કેશુકાકાને અલવિદા


 દૂરથી એક સફેદ ઝભ્ભો,  લેંગો અને પગમાં  કપડાના શુઝ, મોઢું બોખું પણ હાસ્યથી ભરેલું. આ પ્રસન્નતાથી સભર વ્યક્તિત્વ પાસે આવે ત્યારે  હસી મજાક સાથે મર્માળી વાત રમતી  મૂકે પછી ધારેલું કામ કઢાવે. આવી વ્યવહાર કુશળતા ધરાવનાર આ  જણ  મહાત્મા ગાંધીની પાઠશાળામાં  ભણેલા. ગાંધી વિદ્યાપીઠનો આ  વિદ્યાર્થીએ જ્યારે રંગાકુઈનું સરપંચપણું  સ્વીકાર્યું ત્યારે  બપોરે બે અઢીવાગે  ગામની બહેનો યુવાનો સાથે  ઝાડું લઈ ગામની સફાઈ કરતા પણ જોયા હશે. નિર્મળ ગામ યોજનામાં   રંગાકુઈને ગૂંજતું કરવામાં આ આગેવાનનો ફાળો નાનોસૂનો નથી. આ મધુરભાષી, મુત્સદ્દી આગેવાન  જેમની શેહ શરમ આબાલવૃદ્ધ  સૌ રાખે  તે એટલે કેશુભાઈ ઘેમરભાઈ ચૌધરી.  આમ તો દૂધ સાગરના કર્મચારી. પણ એમના યુવાનીકાળથી જ  રંગાકુઈના શિક્ષિત યુવાનોમાં  વધુ સક્રિય. રંગાકુઈ ગામનું વીજળીકરણ હોય કે ગામમાં દૂધ મંડળીનું આગમન હોય  કે  રંગાકુઈ યુવા વિકાસ મંડળ  કાર્યો આ સર્વે પ્રત્યે  સેવાભાવનાથી યુવાકાળથી જ સંકળાયેલા. તેઓ  આજીવન અવિરત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા  રહ્યા. છેલ્લે  રંગાકુઈ યુવા વિકાસ મંડળના પ્રમુખ અને સર્વોદય ક્રેડિટ.સો.ના હોદ્દેદાર તરીકે  સેવા બજાવતા.જે સંસ્થાની જવાબદારી સંભાળે તેમનો જે હોદ્દો હોય તે રોલ બરાબર અદા કરે. શાળા  હોય કે મંડળી તેના કર્મચારીઓ કામ બાબતે આઘાપાછા થતા હોય, લોકો હેરાન થતા હોય તો સંસ્થાના હિત માટે શબ્દો ચોર્યા વિના જે   કહેવા જેવું  હોય તે  મોઢામોઢ કહે. ઘણાને કડવું પણ લાગે. તો લાગે.  આ નૈતિક હિંમત  ક્યારે આવે જયારે માણસ અંદરથી મજબૂત હોય.  હા! જરૂર પડે  માખણ લગાવવાની કળા પણ  અજમાવી જાણે. નવરાત્રીમાં  વધુ ફાળો આવે, મંડળમાં  વધુ આવક થાય અને ગામના વિકાસમાં નાણાંનો ઉપયોગ થાય તે માટે  સદા આગ્રહી. આઠમની રોનક જેટલી લાઈટીંગ યા જબુકવીજળીથી થતી એટલી એમના મધુર શબ્દોથી  કયારેક ચાબખાવાળા શબ્દોથી થતી. નવી ફેશન હોય કે વ્યસન  તેની ટકોર કરે જ. માતાજીની માંડવીમાં આવેલી ભેટનું લાંબુ લચક લિસ્ટ વાંચે  નવેનવ દિવસ. ને ચઢાવા તો જુદા.  માઈકની આજુબાજુમાં  બીડીઓના ધુમાડા અને બાઈઓના વાતોના તડાકા ને ક્યાંક  મશ્કરીઓ કરવા જુવાનીયા ચઢાવો બોલી ને મોઢું  સંતાડી દે યા મશ્કરીઓ કરવા કોઇ મિત્રનું  નામ પાંચ દસ રૂપિયા લખાવી બોલાવે પણ એમની ચબરાક નજર એ પકડી પાડે. ગામમાં  ખોટી પરંપરા ઊભી કરનારા કે પાખંડ  કરનારાઓને જાહેરમાં  લલકારે કોઈની સાડાબારી ના રાખે. આજે આવા આગેવાનો ગામમાં  કેટલા?ગામ લોકોની જરૂરીઆત  બરાબર સમજે અને મહિલા ગ્રાહક ભંડારનું  સફળતાપૂર્વક  સંચાલન કરી લોકોને વ્યાજબી ભાવે કરિયાણું મળે તેની વ્યવસ્થા ગોઠવે અને સફળતાપૂર્વક  ચલાવે. સહિયારી  ખેડૂત  પિયત મંડળીમાં  પણ નિ:સ્વાર્થ  સેવા આપે. નાદુરસ્ત તબિયતે માઈકમાં બોલવા ઊભા થવું અને સતત બે ત્રણ કલાક ઊભા રહીને બોલવું ખૂબ જ તપશ્ચર્યા ભર્યું કામ છે.  જગત્ જનનીની  શકિત અને ભક્તિ જ એમાં હશે. વચ્ચે ઘણો સમય બિમાર રહ્યા, એમના બચવાની ઓછી આશાઓ હતી. પણ  યમરાજને પણ કદાચ એમના અધુરા કાર્યોની જાણ હશે. એટલે આયુષ્ય વધારી આપ્યું હશે.આ લખનારે છેલ્લે એમની બિમારીના સમાચાર આ શનિવારે જ જાણ્યા ને. આવતા શનિરવિએ ખબર અંતર પૂછવાનો મનસૂબો પણ બનાવ્યો   પણ... એતો આજે અનંતની યાત્રાએ ચાલ્યા ગયા. આ આત્માની ખોટ એમના ઘરના સભ્યોને તો હશે જ પણ રંગાકુઈ ગામને  પણ મોટી ખોટ પડી છે... પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે ૐ શાંતિ...ડો. બિપિન ચૌધરી રંગાકુઈ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3