વાક્કૌશલ (વાક્ + કૌશલ 5
વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૫)
----------------------------------------
વાણીની વેણીમાં રંગબેરંગી ફૂલો
(સુવાક્યો)
----------------------------------------
+ વાણી - સરસ્વતીના હસ્તાક્ષર...
જનજનને જગાડનારી, જોડનારી અને જીતનારી વાણી;
જનજનના મંગલ માટે વહેતી અને જગદીશ તરફ ગતિ કરાવનારી વાણી તો સ્વયં ભગવતી મા સરસ્વતીના હસ્તાક્ષર છે.
--- પ્રા. ધીરેન્દ્ર રેલિયા
+ તપસ્વી વાણી તો જીવન તણો આધાર લાગે છે,
નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે !
+ જ્યારે શબ્દની પાછળ વિચારનું બળ હોય, ચિંતનનું તત્ત્વ હોય, જીવન સમસ્તનું મંથન હોય અને જીવનના ઊંડા ભાવો હોય ત્યારે એવો શબ્દ મંત્રરૂપ બની જાય છે.
--- ચિત્રભાનુ
+ કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી અને કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી; પણ કોયલ એના વિનય અને મધુરતાભર્યા શબ્દથી જગતને પોતાનું બનાવી દે છે. આમ, વચન સાથે જો વર્તન ભળે તો સમજજો કે જગત તમારું છે.
--- ચિત્રભાનુ
+ ઘણા માણસો પોતાને બોલતાં આવડે છે એમ બતાવવા જતાં, પોતાને બોલતાં નથી આવડતું એ સિદ્ધ કરી આપે છે.
--- ચિત્રભાનુ
+ ઈશ્વરનાં બે પાસાં છે : શબ્દ અને પ્રેમ.
શબ્દ કરે છે પ્રભુની અભિવ્યક્તિ, તો પ્રેમ કરાવે છે અનુભૂતિ. આ સત્ય આપણા હૈયાને અજવાળતું રહે તો શબ્દ અને પ્રેમને આપણે કેવાં પૂજ્ય અને પવિત્ર માનીએ !
--- ચિત્રભાનુ
+ મિત્રો ! બોલતાં આવડે તો જરૂર બોલજો. તમારા હૈયામાં જગતને આપવા જેવો મૈત્રીનો પ્રેમસંદેશ છે એમ તમારા આત્માને લાગે તો જરૂર બોલજો. પણ તમારા બોલવાથી જગતમાં માત્ર શત્રુઓ જ ઊભા થતા હોય, કોઈના દિલને ઠેસ લાગતી હોય, તો મૌન મજાનું છે. આમ મૌન રહેવાથી કદાચ તમારા હાથે માનવજાતનું હિત નહીં થાય તો પણ અહિત તો નહીં જ થાય.
--- ચિત્રભાનુ
+ મને એ હાસ્ય ગમે છે, જે એક સાથે હોઠ અને હૃદય ખોલે છે.
--- વિક્ટર હ્યુગો
+ શ્યામ ! તારી બંસી થઈને બજવું છે મારે,
સૂર છેડવા કેવા, ક્યારે ?
એ જોવાનું તારે !
--- હરિભાઈ કોઠારી
+ लौकिकानां हि साधूनाम्,
अर्थम् वागनुवर्तते ।
ऋषिणाम् पुनर्आद्यानां,
वाचमथों अनुधावति ।।
લૌકિક સજ્જનોની વાણી અર્થને અનુસરે છે, જ્યારે આદ્ય ઋષિઓની વાણીનું તો અર્થ સ્વયં અનુસરણ કરે છે.
--- ભવભૂતિ
મિત્રો,
આ સાથે વાક્કૌશલની શ્રેણી અહીં પૂરી કરું છું. આ શ્રેણીના સમૃદ્ધ વિચારો મને નીચેનાં ચાર પુસ્તકોમાંથી સાંપડ્યા છે :
(૧) વાણીને ઝરૂખેથી
(૨) આદર્શ વક્તાનું ઉપનિષદ
(૩) વકતૃત્વકળા - એક સાધના
આ ત્રણેય પુસ્તકના લેખક પ્રા. ધીરેન્દ્ર રેલિયા છે, અને પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર છે.
(૪) શબ્દોનું સૌંદર્ય
લેખક :મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી
પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ગાંધી રોડ, અમદાવાદ
આદર્શ વક્તા બનવા ઇચ્છતા મિત્રોએ આ પુસ્તકો અવશ્ય વાંચવાં જોઈએ.
(શ્રેણી પૂર્ણ)
પ્રસ્તુતિ :
------------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
______________
ટીમ
✍🏼
ટીમ *Limited 10 પોસ્ટ* વતી
સંદીપ જોશી
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર કરવો નહીં)
[23,000 વાચકો, *નિજાનંદ* અને *માતૃભાષાના પ્રસાર* માટે ધબકતું, *Limited 10 ✉ પોસ્ટ* ગ્રુપ, મારી ડિજિટલ પોકેટ 📚 લાઈબ્રેરી]
*જોડાઓ અમારી સાથે*
ટિપ્પણીઓ