વાક્કૌશલ (વાક્ + કૌશલ)...3
વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૩)
----------------------------------------
વાણીનું સ્વરૂપ : વાણીનું પંચામૃત
----------------------------------------
પ્રા. ધીરેન્દ્ર રેલિયાના પુસ્તક "વાણીને ઝરૂખેથી"માં આ વાત 'વાણીનું પંચામૃત' શીર્ષક હેઠળ સરસ રીતે સમજાવી છે. એ વાંચવાથી આપણી વાણી કેવી હોવી જોઈએ તે સમજાશે.
(૧) સુંદરતા
----------------
વાણી સતત સાંભળવી ગમે તેવી સુંદર, મનહર ને મનભર હોવી જોઈએ.
(૨) સચોટતા
------------------
સાંભળનારને સ્પર્શી જાય અને ગળે ઘૂંટડો ઊતરી જાય તેવી સચોટ ભાષા હોવી જોઈએ.
(૩) સહજતા
------------------
વાણી દંભ વગરની સહજ ને સ્વાભાવિક હોવી જોઈએ.
(૪) સરળતા
-----------------
ભાષા સૌને સમજાય તેવી સરળ ને લોકભોગ્ય હોવી જોઈએ.
(૫) સંક્ષિપ્તતા
--------------------
ભાષા સંક્ષિપ્ત અને મિતાક્ષરી હોવી જોઈએ. તાર કરતી વખતે દરેક શબ્દને તોળીએ તેમ વક્તાએ તોળીતોળીને શબ્દ વાપરવા જોઈએ.
આ પંચામૃતમાં થોડું ઉમેરીએ :
(૧) સ્નેહાળ
-----------------
વાણી સ્નેહસભર, મનના ઘા ભરે તેવી હોવી જોઈએ.
(૨) સત્ય આધારિત
--------------------------
સત્યની પ્રતિષ્ઠા કરે એવી ભાષા હોવી જોઈએ.
વાણીનું આવું સ્વરૂપ ઇષ્ટ છે. એવું થાય તો આ જગત નંદનવન બની જાય.
વાણીનો મર્મ
-----------------
જૈન મુનિ શ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજ સાહેબે એમના એક પુસ્તક "શબ્દોનું સૌંદર્ય"માં માર્મિક રીતે વાણીનું વર્ણન નીચે મુજબ કર્યું છે :
"આંખ બે, પણ દર્શન એક છે.
કાન બે, પણ શ્રવણ એક છે.
નાક(નસકોરાં) બે, પણ શ્વસન એક છે.
...પણ, જીભ એક જ છે અને એનાં કાર્યો બે છે - (૧) વાદ (૨) સ્વાદ. બંને લોભામણાં અને લલચાવનારાં છે. મૌન રહેવું સહેલું છે; ઓછું, આવશ્યક અને સંયમિત બોલવું અઘરું છે. એવી જ રીતે ઉપવાસ કરવો સહેલો છે; ઓછું ખાવું અઘરું છે. કારણ કે વાદ અને સ્વાદ બંને મોટા ભાગે આપણા મન-અશ્વની લગામ હાથમાં લઈને સવારી કરે છે."
માટે, મુનિશ્રી આગળ પ્રબોધન કરતાં કહે છે કે જીભને કાબૂમાં રાખો. એને ડાબલીમાં સાચવીને રાખો...કારણ કે લીવર, કિડની, ફેફસાં, હૃદય, આંખો જેવાં મહત્ત્વપૂર્ણ અંગોનું પ્રત્યારોપણ (transplantation) શક્ય છે; ચહેરાને પ્લાસ્ટિક સર્જરીથી બદલી શકાય છે...પણ જીભનું પ્રત્યારોપણ શક્ય નથી. જીભ અમૂલ્ય છે. એ મનુષ્ય-ભવને બગાડી પણ શકે છે ને સુધારી પણ શકે છે.
જીભને સંયમિત ન રાખવામાં આવે તો કેવાં પરિણામ આવે એ સમજાવવા મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી સૂત્રાત્મક રૂપે બે સમીકરણો દ્વારા સમજાવે છે :
૦ મંથરાની જીભ + કૈકેયીના કાન = રામાયણ,
૦ દ્રૌપદીની જીભ + દુર્યોધનના કાન = મહાભારત.
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
______________
ટીમ
✍🏼
ટીમ *Limited 10 પોસ્ટ* વતી
સંદીપ જોશી
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર કરવો નહીં)
[23,000 વાચકો, *નિજાનંદ* અને *માતૃભાષાના પ્રસાર* માટે ધબકતું, *Limited 10 ✉ પોસ્ટ* ગ્રુપ, મારી ડિજિટલ પોકેટ 📚 લાઈબ્રેરી]
ટિપ્પણીઓ