ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો : એક અભ્યાસ

 પૂર્વ પ્રાચાર્યા હંસાબેન દવેની આ પૉસ્ટ દરેક ગુજરાતીએ વાંચવી જ જોઈએ.

----------------------------------------

ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો : એક અભ્યાસ

---------------------------------------- 

સંસ્કૃત ભાષા જેની જનની છે અને જે ભાષાના શબ્દપ્રવાહને ઉર્દૂ , ફારસી અંગ્રેજી ભાષાના શબ્દોએ પુષ્ટ કર્યો છે તેવી ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો પર આજે એક નજર નાખીએ, તેનો અભ્યાસ કરીએ.


ગુજરાતી ભાષાની એક વિશિષ્ટતા એ છે કે પ્રસંગ અને હેતુને સ્પષ્ટ કરતા શબ્દો અને શબ્દસમૂહનો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવે છે. મૃત્યુને આપણે અમંગલ માનીએ છીએ તેથી કોઈ પણ માણસ મૃત્યુ પામ્યો હોય તેમ આપણે કહેતા નથી. મૃત્યુ માટે - મોટે ગામતરે ગયા, પાછા થયા, દેવ થયા, કૈલાશવાસી થયા, વૈકુંઠધામ સિધાવ્યા, તો જૈન હોય તો અરિહંતશરણ પામ્યા એવા શબ્દ પ્રયોગો કરવામાં આવે છે. અને બને ત્યાં સુધી વાતચીતમાં મૃત્યુ મરણ વગેરે શબ્દો ટાળવામાં આવે છે.

આ જ રીતે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તો તે રાંડી કે વિધવા થઈ તેમ કહેવાને બદલે તે દુખાણી કે તેવા શબ્દપ્રયોગો વપરાય છે. આવો જ એક પ્રયોગ છે ખૂણો પાળવો, કે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તે સ્ત્રી લગભગ એકાદ વરસ કે ઓછામાં ઓછા છ મહિના ખૂણો  પાળે છે એટલે કે ઘરની બહાર નીકળતી નથી. એટલે ખૂણો પાળવો શબ્દ પણ કોઈક રીતે મૃત્યુ સાથે સંકળાયેલો છે. માનવને બાળવા માટે લાકડાં વપરાય છે તે જ લાકડાં તો યજ્ઞ કરવાના પવિત્ર કામમાં વપરાય તો તે સમિધ કહેવાય છે. આજે તો રસોઈ બનાવવા માટે ગેસ વપરાતો થયો છે પણ જે જમાનામાં લાકડાં બાળીને રસોઈ કરવામાં આવતી ત્યારે રસોઈ માટે વપરાતાં લાકડાં તે મગબાફણા કહેવાતા. આમ  સમિધ અને મગબાફણા એ લાકડાં વાપરવાનો હેતુ સ્પષ્ટ કરે છે. 


આ જ રીતે દીવો બુઝાયો એ શબ્દ પણ જગત કે સમાજને ઉજાળનાર વ્યક્તિ જ્યારે જીવન લીલા સંકોરે ક્યારે વપરાતો. ભગવાન સામે આપણે જ્યારે દીવો કરીએ ત્યારે તે દીવો પ્રકાશ આપતો બંધ થાય ત્યારે તેની પવિત્રતાને અકબંધ રાખવા માટે આપણે દીવો રામ થયો એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. 


એક જમાનામાં સ્ત્રી જ્યારે વિધવા થતી ત્યારે તેણે કરેલી બંગડી કે ચૂડી પથ્થર પર હાથ પછાડીને ફોડવામાં આવતી એટલે બંગડી ફૂટી ગઈ એ શબ્દ પ્રયોગ સૌભાગ્ય વતી સ્ત્રી માટે વપરાતો નહીં. એના માટે "બંગડી નંદવાણી", "ચૂડી નંદવાણી" ,શબ્દ વપરાતો આ "નંદવાણી" શબ્દ પ્રયોગ જાણે કે સ્ત્રીના સૌભાગ્યનો રક્ષક માનવામાં આવતો.


