અંબા અભયપદ દાયિની રે !

 અંબા અભયપદ દાયિની રે  !

શ્યામા સાંભળજો સાદ ભીડભંજની,

અંબા અભયપદ દાયિની રે !


હેમ હિંડોળે હિંચકે રે,

હિંચે આરાસુરી માત ભીડભંજની,

અંબા અભયપદ દાયિની રે !


સખીઓ સંગાથે કરે ગોઠડી રે,

આવી આઠમની રાત ભીડભંજની,

અંબા અભયપદ દાયિની રે !


સર્વે આરાસુર ચોકમાં રે,

આવો તો રમીએ રાસ ભીડભંજની,

અંબા અભયપદ દાયિની રે ! 


-- આ પ્ર-લંબ અને પ્ર-ખ્યાત અંબા-સ્તુતિ (ગરબો) સમગ્ર ગુજરાતી સમાજમાં, દેશ-પરદેશમાંય, અતિ લોકપ્રિય છે.અનેક ગાયકો/ગાયિકાઓએ આ ગરબાનું ગાન કરીને તેને વિશેષ લોકપ્રિયતા બક્ષી છે.


આ રચનાની પ્રત્યેક કડીમાં 'ભીડભંજની' શબ્દ રિપિટ થયા કરે છે. 

ભીડ = દુઃખ ,સંકટ,આપત્તિ 

ભંજવું = ભાંગવું,તોડવું,નષ્ટ કરવું

ભંજન = ભંજક, ભાંગનાર,તોડનાર.

ભીડભંજન = દુઃખ ભાંગનાર દેવ 

આ 'ભીડભંજન'નું સ્ત્રીલિંગ નામ થયું 'ભીડભંજની' 

ભીડભંજની = સંકટ મટાડનાર દેવી 


શ્યામા સાંભળજો સાદ ભીડભંજની !


આ ગરબાનો લાલિત્યપૂર્ણ લયહિલ્લોળ, કાઠિયાવાડી લહેકો અને લોકભોગ્ય, ગેયતાપૂર્ણ, સાદગીપૂર્ણ પદાવલિ આ રચનાને વિશેષ રમ્ય,રમણીય, રળિયામણી બનાવે છે.


આ લોકપ્રિય રચનાના રચનાકાર કોણ ? 


અંતિમ કડીમાં રચનાકારનું નામ આવે છે.


જુઓ : 


પ્રગટ પરચો આપનો રે,

દયાકલ્યાણ કોઈ ગાય ભીડભંજની,

અંબા અભયપદ દાયિની રે ! 


આ ગરબાના સર્જક છે 'દયાકલ્યાણ' :


આ 'દયાકલ્યાણ' કોણ ? 

કેટલા ગુજરાતીઓને આની જાણ હશે ?


( કલમ અને વાણીના મર્મી શ્રી સાંઈરામ દવેએ એમની 'દિવ્યભાસ્કર'ની સાપ્તાહિક કોલમમાં બે-ત્રણ વર્ષ અગાઉ આ 'દેવકલ્યાણ' વિશે લખેલ, તેનું આ તકે  સ્મરણ થાય છે. આ સિવાય ભાગ્યે જ કોઈનું આ તરફ ધ્યાન ગયું છે.) 


આવો, આ 'દયાકલ્યાણ'ની ઓળખાણ કરાવું  ! 


'દયાકલ્યાણ' એ મા અંબાના પરમ ભક્ત- કવિ એવા બે પિતરાઈ ભાઈઓનું સંયુક્ત નામ છે. (ગુજરાતી સંગીતકાર બંધુ-બેલડી कल्याणजी-आणंदजी ની જેમ ) 


દયા એટલે દયાશંકર ગૌરીશંકર દવે.

કલ્યાણ એટલે કલ્યાણજી ગોપાલજી દવે.

આમ, દયાશંકર/કલ્યાણજીનું સંયુક્ત નામ એટલે 'દયા-કલ્યાણ' : 


આજથી 136 વર્ષ અગાઉ એટલે કે વિક્રમ સંવત 1944માં સૌરાષ્ટ્રના મોરબી ખાતે શ્રીમાળી બ્રાહ્મણ પરિવારમાં દયાશંકર ગૌરીશંકર દવેનો જન્મ.

એમનાથી બે વર્ષ મોટા તેમના પિતરાઈ ભાઈ કલ્યાણજી ગોપાલજી દવે.


નાનપણમાં જ માતા 'રેવાબા'નું છત્ર ગુમાવનાર દયાશંકર એમનાં દાદી 'અંબા' ડોશીના ખોળામાં ઊછરીને મોટા થયા અને 'મોટા' થઈને મા 'અંબા' ના પરમ ઉપાસક અને આરાધક બન્યા એ પણ કેવો યોગાનુયોગ ! 


