શ્રી

 ગુજરાતી ભાષામાં વાપરતાં સંબોધનો વિશે થોડું ભાષામંથન.

 

• શ્રી

• શ્રીમાન

• શ્રીમતી

• સર્વશ્રી

• શ્રીમદ્દ

• સુશ્રી

• અસૌ.

• ગંસ્વ.

• કુ.

• ચિ.

શ્રીમાનનો લાક્ષણિક અર્થ; શ્રી એટલે લક્ષ્મી-શુભ-પવિત્ર, માન પ્રત્યય છે, -વાળો, ધારણ કરનાર એવા અર્થમાં લગાવાય છે. જેમકે, બુદ્ધિવાળો- બુદ્ધિમાન. એમ, લક્ષ્મી(શ્રી)વાળું- શ્રીમાન એટલે કે ધનવાન. શ્રીમાન પુલ્લિંગ વિશેષણ છે. -માન પ્રત્યયનું સ્ત્રીલિંગ -મતી છે. બુદ્ધિમાનનું સ્ત્રીલિંગ બુદ્ધિમતી થાય. એમ શ્રીમાનનું શ્રીમતી સ્ત્રીલિંગ વિશેષણ છે. 


શ્રી એ શ્રીમાન અને શ્રીમતીનું ટૂંકું રૂપ છે. ટૂંકા રૂપો પછી પૂર્ણવિરામ મૂકાય છે, પરંતુ શ્રી અપવાદ ગણી શકો છો. બહુવચનમાં શ્રીમાનો અને શ્રીમતીઓ લખી શકાય.


યાદ રાખવું કે, ભગવાનના નામની આગળ શ્રી જોડીને લખાય છે, છૂટો નહીં. શ્રીકૃષ્ણ, શ્રીરામ વગેરે.


જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓનાં નામો લખાય ત્યારે પ્રથમ નામની આગળ સર્વશ્રી લખાય છે. એનો અર્થ એ થાય કે અહીં આપેલ તમામ નામો આગળ શ્રી સમજવો. સર્વશ્રી લખવાથી દરેક નામ આગળ શ્રી કે શ્રીમાન કે શ્રીમતીનું પુનરાવર્તન કરવાની જરૂર પડતી નથી.


સુશ્રી પણ સ્ત્રીલિંગ વિશેષણ છે. અને તે છૂટાછેડા લીધેલ કે અપરિણીત મોટી ઉંમરની સ્ત્રીના નામ આગળ લખાય છે. દા.ત. સુશ્રી લતા મંગેશકર. 


વિધવા સ્ત્રીના નામની આગળ ગંસ્વ. લખાય છે. ગંસ્વ. એટલે ગંગાસ્વરૂપ. ગંગાસ્વરૂપ (આખો) શબ્દ છે. ગંગા સ્વરૂપ એમ લખાતો નથી એટલે ગં.સ્વ. એમ લખાય નહીં. એજ રીતે, અખંડસૌભાગ્યવતીનું ટૂંકું રૂપ અસૌ. પરિણીત સધવા સ્ત્રીના નામ આગળ લખાય છે. 


કુંવારી છોકરીના નામ આગળ કુ. અથવા ચિ. લખાય છે. કુ. એ કુમાર અને કુમારીનું ટૂંકું રૂપ છે. ચિ. એટલે ચિરંજીવી. ચિરંજીવી એટલે લાબું આયુષ્ય ધરાવનાર, દીર્ઘાયુષી થાઓ એવા આશીર્વાદના ભાવ સાથે લખાય છે.


ગુજરાતીનો સર્વમાન્ય જોડણીકોશ 'સાર્થ' શ્રીમદ્દનો અર્થ આ મુજબ કરે છે: પવિત્ર અને માન્ય આચાર્ય વિદ્વાન કે ગ્રંથ પૂર્વેનો શ્રીકાર છે. આ વિશેષણ જે નામની આગળ લખાય તે નામ સાથે ભેગું લખાય છે- વચ્ચે સ્પેસ આવતી નથી. શ્રીમદ્દરાજચંદ્ર, શ્રીમદ્દવલ્લભાચાર્ય વગેરે.


શ્રીમદ્દભગવદ્દગીતા હંમેશા આ રીતે ભેગું લખાય છે. #વાતનુંવતેસર એ છે કે ગીતા ઘણા પ્રકાશનો દ્વારા છપાય છે અને મોટાભાગના શ્રીમદ્ ભગવદ્ ગીતા લખે છે જે ખોટું છે. શ્રીમદ્ભગવદ્ગીતા ત્રણ નહીં, એક જ શબ્દ છે.

== મંથન ડીસાકર (સુરત)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3