આવો જ એક અર્થભેદ "નારિયળ" અને "શ્રીફળ" વચ્ચે હતો. પૂજા કે યજ્ઞના પવિત્ર કાર્ય માટે જે વપરાય તે શ્રીફળ અને રસોઈ કે મીઠાઈ બનાવવા માટે જે વપરાય તે નાળિયેર. પ્રભુની  સામે પ્રસાદ તરીકે જે શ્રીફળ ધરાવાય તે શ્રીફળ વધેર્યું તેમ કહેવાય નારિયેળ ફોડ્યું તેમ ન બોલાય.  પરંતુ આજના કોન્વેન્ટિયા કલ્ચરમાં શબ્દોની આવી વિવિધ અર્થચ્છાયાને કોણ સમજી શકે ?


આવી જ રીતે લગ્ન સાથે સંકળાયેલા વિવિધ શબ્દો સાથે પણ માંગલ્ય અને પવિત્રતા સંકળાયેલાં છે. પાનેતર મંગળસૂત્ર, ચોરી, સપ્તપદી, પીઠી અને મીંઢળ આ પ્રત્યેક શબ્દ સાથે ગૃહસ્થજીવનની પવિત્રતા અને માંગલ્ય સંકળાયેલા છે.


આવું જ અર્થ વૈવિધ્ય દાન અને ભીખમાં પણ સમાયેલ છે. દાન એ આપનાર તથા લેનારને ગૌરવ અપાવે છે. "ભીખ"માં લેનારની લઘુતા અને આપનારની મોટાઈ સંકળાયેલાં છે. 


લગ્ન સાથે સંકળાયેલા બીજા શબ્દો "લુણવંતી", "ગોરી" "અણવર", "વર બેડલું"અને "પાટલા સાસુ" દરેક શબ્દની પોતાની  શોભા છે અને આ અનોખી છતાં જ કંઈક જુદી વાતો કહી જાય છે. 

પુનર્લગ્ન માટે ખાસ કરીને તળપદી ભાષામાં ઘરઘરનું  અને નાતરું આ બે શબ્દો વપરાય છે. એક વિધવા સ્ત્રી જ્યારે પોતાના નવા સંસારમાં એક બાળક લઈને પ્રવેશે છે ત્યારે તે બાળક આંગળિયાત તરીકે ઓળખાય છે. લગ્ન સાથે સંકળાયેલો એક શબ્દ છે  "આણું". જ્યારે બાળલગ્નની પ્રથા પ્રચલિત હતી ત્યારે બાળકી નાની હોય ત્યારે તેનાં લગ્ન થઈ જતાં પણ પછી તે વયમાં આવે ત્યારે તેને આણું વળાવી અને સાસરે  વળાવવામાં આવતી.  આણામાં મા-બાપ સ્થિતિ પ્રમાણે જર અને ઝવેરાત આપતાં. ખાસ કરીને ગરાસિયા તથા કાઠી કુટુંબોમાં દીકરીનું આણું ધામધૂમથી વળાવવામાં આવતું. આણું - એ નામની ઝવેરચંદ મેઘાણીની વિખ્યાત લોકકથામાં આ પ્રથાનો સુંદર ઉલ્લેખ છે. સૌરાષ્ટ્રમાં મહુવા ગામના ભવાની માતાના મંદિરના પરિસરમાં જેનું શૂટિંગ થયું હતું તેવી ભુવનસોમ નામની ફિલ્મમાં પણ આનો ઉલ્લેખ છે. લગ્ન સાથે સંકળાયેલો એવો બીજો વિશિષ્ટ પ્રયોગ છે વરોઠી. જે જમાનામાં રિસેપ્શન નહોતું અને લગ્ન એટલે આઠ દિવસનો નહીં તો પણ ઓછામાં ઓછો ત્રણ દિવસનો કાર્યક્રમ તો હતો જ તે વખતમાં જાન લઈને આવેલ ખમતીધર ઘરના વરરાજાના બાપા, કન્યાના મંડપમાં જ પોતાના તરફથી  પક્ષનાં સગાંવહાલાંને જે હરખજમણ આપતા તે વરોઠી કહેવાતું.  બહુ ઓછા ખમતા પહોંચતા વેવાઈઓ જ આ પ્રકારની વરોઠી કરતા અને વરોઠી કરનાર વરપક્ષના વડીલો નાતમાં આગળ પડતા ગણાતા.