બાલ્યકાળથી જ માતાજીના ગરબા, સ્તુતિ, સ્તવન,સ્તોત્રો કાને પડતાં ગયાં અને આ બંધુ-બેલડી જોતજોતામાં આદ્યશક્તિ અંબામાના રંગમાં રંગાતી ગઈ.


આ બંધુ-બેલડીએ ગરબા/સ્તુતિ/પદ/ધોળ/કિર્તન પ્રકારની સેંકડો સહિયારી  રચનાઓનું સર્જન કર્યું 'દયાકલ્યાણ'ના નામથી.


જેમ કે -

ધડ ધડ ધડ નગારા વાગે રે,

સૂતા લોકડિયા જાગે રે,

મા અંબા ભલે પધારે ! 


આ કલ્યાણજીભાઈ દવેએ સંવત 1980માં स्कंदपुराणમાં કથિત 'જીવંતિકા વ્રત' શોધી કાઢીને તેને લોકાભિમુખ બનાવ્યું.

આ બંધુ-બેલડીએ સંશોધિત કરેલ 'જીવંતિકા વ્રત' આજે સમગ્ર સૌરાષ્ટ્ર /ગુજરાત/ભારત અને વિદેશોમાંય લાખ્ખો ગુજરાતી ગૃહિણીઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલ છે.


કાળક્રમે 'દયાકલ્યાણ'નાં પરિવારજનો મોરબીથી રાજકોટ સ્થળાંતરિત થયા અને રજપુતપરા, શેરી નં. ર, રાજકોટ ખાતે 'જીવંતિકા આદ્યસ્થાન'ની સ્થાપના કરી,જ્ યાં આજે પણ નિયમિત રીતે  જીવંતિકા માતાનાં ધૂન/ભજન/કીર્તન /ઓચ્છવ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે.

રાજકોટ ખાતેના આ 'જીવંતિકા આદ્ય સથાન'ના ગાદીપતિ તરીકે હાલ  'દયાકલ્યાણ'ના વંશજ અને પ્રકાંડ પંડિત શ્રી ઐંપ્રસાદ જયઅંબેપ્રસાદ દવે બિરાજમાન છે.


દયાકલ્યાણે અંબા/જીવંતિકા માતાના ગરબા/સ્તુતિઓ ઉપરાંત 'કમલાખ્યાન/ વસ્તાલાલ આખ્યાન/ સુદર્શન ચરિત્ર' જેવી કૃતિઓનું પણ સર્જન કરેલ છે.


દયાશંકર પાછલી વયે કોઈ સંબંધીને મળવા કલકત્તા ગયા, જ્યાં સંવત 2010 માં તેમનું દેહાવસાન થતાં કલ્યાણજીભાઈને આ બાબતનો બહુ આઘાત લાગ્યો અને હવે પછી કોઈ ગરબા/ગરબી/સ્તુતિની રચના નહીં કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી. જો કે પછીના 6 મહિનામાં જ કલ્યાણજીભાઈ પણ મા અંબાની ગોદમાં સમાઈ ગયા સદાને માટે.


આપણે ત્યાં બે મિત્રોએ /ભાઈઓએ સહિયારી સાહિત્યિક રચનાઓનું સર્જન કર્યું હોય એવાં ઉદાહરણો જૂજ છે.

જેમ કે- 

કવિમિત્રો રમેશ પારેખ/ અનિલ જોશીની નીચે જણાવેલી એક સહિયારી રચના બહુ લોકપ્રિય થયેલ છે અને સ્વરાંકિત થઈને ગવાયેલ પણ છે અનેક ગાયકો દ્વારા : 


ડેલીએથી પાછા મ વળજો હો શ્યામ,

મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં ! 


આ પ્રકારનાં સ્વલ્પ સહિયારાં સાહિત્યિક સર્જનમાં અપવાદ રૂપ છે 'દયા-કલ્યાણ'ની આ બંધુબેલડી. સેંકડો ગરબા/ગરબી/પદો અને સ્તુતિઓનાં સર્જન દ્વારા ગુજરાતી સંત-કવિઓની શક્તિ-આરાધનાને આગળ વધારી છે આ બંધુ-બેલડીએ.


અંબા અભયપદ દાયિની રે,

શ્યામા સાંભળજો સાદ ભીડભંજની,

અંબા અભયપદ દાયિની રે ! 


ઉક્ત રચના કાને પડે ત્યારે તેની સર્જક બંધુ-બેલડી 'દયા-કલ્યાણ'ને પણ યાદ કરજો ભાવપૂર્વક ! 


નમન એ ભક્ત/કવિ બંધુ-બેલડીની કલમચેતનાને.


-- આર.પી.જોશી - રાજકોટ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3