કનુભાઈ સાહેબની શાળા વિદાયવેળાએ
રંગાકુઈ ગામના અનેક રંગોમાંનો એક રંગ શિક્ષણનો. અત્યારે તો ગામમાં હાથ નાંખોને એક શિક્ષક મળી આવે. પરંતુ એક સમય જુદો જ હતો. 1985ના સમયગાળામાં રંગાકુઈ હાઈસ્કૂલ રંગનાથ મહાદેવના સાન્નિધ્યમાં શરૂ થયેલી. ઘણીવાર મંદિરના ઘંટારવથી સ્કૂલના તાસ બદલાઈ જતા અને અધુરા લેશનવાળાને સાક્ષાત મહાકાળી માતાજીના આશીર્વાદ ફળ્યા હોય એમ લાગતું. કયાંક આવી નવીશવી શરૂ થયેલી હાઈસ્કૂલમાં એમ.એ.બીડની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર ગુજરાતી વિષયના વંદનીય શિક્ષક એટલે કનુભાઈ પટેલ (રમોસવાળા). કનુભાઈ સાહેબનું નામ પડેને ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ કવિતાઓ અને વાર્તાઓ નજર ઉભરી આવે. પ્રેમચંદની હીરાને મોતી હોય કે ધૂમકેતુનો જુમો ભિસ્તી હોય કે કાશી માની કૂતરી હોય કે બાબુ વીજળી આજે એમના આરોહ અવરોહ યુક્ત અવાજમાં તાદ્દશ થઈ આવે છે. ગામના લોકો પ્રત્યે અને વિદ્યાર્થીઓ પ્રતિ સાહેબના મનમાં અપાર પ્રેમ. એ સમયે ગામના 90% લોકોનો પશુપાલન અને ખેતી જ મુખ્ય વ્યવસાય. ઢોર સાથે ઢોર જેવા થવાય ત્યારે માંડ બે પૈસા મળે. લોકોની આર્થિક હાલત ઘસાયેલી અને કુરિવાજો અને કુરૂઠિઓ પાર વિનાની. ગામ વચ્ચે સ્કૂલ એવી જગ્યામાં કે શાકવાળી ઘૂસી આવેને ફેરિયા પણ આવે . કયારે ખેતરે જતાં વાલી પણ માથે ટોકર સાથે વર્ગખંડમાં ઘુસી આવેને ચાલુ ક્લાસે પોતાના પુત્રને કે પુત્રીને ઉદ્દેશીને કહે "કોઠલામાં પડેલો ગોળ રોટલો બધો ના ખૈ જતો. અડધો રોટલો તારી બુન ઓલે રાખજે. લે આ ઘરની ચાવી." કહી ખેતરે જવા નીકળી જાય અને વર્ગખંડમાં હાસ્યનું મોજું ફરીવળે અને સાહેબ મરકમરક હસતા ઊભા હોય અને ફરી ભણવાનું શરૂ થાય. દેખાવમાં ઊંચા તગડા વિદ્યાર્થીઓ શિસ્તમાં અને ભણવામાંય પાછળ. એમને શિસ્તબદ્ધ કરવામાં સાહેબનું યોગદાન મોટું રહ્યું છે. ગામની પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ આવે અને એમની ખરી કેળવણી શરૂ થાય. સાહેબનું પહેલું કામ આઠમા ધોરણમાં આવેલા વિદ્યાર્થીઓની સુટેવો વિકસાવવા માટેના પ્રયોગો અને મથામણ શરૂ થાય. વિદ્યાર્થીઓની વાંચન ટેવ વિકસાવવા દરેકને ફરજિયાત નાની નાની પુસ્તિકાઓ આપવી, અક્ષરો સુધારવા માટે શાહીવાળી પેનથી લખવાની શરૂઆત કરાવવી આવી આવી તો કેટલીયે ટેવો વિકસાવવા અને કુટેવો દૂર કરવા કનુભાઈ સાહેબ સતત ઉત્સાહી અને તત્પર. એ વખતે વાળની વંણાજી કહો કે સુધરેલી ભાષામાં કહો તો ફેશન. મિથુન કટ કે સંજુબાબાની જેમ પાછળ લાંબી લટો વધારવાની ફેશન. પણ આવું તે કાંય હાઈસ્કૂલમાં તો કેમ ચાલે? સર આવા ઘણાને બોચીમાંથી ઝાલે. લટો કાતરથી લેવડાવે. ગામના વાળંદભાઈને ફકત હાઈસ્કૂલ કટ કહીએ એટલે તે એવા બાલ કરી આપે. મેલથી ભરેલા નખ પણ દર અઠવાડિયે નક્કી કરેલ દિવસે પ્રાર્થના પછી ચેક થાય અને ફેશનેબલ કે મેલા નખ માટે સજા પણ થાય . આ બધુંય વિદ્યાર્થીઓના ઘડતર માટે જરૂરી હતું. એ હવે સમજાય છે. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમનો એ જમાનો. વાલીઓ પણ સજાગ અને સંતાનોની સાચી કેળવણીના ઈચ્છું એટલે જણે સોનામાં સુગંધ ભળી. શાળાના વિવિધ કાર્યક્રમોના આયોજન અને સંચાલનમાં પણ સાહેબનો સિંહ ફાળો રહ્યો છે. નાના નાના નાટક(સ્ક્રીપ્ટ) એકાંકી દ્વારા ગામના કુરિવાજો પ્રત્યે લોકોને જાગૃત કરવા અને તે દૂર કરવા પણ ભારે જહેમત ઉઠાવી હતી. આ લખનારે ભજવેલું 'શેઢો'અને 'પાણીઢોળ' એકાંકી તેનું સાક્ષી છે. એક કર્તવ્યનિષ્ઠ , ચીવટ અને ચોકસાઈના પર્યાય રૂપ , સાચા માર્ગદર્શક , શિક્ષક તરીકે એક મૂર્તિમંત આદર્શ રૂપે આપના આશીર્વાદ અમને મળતા રહે અને અમે તમારા પગલે ચાલી શકીએ એવી અભિલાષા. રંગાકુઈ ગામ ને રૂડું અને રૂપાળું બનાવવામાં અને વિવિધ રંગો પૂરવામાં પાયામાં જે મહેનત કરી છે એ માટે ગામ હંમેશા આપનું ઋણી છે. પૂર્વ આચાર્યશ્રી રામજીભાઈ સાહેબ, રમણભાઈ સાહેબ, દેવજીભાઈ સાહેબ , ડાહ્યાભાઈ સાહેબ, શંકરભાઈ સાહેબ, માનસિંહભાઈનું સ્મરણ થઈ આવે છે.
આજના દિવસે આપણા લાડીલા સાહેબ નોકરીમાંથી નિવૃત થયા. સાહેબનું આરોગ્ય સારું રહે નિવૃત્તિમય સમયમાં મનગમતું કામ કરી શકે. ગુજરાતી ભાષા અને સમાજ ઘર પરિવાર સાથે યથાશક્તિ સેવા કરી આનંદમય જીવન પસાર કરી શકે એવી પ્રાર્થના. વંદન વંદન ડો. બિપિન ચૌધરી
રંગાકુઈ
ફોટો સૌજન્યથી અરવિંદ જે અને જગદીશ પરમ જવેલર્સ
🙏🙏💐💐


ટિપ્પણીઓ