મા ભાષા

 #માતૃભાષા_દિવસ  🌹(માતૃભાષાનો વૈભવ)🌹


મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! આપ માતૃભાષાને ચાહો છો. ભાઈ ! આજના આ દિવસનો  હેતુ પણ  આપણી માતૃભાષા છે. આપણે બધા દૂર દૂર સુધી જોડાયેલા છીએ તે પણ આપણી માતૃભાષાને કારણે જ તો…

                    ~~~~~~~~~~~

▪આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. 

▪આપણને સપનાં પણ માતૃભાષામાં જ આવે છે. ▪માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. 

▪આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં.

▪હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે. 

▪આપણે પ્રેમ કરીએ , થોડો કજિયો કરીને રિસાઈએ - રડીએ , કિટ્ટા કરીએ કે વહાલ ! બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે. 


⚜આપણી માતૃભાષા ગુજરાતી અજબગજબની છે⚜

એમાં સગાં - વહાલાં માટે , અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે. જેમકે .......


                  મામા મામી , માસા માસી , 

                  ફોઈ ફુવા , બહેન બનેવી , 

               નણંદ નણદોઈ , સાસુસસરા , 

                સાળા સાળી , ભાઇ ભાભી , 

             જેઠ જેઠાણી ,, દિયર દેરાણી વગેરે. 


⚫ ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોનીય મઝા છે. તમે મને આ શબ્દોના અર્થ લખી મોકલજો હો કે ! 


               • કાગાનીંદર, • દાધારંગી,   • શિરામણ , 

               • ગોફણ,      • નણદોઈ,    • ઝાલરટાણું , 

               • ગામતરું,   • સપ્તપદી,    • ઘડામણ , 

               • સુકવણી,   • પાણિયારું, • પાધરું , 

               • દહીંથરું,    • કંકાવટી,     • ડામશિયો! 


..............અરે આવા તો ઢગલો શબ્દો મળશે.............


🔷 ગુજરાતીમાં તો દરેક પશુ બોલે એને માટે નોખા નોખાં ક્રિયારૂપો છે. અરે વાહ ભૈ ! જો સાંભળો : 


              🐃ભેંસ રેકે છે. 

              🐂ગાય ભાંભરે છે.

              🐮બળદ બાંગડે છે. 

              🐺શિયાળ રડે છે. 

              🐈કૂતરું ભસે છે. 

              🐐બકરી બેં - બેં કરે છે. 

              🐪ઊંટ ગાંગરે છે. 

              🦄ગધેડું ભૂંકે છે. 

              🐎ઘોડો હણહણે છે. 

              🐅વાઘ ત્રાડે છે. 

              🦁સિંહ ગર્જે છે. 

              🐘હાથી રણકે છે.


🔮 વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. 


ટેબલ , ટિકિટ , ઑફિસ , સ્ટેશન , બસ , ટ્રક , ખુરશી , મેજ , ખુશી , અરજી , હકીકત , જામ વગેરે .  આવા તો કેટલાય શબ્દો છે. અમર કથાઓ 


🎊 તમને યાદ હશે ! આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતાં હતાં ! કેટલાંક વાક્યો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો !

    

                (૧) લીમડી ગામે ગાડી મલી ! 

                (૨) જા રે બાવા બારે જા ! 

                (૩) જો ચુનિયા નીચુ જો

                (૪)જો પસા સાપ જો

                (૫)નટુ નટુ બારીમાં જો મારી બા ટુન ટુન     


ડાબેથી વાંચો કે જમણેથી વાંચો : અર્થ તો એ જ ! એવી જ શબ્દરમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતાં ને મજા આવતી ! કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી ક્યાંય નહિ જ .....!


હા..., ગુજરાતીમાં - માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ , તર્કશક્તિ વધુ ખીલે છે. 

માતૃભાષા જન્મ ગળથુથીમાંથી મળે છે.

આપણાં માબાપ - ઘર - કુટુંબ - ગામ - સમાજની એ દેણગી છે. 

એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. 

આપણા જીવનની પરંપરાઓ – રૂઢિઓ બધું શબ્દ - શબ્દ સંઘરેલું છે. 


રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતાં કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે – મજબૂત બનાવે છે. મા તે મા બીજા બધા વગડાના વા ! 

          આપણને જન્મ આપનારી બા, 

          અને બા - ની ભાષા તે માતૃભાષા, 

          ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા - માટી ; 

આ ત્રણેનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. 


ગાંધીબાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે..જો કે આજેય લોકો મોહમાં અંધ છે , અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી. 


પણ હવે ધીમે - ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે - ૨૫ ભાગમાં ! દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધાં જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. 


                    ✍ કલ્પેશ ડાભી.

       સંદર્ભ - ધોરણ-૮ - ગુજરાતી પાઠ્યપુસ્તક

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3