) સંબંધિત - સંબંધી
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૮)
---------------------------------------
(૯) સંબંધિત - સંબંધી
-----------------------------
આ બંને શબ્દો 'સંબંધ' શબ્દ ઉપરથી બનેલા છે. 'સંબંધિત' વિશેષણ છે અને તેનો અર્થ 'સંબંધ ધરાવતું', '-ની સાથે સંકળાયેલું' થાય છે. ' સંબંધી ' વિશેષણ અને અવ્યય બંને છે. વિશેષણ તરીકે તેનો અર્થ - 'સંબંધવાળું' અને 'સગપણવાળું', 'સગું' - થાય છે. પરંતુ અવ્યય તરીકે '- ને વિશે', '- ની બાબતમાં', '- ના સંબંધમાં' થાય છે.
દા. ત.
---------
(૧) પ્રશિક્ષણવર્ગો આગામી મહિનાની પંદરમી તારીખથી શરૂ થશે. સંબંધિત કર્મચારીઓએ તે માટે પૂર્વતૈયારી કરવી.
('સંબંધિત' - કર્મચારીઓનું વિશેષણ છે અને તેનો અર્થ - પ્રશિક્ષણવર્ગોની કામગીરી સાથે સંબંધ ધરાવતા કર્મચારીઓ - એવો થાય છે.)
(૨) આ કલમમાં મિલકતના ભોગવટા સંબંધી જોગવાઈઓ છે.
('સંબંધી' અવ્યય છે અને તેનો અર્થ - ભોગવટાની બાબતમાં, ભોગવટાવિષયક - થાય છે.)
-ને વિશે, -ને માટે, -ને અંગે, -ની બાબતમાં - જેવા અર્થમાં લખવાનું હોય ત્યારે 'સંબંધી' લખાય. પરંતુ આ રીતે અવ્યયના અર્થમાં 'સંબંધિત' લખાતું હોવાની ભૂલ ઘણીવાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે - "વિદ્યાર્થીઓએ ઉપયોગી પુસ્તકો સંબંધિત જાણકારી રાખવી જોઈએ" - એવું ન લખાય, અહીં "પુસ્તકો સંબંધી જાણકારી" - એમ લખાય.
સૌજન્ય :
------------
ભાષાગૌરવ
ભાષા નિયામકની કચેરી
ગુજરાત રાજ્ય
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
ટિપ્પણીઓ