લગ્ન પછીનો સ્ત્રીજીવનનો અગત્યનો પ્રસંગ એટલે સીમંત.  આ પ્રસંગે ઘરમાં રાંદલમાને તેડું કરવામાં આવતું. રાંદલમાની સ્થાપના કરી તેની સામે જ સીમંતની સ્ત્રીનો ખોળો ભરવામાં આવતો. ખોળો ભરવાની વિધિ અખોવન સ્ત્રી કરતી. અખોવન એટલે એક એવી સ્ત્રી કે જેને એક પણ કસુવાવડ ન થઈ હોય.  જેનાં બધાં જ બાળકો જીવિત હોય. આવી સ્ત્રી સીમંતિનીનો ખોળો ભરી તેને આશીર્વાદ આપતી તથા તેના આવનાર બાળકની આવરદા વધારતા મૂંગા આશિષ આપતી. 


સ્ત્રીને સગર્ભાવસ્થા દરમિયાન તેને થતી ઇચ્છા માટે દોહદ શબ્દ વપરાય. સીતાજીને આ અવસ્થામાં વનદર્શનની ઇચ્છા થઈ હતી. તે પછી લક્ષ્મણજી તેમને વનમાં લઈ ગયા અને પછી વાલ્મીકિના આશ્રમમાં જ તેમને રાખ્યાં. મગધરાજ બિંબિસારની રાણીને પણ નરમાંસ ખાવાના દોહદ થયા હતા તેવો ઉલ્લેખ પણ ઇતિહાસમાં મળે છે. 


આવો જ એક વિશિષ્ટ શબ્દ છે "પાળિયો". સૌરાષ્ટ્રમાં જ્યારે કાઠી અને ગરાસિયા શાસન કરતા હતા ત્યારે ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીનું ખાસ રક્ષણ કરવામાં આવતું. આ ત્રણેયના રક્ષણ  કરનાર અનેક નવલોહિયા ક્યારેક નવપરિણીત જેના હાથનાં મીંઢળ પણ ન છોડવામાં આવ્યાં હોય એવા યુવાનોએ પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીના શીલની તથા તેના પ્રાણીની રક્ષા કરી હોય એવા વીર પુરુષોની સ્મૃતિમાં ગામને પાદરે એક પથ્થર મૂકવામાં આવતો, જે પાળિયો કહેવાતો તથા ગામની સ્ત્રીઓ વારે તહેવારે આ પાળિયાની પૂજા કરતી. પાળિયા એ વીર પુરુષોને ગામ લોકોએ આપેલ અંજલી હતી.  આજે પણ સૌરાષ્ટ્રનાં અનેક નાનાં નાનાં ગામડાંઓને પાદરે અનેક પાળિયા તેમના વીર પુરુષોની યાદને તાજી કરાવતા ઊભા છે. 


અંગ્રેજી ભાષાના માહાત્મ્યનાં ગાણાં ગાનારાઓ આપણા આ ભાષાવૈભવથી તદ્દન અજાણ્યા છે.  તેનો ખેદ કાયમ રહેશે.

અસ્તુ.


ભાષાશુદ્ધિ અને પ્રસ્તુતિ :

--------------------------------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3