાવિચારણા કરે છે. એમાંથી જ આગળ જતાં બહુમોટી અને પરિણામગામી સામાજિક અને
રાજકીય પરિવર્તનની પ્રક્રિયાનું બીજારોપણ થાય છે.
‘ચાચર’ શબ્દ મૂળ સંસ્કૃતના ‘ચત્વર’ પરથી ઉતરી આવ્યો છે. ‘ચત્વર’નું પ્રાકૃતમાં ‘ચચ્ચર’ થયું. તેનું ગુજરાતીમાં ‘ચાચર’ બન્યું. સંસ્કૃત ચત્વરનો અર્થ થાય ચોક, જે ચારની સંખ્યા સૂચવે છે. જ્યાં
ચાર રસ્તા મળતા હોય તેવી જગ્યા, ચાર રસ્તાનું ચકલું. બીજો એવો અર્થ પણ કરી શકાય કે ચોરસ જાહેર જગ્યા તે ચાચર.
સંસ્કૃત ‘ચત્વરક’ પરથી પ્રાકૃત ‘ચઉરય’ને ગુજરાતીમાં ‘ચોરો’
શબ્દ પ્રચલિત બન્યો. બેસવા- મળવા
માટેનું જાહેર સ્થાનક એટલે ચોરો. ચૌટું-ચોવટ અને ચકલો આ બધા શબ્દો ચાર
રસ્તા મળવાની જગ્યા કે બેસવાની જાહેર જગ્યા કે સ્થાન માટે વપરાય છે.
લોકજીવનમાં ચોક માણસના
જન્મથી લઈ મૃત્યુ સુધી સંકળાયેલો હોય છે. ચોક સાથે આબાલવૃદ્ધ સૌનો ઘનિષ્ઠ નાતો હોય
છે. કવિ ઉમાશંકર જોશી એક નિબંધમાં કહે છે:
“હિંદુસ્તાન એટલે ગામડું. ગામડું એટલે ચોરો અને ચોરો એટલે તડાકીદાસોનો અડ્ડો’’. લેખકે આપણી પ્રજાકીય ખાસિયત ખૂબ લાક્ષણિક રીતે
રજૂ કરી છે. ગામનો ચોરો બાળકો માટે દાદાજીના સાન્નિધ્યમાં રમવાનું રમવાનું મેદાન.
નવરા માણસો માટે સમય સંહાર કરવાનું મોટું સાધન અને કામકાજી માણસો માટે વાતનો વિસામો છે.
જન્મના થોડા જ મહિનામાં, દિવસોમાં બાળકને ગામના ચોકમાં પ્રગટાવામાં આવતી હોળીના
દર્શન માટે લાવવામાં આવે છે. યુવાન વયે લગ્નનો વરઘોડો ગામના ચોકમાં અચૂક આવે.
ઘડપણમાં સમવયસ્કોનો સથવારો ગામના ચોરે જ મળે. મૃત્યુ સમયે ઘરમાં ચોકોની વિધિ (મરનારને ઘરના ચોકમાં સુવડાવવા ગાયના છાણથી
લીંપી તૈયાર કરેલી જગ્યા) બાદ મૃતદેહને નનામીમાં સુવાડવામાં આવે છે. ઘરેથી નીકળેલી
સ્મશાનયાત્રા ગામના ચાચર-ચોકમાં થોડો સમય રોકાય છે. અર્થીને ચોકમાં જમીન પર મૂકી
મરનારને અંતિમ વિસામો આપવામાં આવે છે.
મરનાર વ્યક્તિ જાણે પોતાની મોંઘી જણસ છેલ્લી વાર જોઈને અલવિદા થાય.
જૂના જમાનામાં આજના જેવાં ટી.વી., રેડીયો, વિડીયો જેવાં મનોરંજનનાં સાધનો નહોતાં ત્યારે વાડી, મદારી, નટ, બજાણિયા, ભવાયા, રામલીલાવાળા, કઠપૂતળી, માણભટ્ટ અને ગામઠી જાદુગરો ગામના
ચોરે જ પોત પોતાની કલા રજૂ કરી લોકરંજન
કરાવતા. લોકજાતિના કલાકારો પોતાની કલાની પ્રસ્તૃતિ ચાચરદેવીની (ગામના ચોકની
દેવી) પૂજાવિધિ બાદ જ કરતા. ગામના ચોરાની
આગવી અદબ જાળવવામાં આવતી. જેમ કે, ઘોડા પર સવાર વ્યક્તિ ગામનો ચોક આવવા
થાય એટલે ઘોડા પરથી નીચે ઉતરી પેદળ જ ચોકમાંથી પસાર થતી.
વારતહેવારની ઉજવણીમાં પણ ચાચર અગત્યનું સ્થાન છે. નવરાત્રીમાં માતાજીની માંડવી
ચાચરચોકમાં સ્થાપવામાં આવે છે, રાસ-ગરબાની રમઝટ, જન્માષ્ટમીમાં મટકીફોડ કે કાનુડો, ગોર્યમાના ગીતો, વરઘોડા વેળાએ ગવાતાં સાલોકા, કુમારીકાઓના કે સૌભાગ્યવતીઓના
વ્રતોત્સવો કે જાગરણ આદિ ધાર્મિક કે ઋતુગત મનોરંજનના ઉત્સવો ગામના ચાચરચોકમાં આજેય
થાય છે.
ગામ, સમાજ કે જ્ઞાતિ પંચાયત ગામ ચોકમાં જ એકઠી થઈ કોઈ પ્રશ્ન, સમસ્યાનું સમાધાન, કોઈ નવા ધારાધોરણનું ઘડતર કે જૂના
રીતરિવાજનો નિકાલ પ્રજાના આમવર્ગની હાજરીમાં કરે છે. પંચ પરમેશ્વર જે નિર્ણય કરે
તે બધા માન્ય રાખે છે. લોકો કોઈને કોઈ નિમિત્તે ગામ ચોકમાં મળે ને આ રીતે સંઘશક્તિ
જાગૃત થાય. લોકોને ગુલામીદશા અને એનાં અનીષ્ટો શું છે અને એનો પ્રતિકાર કરવાનાં
માર્ગોની પ્રેરણા ચાચર ચોકમાં ભરાતી
ગ્રામસભમાં જ મળતી.
ટિપ્પણીઓ