વાગ્દત્ત' અને 'વાગ્દત્તા' વિશે સમજ
પ્રશ્ન : 'વાગ્દત્ત' અને 'વાગ્દત્તા' વિશે સમજ આપશો.
ઉત્તર : વ્યાકરણની દૃષ્ટિએ 'વાગ્દત્ત' શબ્દ સાચો છે, પણ વ્યાવહારિક રીતે યોગ્ય નથી, કેમકે ભારતીય હિન્દુ સમાજમાં કન્યાનું દાન કરવામાં આવે છે, કુમારનું નહીં. જૂના કાળમાં જ્યારે કાયદાકીય રીતે લગ્નની લેખિત નોંધ કરવામાં આવતી ન હતી ત્યારે વાણી કે વચનનું મૂલ્ય હતું; એના અનુસંધાને ઘણીવાર દીકરીના સંબંધ - સગાઈ કે લગ્ન (કન્યાદાન) બાબતે વાણી દ્વારા વચન આપવામાં આવતું. આ બાબતને 'વાગ્દાન' (અર્થાત્ સગપણ, કન્યા આપીશ એમ કહેવું) કહેવાય, અને જે કન્યાનું આ પ્રમાણે વાણી દ્વારા દાન થયું છે તેને 'વાગ્દત્તા' કહેવાય છે. એવા પણ દાખલા છે કે પુત્ર કે પુત્રી ગર્ભમાં હોય ત્યારે જ સંબંધ-સગપણના કૉલ - વચન અપાઈ ગયાં હોય, જો બંને દીકરીઓ કે દીકરાઓ જન્મે તો વચન ફોક કરવાનું. જો એક કુમાર અને એક કન્યા જન્મે તો સંબંધ જાળવવાનો. 'વાગ્દત્ત - જેનો વિવાહ કરવાની કબૂલાત મોઢેથી આપી હોય તેવું' શબ્દ ભગવદ્ગોમંડલમાં છે. સ્ત્રીલિંગ શબ્દ 'વાગ્દત્તા'નો ઉલ્લેખ નથી; સાર્થ જોડણીકોશમાં 'વાગ્દત્તા' (અર્થાત્ જેનું વાગ્દાન થયું હોય - સગપણ થયું હોય તેવી કન્યા) એવા સ્ત્રીલિંગ શબ્દનો ઉલ્લેખ છે. આ કોશમાં 'વાગ્દત્ત' શબ્દનો ઉલ્લેખ નથી.
મારા મતે ભારતીય સંસ્કૃતિમાં 'કુમાર' કે 'વર'નું દાન થતું નથી એટલે 'વાગ્દત્ત' એવો શબ્દ તાર્કિક રીતે યોગ્ય ન ગણાય, પણ કન્યાનું દાન થાય છે એથી 'વાગ્દત્તા' યોગ્ય ગણાય.
કેટલાક લોકો કહે છે કે અંગ્રેજીમાં 'વાગ્દત્તા'નો અર્થ દર્શાવતો 'ફિયાન્સી' અને વાગ્દત્ત એવો અર્થ દર્શાવતો 'ફિયાન્સ' શબ્દ મળે છે. તો અહીં એ સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે અંગ્રેજીમાં જે 'ફિયાન્સ' અને ફિયાન્સી' શબ્દ છે, તે ભારતીય સંસ્કૃતિની પરંપરાને અભિવ્યક્ત કરતો નથી. અંગ્રેજીમાં ફક્ત સગાઈ થયાનો જ ભાવ છે, એ ફોક થઈ શકે, કેમ કે ત્યાં કોઈ વચનબદ્ધતા હોતી નથી, પણ 'વાગ્દાન' થકી જે 'વાગ્દત્તા' થયેલી છે, તે સંબંધ કોઈ પણ ભોગે ફોક ન કરી શકાય. (ભારતીય સંસ્કૃતિમાં તો તલાક, છૂટાછેડા, ડીવોર્સ એવા કોઈ શબ્દો જ નથી. હિન્દુ પરંપરામાં વિવાહ એ જનમોજનમનું અતૂટ બંધન છે, એનો કોઈ પણ કાળે વિચ્છેદ થઈ શકતો નથી, પણ હાલની સ્થિતિ થોડી અલગ છે. પશ્ચિમી વિચારધારાને અનુસરીને હાલમાં વિવાહ - સંબંધ વિચ્છેદ સામાન્ય થઈ ગયા છે.) અંગ્રેજીમાં ભલે લિંગ પરિવર્તન થકી 'ફિયાન્સ' શબ્દ હોય, પણ ગુજરાતીમાં 'વાગ્દત્તા'નું 'વાગ્દત્ત' ન કરી શકાય, કેમ કે આપણી પરંપરામાં વાણી થકી કુમારનું દાન થતું નથી.
~ અજિતકુમાર મોતીભાઈ ભાલૈયા
આચાર્યશ્રી,
ડો. સી. આર. ગારડી વિધામંદિર
મુ. કુંવારદ, તા - શંખેશ્વર,
જિ - પાટણ
મો. ૭૬૯૮૭૯૯૧૦૧
ટિપ્પણીઓ